તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:રાજકોટમાં રૂ.15થી 60 હજારમાં વેચાતી ડુપ્લિકેટ માર્કશીટનો પર્દાફાશ, શાળા સંચાલક સહિત 5ની ધરપકડ, કૌભાંડના તાર ઉત્તરપ્રદેશ સુધી

રાજકોટ4 મહિનો પહેલા
  • બે વિદ્યાર્થીઓએ તો નકલી માર્કશીટને આધારે અભ્યાસ પણ પુરો કરી લીધો

રાજકોટ SOGની ટીમે ઉત્તરપ્રદેશ યુનિવર્સિટી અને ઉત્તરપ્રદેશ બોર્ડની ધોરણ-10, 12 અને ગ્રેજ્યુએશનની રૂ.15થી 60 હજારમાં વેચાતી ડુપ્લિકેટ માર્કશીટનો પર્દાફાશ કરી શાળા સંચાલક સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડના તાર ઉત્તર પ્રદેશ સુધી જોડાયા હોવાનું સામે આવ્યું છે.

શિક્ષક 25 હજારથી માંડી 35 હજારમાં વેચતો હતો
આ બનાવમાં શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં શિક્ષક ખત્રી યુવાન અને તેની પાસેથી નકલી માર્કશીટ્સ ખરીદનારા ચારને પકડી લીધા છે. અન્ય સુત્રધાર યુપીનો શખ્સ અને નકલી ર્માકશીટ ખરીદનારા વધુ ચારના નામ ખુલતાં તેની શોધખોળ શરૂ થઇ છે. શિક્ષક યુવાને યુપીના શખ્સનો એક જાહેરખબર મારફત સંપર્ક કરી નકલી માર્કશીટના ગોરખધંધા શરૂ કર્યા હતાં. યુપીનો શખ્સ નકલી માર્કશીટ ઓર્ડર મુજબ બનાવીને મોકલતો હતો. જેને શિક્ષક ખત્રી યુવાન રૂ. 25 હજારથી માંડી 35 હજારમાં મુળગા એવા ભાવ મુજબ વેંચતો હતો. ચોંકાવનારી વાત એ છે કે બે વિદ્યાર્થીઓએ તો નકલી માર્કશીટને આધારે ઇન્દોર અને રાજકોટની કોલેજમાં અભ્યાસ પણ પુરો કરી લીધો છે.

પોલીસે અન્ય તમામની શોધખોળ હાથ ધરી છે
સમગ્ર કારસાની વિગતો પત્રકાર પરિષદમાં DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને SOG PI આર. વાય. રાવલે માહિતી આપી હતી. પોલીસે નકલી માર્કશીટના આ કૌભાંડમાં ફિઝીકસ વિષય ભણાવતાં શિક્ષક ભાવિક પ્રકાશભાઇ ખત્રી, હરિકૃષ્ણ રાજેશભાઇ ચાવડા, પ્રિતેશ ગણેશભાઇ ભેંસદડીયા, વાસુ વિજયભાઇ પટોળીયા તથા સુરેશ દેવજીભાઇ પાનસુરીયાની ધરપકડ કરી છે. જ્યારે સુત્રધાર રામસિંગ (રહે. યુપી), દિલીપ, પ્રફુલ અરજણભાઇ ચોવટીયા તથા સુરેશ વસોયા તથા તપાસમાં ખુલે તે તમામની શોધખોળ હાથ ધરી છે.

