ભાસ્કર વિશેષ:સિઝનમાં મગફળીનો ભાવ રૂ.1100નો હતો, સટ્ટાખોરીને કારણે રૂ.1400 થયો, સિંગતેલ લૂઝ રૂ.1600 થતા ખાદ્યતેલમાં ફરી તેજી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1600ની ઐતિહાસિક સપાટીએ, કાચો માલ ન મળતા પિલાણ ઘટ્યું

સિંગતેલ લૂઝનો ભાવ બે મહિના બાદ ફરી એક વખત રૂ.1600ની સપાટીએ ઓલટાઇમ હાઈ રહ્યો છે. યાર્ડમાં સિઝન સમયે જે મગફળી રૂ.1100-1200 ના ભાવે વેચાતી હતી તેનો ભાવ અત્યારે રૂ.1400ની નજીક પહોંચ્યો છે. ઉંચા ભાવે કાચા માલની મળતર નહિ મળતા ઓઈલ મિલમાં કામકાજ ઘટ્યા છે. સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1600 ની સપાટીએ પહોંચતા ખાદ્યતેલના ભાવમાં ખૂલતી બજારે એક જ દિવસમાં રૂ.15 નો વધારો આવતા સિંગતેલનો ભાવ રૂ.2775ની સપાટીએ પહોંચ્યો છે.

સિંગતેલની સાથે- સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો આવતા તેલનો ડબ્બો રૂ.2730 થયો છે. હાલ અત્યારે બજારમાં મગફળીની ખરીદી ખેડૂતો બિયારણ માટે કરી રહ્યા છે. મગફળીનો ભાવ ઊંચકાતા આ મોંઘા ભાવની ખરીદી કરવી કોઈને પોષાતી નહિ હોવાનું સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડિયાએ જણાવ્યું છે.

વધુમાં તેના જણાવ્યાનુસાર સરકારે ટેકાના ભાવે જે ખરીદી કરી છે તેનો નિકાલ અત્યારે કરવો જોઇએ. જો બજારમાં માલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનશે તો ભાવ આપોઆપ કાબૂમાં આવશે. હાલ યાર્ડમાં 10 હજાર ક્વિન્ટલની આવક થઇ રહી છે. સોમવારે સિંગતેલનો ભાવ રૂ.2775, કપાસિયા તેલનો ભાવ રૂ. 2730, પામોલીન તેલનો ભાવ રૂ.2470, સરસવ તેલનો ભાવ રૂ. 2580, કોર્ન ઓઈલ રૂ.2400 ની સપાટીએ પહોંચ્યો છે.

મુખ્ય તેલમાં ભાવ વધારો આવતા સાઈડ તેલમાં ભાવ પણ ફરી ઊંચકાયા છે. સમવારે ખૂલતી બજારે સિંગતેલ લૂઝમાં રૂ.1600ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ થયા હતા. જાન્યુઆરી 2021 માં સિંગતેલ લૂઝનો ભાવ રૂ.960, મે માસમાં રૂ.1500, ડિસેમ્બર માસમાં રૂ.1090, 2022 ફેબ્રુઆરીમાં 1345 સુધી ભાવ બોલાયો હતો. ત્યારબાદ આ સૌથી ઉંચા ભાવે કામકાજ નોંધાયા છે.

છેલ્લા 5 દિવસમાં સિંગતેલમાં રૂપિયા 65 નો વધારો
આયાતી તેલ મોંઘા બનતા તેની સાથે સાથે મુખ્ય તેલ પણ મોંઘા થઈ રહ્યા છે અને અન્ય સાઈડ તેલના ભાવ પણ ઉંચા જઇ રહ્યા છે. 5 દિવસમાં સિંગતેલમાં રૂ. 65 નો વધારો થયો છે. 13 એપ્રિલના રોજ સિંગતેલનો ભાવ રૂ. 2720, ત્યાર પછીના ચાર દિવસમાં અનુક્રમે રૂ.10, 20, 10 અને 15 નો વધારો આવ્યો છે. આમ સોમવારે સિંગતેલનો ડબ્બો રૂ. 2775 નો થયો હતો આમ હવે સિંગતેલનો ડબ્બો રૂ. 2800 એ પહોંચવામાં માત્ર રૂ.25 નું જ છેટું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...