આજે ભીમ અગિયારસનો તહેવાર છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ આજના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતો હોય છે ત્યારે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જેને પગલે ખેતરો પાણી પાણી થયા છે. જયારે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
હાલ ગોંડલના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. પરંતુ બપોર બાદ ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. અને હાલ વરસાદ વરસી રહ્યો છે.જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.
3 દિવસ પહેલા પણ અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો
આજથી 3 દિવસ પહેલા પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.
દેશમાં 103 ટકા વરસાદની આગાહી
આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
(દેવાંગ ભોજાણી, ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.