વ્યાજખોરોનો ત્રાસ:વ્યાજખોરોના લીધે ધોળકિયા પરિવારમાં બીજો ભોગ લેવાયો આરોપીઓ હજુ ફરાર

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અને પોલિટિિશયન ચૂંટણીમાં વ્યસ્ત, ચારમાંથી એક જ આરોપી પકડાયો

શહેરના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતું દંપતી અને તેના યુવાન પુત્રએ શુક્રવારે મધરાત્રે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, રવિવારે યુવકના મૃત્યુ બાદ સોમવારે સાંજે તેની માતાએ પણ દમ તોડી દેતા મૃત્યુ આંક બે થયો હતો. પોલીસે ચાર વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ હજુ સુધી એક જ આરોપી સુધી પોલીસ પહોંચી શકી હતી.

મિલાપનગરમાં રહેતા અને ઝેરોક્સની દુકાન ચલાવતાં કીર્તિભાઇ હરકિશનભાઇ ધોળકિયા (ઉ.વ.48) તેમના પત્ની માધુરીબેન (ઉ.વ.46) અને તેના પુત્ર ધવલે (ઉ.વ.24) શુક્રવારે મધરાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી અને ધવલ ધોળકિયાની ફરિયાદ પરથી લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા અને મહેબૂબશા સામે ગુનો નોંધ્યો હતો, ધવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધંધાના કામે તેના પિતાએ સંજયરાજસિંહ પાસેથી રૂ.10 લાખ, યુવરાજસિંહ પાસેથી રૂ.50 હજાર અને મહેબૂબશા પાસેથી રૂ.8 લાખ વ્યાજે લીધા હતા, અને વ્યાજખોરોને નિયમિત વ્યાજ ચૂકવતા હતા.

શુક્રવારે રાત્રે કીર્તિભાઇ પોતાના ઘરે પહોંચ્યા હતા અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી રહ્યાં છે અને પોતાની દુકાન લખાવી લેવા માટે ધમકી આપે છે, ધવલ મુંધવા સહિતનાઓ ધમકી આપતા હોય હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી, તેવી વાત કરતાં પુત્ર ધવલ અને તેની માતા માધુરીબેન પણ કીર્તિભાઇની વાત સાથે સહમત થયા હતા અને ત્રણેયે સાથે ઝેરી દવા પી લીધી હતી. પોલીસે શનિવારે ધવલની ફરિયાદ પરથી ઉપરોક્ત ચારેય આરોપી સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, રવિવારે સારવાર દરમિયાન ધવલ ધોળકિયાનું મૃત્યુ થયું હતું, યુવાન પુત્રનાં મોતથી ધોળકિયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય નહીં ત્યાં સુધી ધવલનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પુત્રના મૃત્યુનો આઘાત ધોળકિયા પરિવાર પર હતો ત્યાં સોમવારે સાંજે ધવલના માતા માધુરીબેને પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, ગણતરીની કલાકોમાં માતા પુત્રનાં મોતથી ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે આરોપીઓ સામે આપઘાતની ફરજ પાડવાની કલમનો ઉમેરો કર્યો હતો પરંતુ ચાર પૈકી ધવલ મુંધવા એક જ આરોપી પોલીસને હાથ આવ્યો હતો, બેફામ બનેલા વ્યાજખોરોથી આખા પરિવારે ઝેરી દવા પીવી પડી હતી ત્યારે આરોપીઓ પોલીસને હાથ નહીં આવતા પોલીસની કામગીરી સામે પણ લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...