તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Earlier, Rs 2,000 Was Traded In An Hour, Now It Is Rs. 500, 450 Traders Had To Change Business, Loss Of Rs. 1200 Crore In 3 Months

હાલત કફોડી:પહેલા એક કલાકમાં 2 હજારનો વેપાર થતો હવે રૂ. 500નો થાય છે, 450 વેપારીએ વ્યવસાય બદલવો પડ્યો, 3 માસમાં રૂ.1200 કરોડનું નુકસાન

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોનીબજાર, કાપડ, ફૂટવેર, ઇલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રિક, હોટેલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓની હાલત કફોડી બની, રોકડ-મૂડી ખર્ચાઈ ગયા, બચત વાપરવા કાઢવી પડી
  • નાના વેપારી, દુકાનદારોને દુકાનના ભાડાં ત્રણ- ત્રણ માસના ચડી ગયા
  • મજૂરોને સપ્તાહમાં બે જ વાર મજૂરી મળે છે

કોરોનાની બીજી લહેર અને વેપારીઓના સ્વૈચ્છિક લોકડાઉન અને સરકારના આંશિક લોકડાઉનને કારણે રાજકોટના શાકભાજીથી લઇને સોનાનો વેપાર પ્રભાવિત થયો છે. સામાન્ય રીતે કોરોના પહેલા એક દુકાનમાં એક કલાકમાં રૂ. 2 હજારનો વેપાર થતો હતો અને અત્યારે માત્ર રૂ. 500નો વેપાર થાય છે. સોનીબજાર, ઈલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક, કાપડબજાર, ફૂટવેર અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝના ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. આ બધી ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ત્રણ માસમાં રૂ.1200 કરોડનું નુકસાન થયું છે.

જ્યારે 500 થી વધુ વેપારીઓને પોતાનો વેપાર બદલવો પડ્યો છે. નાના વેપારી, દુકાનદારોને દુકાનના ભાડાં ત્રણ- ત્રણ માસના ચડી ગયા છે. આર્થિક ખેંચતાણમાં વેપારીઓને પોતાની બચત, રોકડ અને મૂડી વપરાઈ ગઈ. આથી તેમણે ઘરના સભ્યોની બચત વાપરવી પડી છે. અત્યારે જે વેપાર થાય છે તેમાંથી ખર્ચા કાઢવા મુશ્કેલ બને છે. મજૂરોને પહેલા રોજ રૂ. 300 સુધીનું મજૂરીકામ મળી રહેતું હતું હવે સપ્તાહમા બે વાર મળે છે.

આંશિક લોકડાઉનને કારણે રાજકોટના શાકભાજીથી લઇને સોનાનો વેપાર પ્રભાવિત, લોકો જરૂર પૂરતી જ વસ્તુ ખરીદી રહ્યા છે

ફૂટવેર માર્કેટ
શૂઝ, મોંઘા ભાવના સેન્ડલની ખરીદી નથી થતી. રોજબરોજમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પલની જ ખરીદી થાય છે. જેનું બજેટ રૂ.150 સુધીનું જ છે. પહેલા લોકો રૂ.2000 સુધીની ખરીદી કરતા અચકાતા નહોતા.

સોનીબજાર
લગ્નની સિઝન ફેલ થવાથી ઓર્ડર કેન્સલ થયા. લોકો હવે જરૂર પૂરતું જ સોનું ખરીદ કરે છે. દુલ્હનને રિવાજ મુજબ જે દાગીના ચડાવવાના હોય તેટલા જ ખરીદે છે.

કાપડ માર્કેટ
લોકો પહેલા રોજબરોજમાં આરામથી 2000ની ખરીદી કરતા અને અત્યારે જરૂર પૂરતી જ ચીજવસ્તુની ખરીદી કરે છે. લોકોનુું બજેટ રૂ. 500 એ પહોંચ્યું છે. લગ્નની ખરીદી સાવ નહીંવત થઈ છે.

હોટેલ-રેસ્ટોરન્ટ
વિદેશની ફ્લાઈટ બંધ છે. એક પણ વિદેશી કે સ્થાનિક પ્રવાસી આવતા નથી. લગ્ન સિઝનમાં હોટેલના બુકિંગ રદ થયા. રેસ્ટોરન્ટમાં રોજનું રૂ. 10 હજારનું કાઉન્ટર રહેતું હવે ત્યાં રૂ. 800નું વેચાણ થાય છે.

કિસ્સો-1 : ભાડાના હપ્તા ચડી ગયા, ઘરની બચત વાપરવા કાઢવી પડે છે
કોરોનાની બીજી લહેરમાં ત્રણ મહિના દુકાન બંધ રહી. મારા સહિત ઘરના અન્ય સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા. ગોડાઉનનું ભાડું રૂપિયા 54 હજાર ચડી ગયું. અત્યારે વેપારીઓને પોતાના ઘરના સભ્યોની બચત વાપરીને ગુજરાન ચલાવી રહ્યા છે. - રવજીભાઈ રામોલિયા, ઈલેક્ટ્રોનિક વેપારી

કિસ્સો-2 : બચત મેડિકલ ખર્ચમાં વપરાઈ, ધંધા માટે ઉછીના પૈસા લેવા પડ્યા
કોરોના મહામારીમાં સતત ત્રણ મહિના સુધી દુકાન બંધ રહી. કોઈ પ્રકારની આવક હતી નહિ. જે બચત હતી તે મેડિકલ ખર્ચમાં વપરાઈ ગઇ. લોકડાઉનમાં છૂટછાટ મળી ત્યારે દુકાનના રોજ બરોજના ખર્ચ કાઢવા માટે મિત્ર પાસેથી ઉછીના પૈસા લીધા. - હિતેષભાઇ અનડકટ, કાપડના વેપારી

કિસ્સો-3: હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા હવે શાકભાજી વેચી રહ્યા છે
રાજકોટમાં એક હોટેલમાં યુવક વર્ષોથી કેશિયર તરીકેની નોકરી કરતો હતો. બીજી લહેર બાદ સેલેરી સ્ટ્રક્ચર બદલાયું અને તેની આવક ઓછી થઈ. આ આવકમાં તેનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું તો તેને નોકરી મૂકી દીધી અને હોલસેલમાં શાકભાજી વેચવાનો ધંધો શરૂ કર્યો તો બીજો યુવક એકાઉટન્ટ તરીકે ફરજ બજાવતો હતો તે અન્ય વ્યવસાય તરફ વળી ગયો.

અન્ય સમાચારો પણ છે...