ભાસ્કર વિશેષ:આગોતરું-મોડું વાવેતર થતા આ વર્ષે યાર્ડમાં જણસીની આવક કટકે કટકે, જીરુંની આવક 5 લાખ કિલોએ પહોંચી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ધાણા, જીરું, ચણા, ઘઉં, સૂકા મરચાંની સિઝન શરૂ થઈ, જીરુંનો ભાવ રૂ.5600એ પહોંચ્યો

રાજકોટ જિલ્લામાં આ વખતે કુલ 16 જણસીનું 5,39,398 હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષની સરખામણીએ 2,90,679 હેક્ટર વધારે છે. જોકે આ વખતે કેટલાક વિસ્તારમાં વાવેતર આગોતરું થયું હતું, તો કેટલાક વિસ્તારમાં ચોમાસું વધારે હોવાને કારણે વાવેતર પર નુકસાન થયું હતું. અને ત્યાં જે-તે જણસીનું વાવેતર વરસાદે વિરામ લીધા બાદ થયું હતું. આમ વાવેતર એકસાથે નહિ થવાથી તેની અસર યાર્ડમાં થતી આવક પર પડી છે. સામાન્ય રીતે નવી જણસીની આવક શરૂ થાય તો તેનો ફ્લો એકસાથે જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે એકસાથે આવક થવાને બદલે કટકે- કટકે આવક થઈ રહી છે.

અત્યારે બેડી યાર્ડમાં નવા ઘઉં, ચણા, ધાણા, જીરુંની આવક શરૂ થઈ ગઈ છે. અત્યારે જે આવક થાય છે તેમાં માર્ચ માસમાં વધારો થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. હાલના તબક્કામાં સૌથી વધુ આવક કપાસ અને જીરુંની થઈ રહી છે. જે તે સમયે જીરુંની ડિમાન્ડ વધતા સામે આવક નહિ હોવાને કારણે તેનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો. અત્યારે નવા જીરુંનો ભાવ રૂ. 5600એ પહોંચ્યો છે. અત્યારે લોકવન અને ટૂકડા ઘઉંની આવક 4200 ક્વિન્ટલ કરતા વધુ થઈ રહી છે. તેનો ભાવ રૂ. 415થી 534 સુધી હરાજીમાં બોલાઈ છે. કપાસના ભાવે રૂ.1650ની સપાટી જાળવી રાખી છે. સામાન્ય રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાવેતર 15 જૂનથી શરૂ થાય છે.

સિંગદાણામાં આવક 20 ક્વિન્ટલે પહોંચી છે. મગફળીની સિઝન પૂર્ણ થવાના આરે હોય તેની આવકમાં ઘટાડો નોંધાયો છે. જાડી અને ઝીણી બન્ને મગફળી મળીને આવક 2100 ક્વિન્ટલ નોંધાઈ રહી છે. મગફળીની આવક ઘટી છે. બજારમાં ડિમાન્ડ નીકળતા સિંગતેલમાં 10 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો, તેલનો ડબ્બો 2900એ પહોંચવામાં માત્ર રૂ.20નું જ છેટું રહ્યું છે.

જિલ્લામાં હેક્ટર દીઠ વાવેતર-ટકાવારી

તાલુકોખેડાણ વિસ્તારવાવેતરની ટકાવારી
ધોરાજી40,12650.39
ગોંડલ93,04544.1
જામકંડોરણા41,39538.27
જસદણ62,66841.93
જેતપુર52,10247
કોટડાસાંગાણી32,00056.01
લોધિકા24,29561.44
પડધરી39,63853.75
રાજકોટ64,05642.79
ઉપલેટા56,67054.99
વીંછિયા33,40324.34

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...