રાજકોટ પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે જે બાબત રાજકોટમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ કરે છે, એટીએસે ઓનલાઇન મગાવાતા ડ્રગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ત્યારે રાજકોટમાં પણ 300થી વધુ સેવન કરનારાના નામની યાદી તૈયાર થઇ છે, રાજકોટમાં ડ્રગ્સ પેડલરો પોતાનો કાળો કારોબાર ચલાવવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા છે.
રાજકોટમાં યુવાનો અગાઉ બર્થડે પાર્ટીમાં દારૂની છોળો ઉડાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દારૂની જગ્યા ડ્રગ્સે લીધી છે, શહેરના છેવાડાના વિસ્તારોમાં તેમજ કેટલાક મેદાનોમાં ડ્રગ્સની પાર્ટી થવા લાગી છે, પોલીસે અત્યાર સુધીમાં ડ્રગ્સ પેડલરને પકડ્યા છે પરંતુ સેવન કરનારાઓ પોલીસની ઝપટે નહીં ચડતાં આ વ્યાપ વધી રહ્યો છે. શહેરની ભાગોળે આવેલી કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓ ડ્રગ્સ સેવન માટે કુખ્યાત બન્યા છે, આ કોલેજોના વિદ્યાર્થીઓ કોલેજ નજીકના સ્થળોએ સમયાંતરે ડ્રગ્સ પાર્ટી કરતા હોવાની વાત ચર્ચાનો વિષય બન્યો છે.
શહેરના એક પોલીસ અધિકારીએ નામ નહીં લખવાની શરતે કહ્યું હતું કે, ડ્રગ્સના સેવનનો વ્યાપ વધારવા માટે પણ કીમિયો અજમાવવામાં આવે છે, જે કોઇ વિદ્યાર્થી કે યુવક ડ્રગ્સનું સેવન કરતો હોય તેને નિયમિત ડ્રગ્સ મેળવવા માટે મોટી રકમ ખર્ચવી પડે છે. તેમજ નિયમિત રીતે ડ્રગ્સ મળી રહે તે માટે મોટું ગ્રૂપ હોય તો દર વખતે કોઇને કોઇ વ્યક્તિ વ્યવસ્થા કરે તો ડ્રગ્સ મેળવવામાં આસાની રહે, આ માટે અગાઉથી ડ્રગ્સનું સેવન કરતો યુવક કે વિદ્યાર્થી ધીમે ધીમે તેના મિત્રને પોતાની ચુંગાલમાં ફસાવે છે, એકાદ બે વખતે મિત્રતાના નામે ડ્રગ્સનું સેવન કરાવે છે અને જ્યારે તે વ્યક્તિ પણ ડ્રગ્સનો બંધાણી થાય એટલે તેની પાસેથી પૈસાની માંગ કરવામાં આવે છે, વ્યસન સંતોષવા માટે તે વ્યક્તિ પૈસા આપે છે, અને તેનો સિનિયર પોતાના ડ્રગ્સનો ખર્ચ તેમાંથી કાઢે છે.
રાજકોટમાં હવે માત્ર યુવકો જ નહીં પરંતુ યુવતીઓ પણ ડ્રગ્સના રવાડે ચડી છે, સાતેક મહિના પૂર્વે એક યુવા ક્રિકેટર અને તેની ગર્લફ્રેન્ડ ડ્રગ્સના વ્યસની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, કેટલાક કિસ્સામાં તો ડ્રગ્સના વ્યસનને સંતોષવા અને તેના ખર્ચને પહોંચી વળવા યુવકો ચોરી અને છેતરપિંડીના રવાડે ચડ્યાના પણ કિસ્સા બન્યા છે, પરંતુ સમાજમાં આબરૂ જવાના બીકે મામલો પોલીસ સુધી પહોંચવા દેવાતો નથી. શહેરના યુવાનો ડ્રગ્સના રવાડે ચડતા અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે પોલીસે અા દૂષણને ડામવા કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.