ખંડણીખોરો ઝડપાયા:દુબઇ સ્થિત યુવાનની ઉઘરાણીના ઝઘડામાં મિત્રનું અપહરણ કર્યું, રૂ.2.50 કરોડનો કોરો ચેક માંગ્યો,પોલીસે ટ્રેપ ગોઠવી ચારેયને ઝડપી લીધા

રાજકોટ19 દિવસ પહેલા
પોલીસે ચારેય અપહરણકારોને ઝડપી લીધા
  • કોલીથડ ગામે વાડીમાં ગોંધી રાખી માર મારી ચેક માંગ્યો, ચેક લેવા આવતા ગોંડલ રોડ ચોકડીએ ઝડપાઈ ગયા

રાજકોટનાં કોઠારીયા રોડ પર અર્જુન પાર્કમાં રહેતા કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતાં પટેલ યુવાનનું દુબઈ ખાતે રહેતા તેના મિત્રની ઉઘરાણીના ઝઘડામાં 4 શખ્સોએ અપહરણ કર્યું. ગોંડલ નજીક કોલીથડની વાડીમાં લઈ જઈ ગોંધી રાખી માર મારી તેના પિતા તેમજ મિત્રનાં ભાઈને સાથે ફોનમાં વાત કરાવી અઢી કરોડનો ચેક લખાવ્યા બાદ આ અપહૃત યુવાનને મુકત કર્યો હતો. પોલીસે ટ્રેપ ગોઠવી ચેક લેવા આવેલા ચારેય અપહરણકારોને ઝડપી લીધા હતાં.

ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી
રાજકોટનાં કોઠારીયા રોડ પર અર્જુન પાર્ક શેરી નં.1 વૈશાલીકુંજ મકાનમાં રહેતા મુળ કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના વતની ઉપેન્દ્ર પરસોતમભાઈ કરતબા (ઉ.30) નામના પટેલ યુવાનની ફરિયાદનાં આધારે ભક્તિનગર પોલીસે રાજકોટનાં અશ્વિન ડાવરા, વિવેક રમેશ ડાવરા, કલ્પેશ વલ્લભ ડાવરા અને ચિંતન ગોવિંદ કાંજીયા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.

ઉપેન્દ્રને રોકડની લેવડ દેવડ માટે કામ સોંપતો
પોલીસ તપાસ અને ફરિયાદમાં જાણવા મળતી માહિતી મુજબ, મુળ મેંગણીનાં વતની અને કોમ્પ્યુટર રીપેરીંગનો વ્યવસાય કરતો ઉપેન્દ્ર થોડા વર્ષો પૂર્વે હાલ દુબઈ સ્થાયી થયેલા રાજકોટનાં હિરેન વલ્લભ ડાંગરીયા સાથે ભાગીદારીમાં કોમ્પ્યુટરનો વ્યવસાય કરતો હતો ત્યારબાદ હાલ હિરેન દુબઈ સ્થાયી થયો છે અને તે એકસપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય કરે છે. તેની સાથે રાજકોટમાં રમેશ ડાવરા ભાગીદારીમાં એકસપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય કરતો હોય જેથી નાણાકીય લેવડ દેવડ થતી હોય હિરેન પોતાની જુની ભાગીદારી અને મિત્રતાના દાવે ઉપેન્દ્રને રોકડની લેવડ દેવડ માટે કામ સોંપતો હોય જેથી રમેશ પાસેથી અનેક વખત મોટી રોકડ રકમ લઈ તે રકમ દુબઈ હિરેનને આંગડીયા દ્વારા મોકલતો હોય દરમિયાન હિરેન અને રમેશ વચ્ચે કોઈ કારણોસર નાણાકીય બાબતે ઝગડો થયો હતો.

અઢી કરોડનો ચેક લખાવ્યો હતો
જેથી હિરેન ડાંગરીયા વતી ઓફિસેથી રોકડ રકમ લઈ જતાં ઉપેન્દ્ર પાસે 25 લાખ હિરેન પાસેથી જે લેવાના નીકળતા હોય તે લેવા માટે રમેશે વારંવાર દબાણ કર્યુ હતું. જો કે ઉપેન્દ્રએ પોતે માત્ર હિરેનના કહેવાથી રકમ લઈ જતો હોય તે હિરેનના બિઝનેસ સાથે જોડાયેલો નહીં હોવાની વાત કરી હતી પરંતુ 25 લાખની ઉઘરાણી માટે પૂર્વ આયોજિત કાવતરું રચી રમેશ, અશ્વિન અને કલ્પેશે ગઈકાલે સાંજે ઉપેન્દ્રને મળવા બોલાવી તેને કારમાં અપહરણ કરીને લઈ ગયા હતાં. કલ્પેશ વલ્લભ ડાવરાની ગોંડલના કોલીથડ ગામે આવેલી વાડીએ લઈ જઈ ઉપેન્દ્રને લોખંડ તથા પ્લાસ્ટીકના પાઈપ વડે બેફામ માર મારી ગોંધી રાખ્યો હતો. તેમજ આ બાબતે ઉપેન્દ્રનાં પિતા પરસોતમભાઈ અને દુબઈ ખાતે રહેતા હિરેનના ભાઈ ભાવેશ ડાંગરીયાને ફોન કરી સ્પીકરમાં વાત કરાવી બળજબરીથી પૈસા કઢાવવા ધમકી આપી અપહૃત ઉપેન્દ્ર મારફતે ફોન કરાવીને અઢી કરોડનો ચેક લખાવ્યો હતો.

અપહૃત ઉપેન્દ્રને મુકત કરાવ્યો
આ બાબતે ભક્તિનગર પોલીસને પરસોતમભાઈ અને ભાવેશભાઈએ જાણ કરતાં પીઆઈ એલ.એલ.ચાવડા અને તેમની ટીમે અપહૃત ઉપેન્દ્રને મુકત કરાવવા માટે ટ્રેપ ગોઠવી હતી અને દુબઈ રહેતાં હિરેનના રાજકોટ ખાતે રહેતા ભાઈ ભાવેશ મારફતે અઢી કરોડનો ચેક લેવા બોલાવી ગોંડલ રોડ ચોકડીએથી અપહરણકારોને ઝડપી લઈ અપહૃત ઉપેન્દ્રને મુકત કરાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અપહૃત યુવાનને હેમખેમ છોડાવવા પોલીસનું ગુપ્ત ઓપરેશન
અપહરણકારોએ ઉઘરાણી માટે અઢી કરોડના રકમની માંગ કરી હોય જે રકમનો ચેક દુબઈ રહેતાં હિરેનના રાજકોટ ખાતે રહેતા ભાઈ ભાવેશ મારફતે અપાવવા માટે વાતચીત આગળ કરી હતી અનેં ગોંડલના કોલીથડ ગામે વાડીમાં ઉપેન્દ્રને ગોંધી રખ્યો હોય ત્યાંથી કારમાં રાજકોટ લાવવા માટે અપહરણકારોની વાતચીત બાદ ચેક લેવા માટે ગોંડલ ચોકડીએ બોલાવ્યા હતાં અને પોલીસે અપહરણકારોને ઝડપી લઈ અપહૃત ઉપેન્દ્રને મુકત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...