વીજકાપ:નવરાત્રિ સમયે જ શહેરના અનેક વિસ્તારોમાં 5 કલાક વીજકાપ ઝીંકાયો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 કે.વી ફીડરોમાં સમારકામને પગલે 22મી સુધી વીજકાપ રહેશે

નોરતાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ભાવિકો સવાર અને સાંજે પૂજાપાઠ, ભક્તિ આરાધનામાં લીન હોય છે પરંતુ નવરાત્રિ ટાણે જ વીજકંપનીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ-પાંચ કલાકના વીજકાપ મૂકતા લોકો અકળાયા છે. પીજીવીસીએલ દ્વારા 11 કે.વી ફીડરોમાં મરામત અને નવી લાઈનની કામગીરીને પગલે 22મી ઓક્ટોબર સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીનો વીજકાપ મુકાયો છે. નવરાત્રીમાં ભાવિકો વહેલી સવારે માતાજીની પૂજા-અર્ચના કરતા હોય તેવા સમયે જ વીજકાપ મુકાયો હોવાથી લોકોમાં પણ રોષ ફેલાયો છે.

8 ઓક્ટોબરને શુક્રવારે વાણિયાવાડી ફીડર હેઠળના વિસ્તારો જલારામ ચોક, પટેલવાડી એરિયામાં વીજકાપ મુકાશે. 10મીએ પેલેસ રોડ અને રજપૂતપરા ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રખાશે. 11મીએ ઉદ્યોગનગર ફીડરના 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, ગુલાબનગર, સોરઠિયાવાડી, કોઠારિયા રોડ વિસ્તારમાં પાવર બંધ રખાશે.12મીએ પેડક રોડ, આર્યનગર, ધરમ પ્રિન્ટની આસપાસનો વિસ્તાર, પાણીના ઘોડાની આજુબાજુનો વિસ્તાર, રણછોડનગર સહિતના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.

13મીએ આજી જીઆઈડીસી અને ખોડિયારપરા વિસ્તારોમાં પાવર બંધ રહેશે. 14મીએ કુવાડવા રોડ, બાલાજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, શિવરંજની પાર્ક, અંબિકા પાર્ક સહિતના વિસ્તારમાં વીજકાપ રહેશે. 16મીએ જંગલેશ્વરના હુસેની ચોક, જંગલેશ્વર મેઈન રોડ, નીલકંઠ પાર્ક, પટેલનગરમાં વીજકાપ રહેશે. 18મીએ મોરારી અને તિરુપતિ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે. આ તમામ વિસ્તારોમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન જ વીજકાપ મુકાતા ભાવિકોમાં ભારે કચવાટ ફેલાયો છે.

શાપર-વેરાવળના 12 ફીડરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 સુધી પાવર બંધ
પીજીવીસીએલના શાપર-વેરાવળ સબ ડિવિઝન હેઠળ કુલ 62 જેટલા ફીડર આવેલા છે જેમાંથી જુદા જુદા વિસ્તારના 12 ફીડરમાં વહેલી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 11 કલાકનો વીજકાપ મુકાશે. શાપર-વેરાવળના 12 ફીડર જ્યાં વીજકાપ મુકાશે તેમાં 8મીએ નીલકંઠ ફીડર, 9મીએ પાઈલોટ ફીડર, 14મીએ ગુડલક ફીડર, 15મીએ કેલ્વીન ફીડર, 16મીએ ગોદાવરી ફીડર, 21મીએ સોનલ ફીડર, 22મીએ ઉમિયા ફીડર, 23મીએ મસ્કત ફીડર, 28મીએ જયંત ફીડર, 29મીએ શાપર ફીડર, 30મીએ ડી.એન ફીડરમાં 11 કલાકનો વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...