ભારત અને શ્રીલંકા વચ્ચેની T-20 શ્રેણીની ચોથી મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં યોજાનાર છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસને પગલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મેચ દરમિયાન પ્રેક્ષકોને સતત માસ્ક પહેરી રાખવા માટે અપીલ કરાઈ છે અને એ અંગેની માર્ગદર્શિકા પણ ટિકિટ પાછળ પ્રકાશિત કરવામાં આવી છે.
ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ
શુક્રવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટ ફિવર છવાશે. 7 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA)માં ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચનો મુકાબલો રમાવાનો છે. તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ આ મુકાબલાના સાક્ષી બનવા માગતા ક્રિકેટરસિકો મેચની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મેચ માટેની ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાને પગલે સાવચેતી જળવાઈ રહે એ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટિકિટ પાછળ ચોક્કસ માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં મેચ દરમિયાન પ્રેક્ષકોને સતત માસ્ક પહેરી રાખવા માટે અપીલ કરાઈ છે.
શ્રીલંકાની ટીમ SCAના ગ્રાઉન્ડ પર પહેલીવાર રમશે
ભારત-શ્રીલંકા વચ્ચે T-20 સિરીઝની એક મેચ રાજકોટના સ્ટેડિયમ ઉપર રમાશે. શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મેચ રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાયા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા,ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બનશે.
ફ્યુઝન-મેસઅપ ગરબાથી ખેલાડીઓનું થશે સ્વાગત
ટીમ ઈન્ડિયા જ્યારે હોટેલ સયાજીમાં પહોંચશે ત્યારે તમામ ખેલાડીઓનું ફ્યુઝન-મેસઅપ ગરબાથી અદ્કેરું સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટેલ દ્વારા રાજકોટના એક ખાસ ગ્રુપને બોલાવવામાં આવ્યું છે. જેઓ ગરબાના વિવિધ સ્ટેપ્સથી ખેલાડીઓને આવકારશે. બીજી બાજુ રાજકોટમાં કડકડતી ઠંડી પડી રહી હોવાથી ખેલાડીઓને અડદિયા સહિતના શિયાળું પાક પીરસવામાં આવશે.
મેચ માટે 400થી વધુ પોલીસ તૈનાત
ખંઢેરીમાં યોજાનાર ભારત-શ્રીલંકા વચ્ચેના ત્રીજા T-20 મેચમાં અનિચ્છનીય બનાવને અટકાવવા રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 5 ડીવાય.એસ.પી., 10 પીઆઇ, 40 પીએસઆઇ, 232 પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના 32 કર્મચારીને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલની બે ટીમને પણ સ્ટેડિયમમાં તૈનાત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.