રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર મધરાત્રે દારૂના નશામાં માતેલા સાંઢની માફક જેટ સ્પીડે કારચલાવતા ટ્રાફિકના પોલીસમેને સામેથી આવતી નવી નક્કોર કિયા કારને અડફેટે લઈ વેપારી પતિ-પત્નીને મુંઢ ઈજા કરી બંન્ને કારમાં નુકસાન કર્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે ટ્રાફિક પોલીસમેન સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક પોલીસમેન વિરુદ્ધ ફરિયાદ દાખલ
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ ટી.એન. રાવ કોલેજ પાસે નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી શૈલેષ હરખાભાઈ ઘોડીસરા (ઉ.વ.34)એ યુનિવર્સિટી પોલીસમથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધરમનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાફિક પોલીસમેન તરીકે ફરજ બજાવતા રવિ મોહનભાઈ ગઢવીનું નામ આપ્યું છે.
દારૂના નશામાં પોલીસમેને કિયા કારને અડફેટે લીધી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કુવાડવા જીઆઈડીસીમાં કલર પેઈન્ટનો ધંધો કરતા ફરીયાદી શૈલેષ ઘોડસરાએ નવી કિયા કાર છોડાવી હોય તેનું રજીસ્ટ્રેશન કરાવી ગઈકાલે રજા હોય પરિવાર સાથે ધ્રોલ ગયા હતા. રાત્રે 12 વાગ્યે પટેલ પરિવાર ધ્રોલથી પરત ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ પર મુંજકા ચોકડી અને કટારીયા ચોકડી વચ્ચે બાપુની હવેલી હોટલ પાસે સામેથી દારૂના નશામાં પૂરઝડપે અટીકા કાર લઈને આવેલા પોલીસમેને કિયા કારને અડફેટે લીધી હતી.
ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ
આ અકસ્માતમાં ફરીયાદી શૈલેષ ઘોડાસરા અને તેમની પત્ની જલ્પાબેનને સામાન્ય ઈજા પહોચી હતી. જ્યારે નવી નક્કોર કિયા કારમાં બે લાખનું અને અટીકા કારમાં પણ નુકસાન થયું હતું. આ બનાવની યુનિવર્સિટી પોલીસને જાણ થતા અકસ્માત સર્જનાર ટ્રાફિક પોલીસમેન રવિ ગઢવી સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.