શહેરના મોરબી રોડ પરના સોહમનગરમાં રહેતા યોગેશભાઇ પ્રવીણભાઇ મકવાણા (ઉ.વ.29) અને મોટી પરબડીમાં રહેતો તેનો સાળો કલ્પેશ પ્રકાશભાઇ ચુડાસમા (ઉ.વ.27) બુધવારે બપોરે એક્ટિવા પર સોહમનગરથી રેલનગરમાં જવા નીકળ્યા હતા અને બેડી ચોકડી પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે એક્ટિવાને ઠોકર મારી હતી. અકસ્માતમાં સાળો બનેવી એક્ટિવા પરથી ફંગોળાયા હતા. રસ્તા પર પટકાયેલા કલ્પેશ ચુડાસમા પર ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના બનેવી યોગેશભાઇને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ અકસ્માત સર્જનાર ચાલક ડમ્પર સાથે નાસી ગયો હતો.
બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટી પરબડીમાં રહેતો કલ્પેશ કેટરિંગનું કામ કરતો હતો, કેટરિંગના કામે બે દિવસ પૂર્વે મોરબી ગયો હતો, મંગળવારે ભારત બંધના એલાનને પગલે બસની વ્યવસ્થા ખોરવાતા રાજકોટમાં તેના બનેવી યોગેશભાઇના ઘરે રોકાઇ ગયો હતો, કલ્પેશના કાકા અનિલભાઇ ગોવિંદભાઇ ચુડાસમા રેલનગરના ઋષિકેશ પાર્કમાં રહેતા હોય કલ્પેશ કાકાને મળવા માટે તેના બનેવી સાથે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળનો કોળિયો બની ગયો હતો. એક બહેનના એકના એક ભાઇ અને વિધવા માતાના પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.