રામનાથપરા વિસ્તારના વસીમ નામના ઇસમને પોલીસે રૂ.5.44 લાખના હેરોઇન અને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ તેને 5 દિવસના રિમાન્ડ પર લીધો છે, આ ઇસમ અગાઉ નવ વખત રાજસ્થાનના પ્રતાપગઢથી માદક પદાર્થ લાવ્યાનો પોલીસ તપાસમાં ધડાકો થયો હતો. ડ્રગ્સ સપ્લાય કરનાર પ્રતાપગઢના શખ્સને પકડવા રાજકોટ પોલીસ ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા.
રામનાથપરામાં જાની અનાજ ભંડાર નામની દુકાન સામે રહેતા નામચીન ડ્રગ્સ પેડલર વસીમ અસરફ મુલતાણીને શનિવારે રાત્રે તેના ઘર નજીકથી એસઓજીના પીઆઇ ઝાલા સહિતની ટીમે રૂ.5.44 લાખના માદક પદાર્થ સાથે ઝડપી લીધો હતો, પોલીસથી બચવા વસીમે પોતે પહેર્યા હતા તે સ્લીપર ચીરીને તેમાં માદક પદાર્થ છુપાવ્યો હતો, માદક પદાર્થનો જથ્થો ઝડપાયા બાદ આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ ધોળા સહિતના સ્ટાફે આરોપી વસીમ મુલતાણીની આગવીઢબે પૂછપરછ કરતાં તેણે અગાઉ નવેક વખત રાજસ્થાનના પ્રતાપગઢ જઇ માદક પદાર્થની ફેરી કર્યાની કબૂલાત આપી હતી, જોકે પોતે માદક પદાર્થનું સેવન કરતો હોવાથી લાવ્યાનું રટણ રટ્યું હતું, પોતે પ્રતાપગઢ માદક પદાર્થ લેવા જતો ત્યારે ત્યાંનો શખ્સ જે સ્લીપર આપતો તે સ્લીપર પોતે પહેરી લેતો હતો અને સ્લીપરમાં જ માદક પદાર્થ છુપાવેલું રહેતું. વસીમને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તા.7 સુધી રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. વસીમ શાળા કોલેજ પાસે જઇ વિદ્યાર્થીઓનો માદક પદાર્થ વેચતો હોવાની પોલીસને દૃઢ શંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.