સમગ્ર કારસાની વિગતો પત્રકાર પરિષદમાં DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને SOG PI આર. વાય. રાવલે માહિતી આપી હતી
સમગ્ર કારસાની વિગતો પત્રકાર પરિષદમાં DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને SOG PI આર. વાય. રાવલે માહિતી આપી હતી

તપાસમાં ઉત્તર પ્રદેશ બોર્ડની ધો-10, 12ની નકલી શંકાસ્પદ માર્કશીટ મળી આવી
SOG ટીમને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી પાસે 8/89 વિશ્વકર્મા સોસાયટી-૫માં રહેતો ભાવિક ખત્રી નામનો શખ્સ ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીના નામની તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ-10 અને 12ની નકલી માર્કશીટ બનાવી આપે છે.આ બાતમીને આધારે તા.7ના રોજ તેના ઘરે જઇ તપાસ કરતાં ઘરની જડતી કરતાં ઘરમાંથી ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધો-10, 12ની નકલી શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. આ મામલે એન્ટ્રી નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન હોઇ ભાવિક ખત્રી પાસેથી મળેલી માર્કશીટની ખરાઇ થઇ શકી નહોતી.

જસદણનો દિલીપ કોલેજ અને હાઇસ્કૂલ ચલાવે છે
ત્યારબાદ યુનિવર્સિટીના અધિકારીઓને સરકારી ઇ-મેઇલથી અને સ્પીડ પોસ્ટથી સર્ટિફિકેટની ખરાઇ કરાવવા માટે મોકલતાં ત્યાંથી 15/5ના રોજ જવાબ આવ્યો હતો કે કબ્જે થયેલી માર્કશીટો ડુપ્લિકેટ છે. આ પછી શિક્ષક ભાવીક ખત્રી તથા તેની પાસેથી નકલી માર્કશીટ ખરીદનારા હરિકૃષ્ણ ચાવડા, પ્રિતેશ ભેંસદડીયા, વાસુ પટોળીયા, સુરેશ પાનસુરીયાની ધરપકડ કરવામાં આવી છે. તે પૈકી જસદણનો દિલીપ ત્યાં કોલેજ અને હાઇસ્કૂલ ચલાવે છે. પોલીસના હાથમાં તે હાલમાં આવ્યો નથી. તેના સહિત પ્રફુલ ચોવટીયા, સુરેશ વસોયા અને રામસીંગની શોધખોળ થઇ રહી છે.

માર્કશીટનો ભાવ રૂ.15 હજારથી 60 હજાર સુધીનો
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શિક્ષક ભાવિક ખત્રી ફિઝીકસનો શિક્ષક છે. તેણે અગાઉ ધોળકીયા સ્કૂલ સહિતની સ્કૂલમાં નોકરી કરી છે અને પ્રાઇવેટ ટ્યુશન કલાસ ચલાવ્યા છે. હાલમાં લોકડાઉન હોઇ તે ઘરે બેસે છે. તે નાપસા થતાં કે ભણવામાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓ કે તેના વાલીઓનો સંપર્ક કરી તેને નકલી માર્કશીટ અપાવી દેતો હોવાની શકયતાને આધારે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. સુત્રધાર રામસીંગ ઝડપાયા બાદ વધુ મોટુ કૌભાંડ ખુલવાની શકયતા છે. ભાવિક રાજકોટથી ગ્રાહકો શોધતો અને રામસીંગને જાણ કરતો તેના આધારે ઓર્ડર મુજબ રામસીંગ ધોરણ-10, 12ની અને બીકોમ, બીએસસીની નકલી માર્કશીટ મોકલતો હતો. જેનો ભાવ રૂ. 15 હજારથી 60 હજાર સુધીનો હતો. બે આરોપીઓ પ્રિતેશ ભેંસદડીયાએ નકલી માર્કશીટને આધારે ઇન્દોરની સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટીમાં બીએસસીસનું બીજુ વર્ષ પુરૂ કરી લીધું છે. જ્યારે વાસુ પાટોળીયાએ રાજકોટની આર. કે. કોલેજમાં બી. ફાર્મમાં બીજુ વર્ષ પુરૂ કરી લીધુ છે. કુલ કેટલી આવી નકલી માર્કશીટો વેંચી છે? બીજુ કોણ કોણ સામેલ છે? તે સહિતની તપાસ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...