નશાનો કાળો કારોબાર:બોલિવૂડની જેમ રાજકોટમાં પણ ડ્રગ્સનું દુષણ, અંડર 19 રમેલા ક્રિકેટરની માતાનો વલોપાત : પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે, ચિઠ્ઠી લખી નાસી ગયો છે

રાજકોટએક મહિનો પહેલા
  • તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો લખી પુત્રે ઘર છોડ્યું
  • મહિલાને ન્યાય આપવામાં આવશે, પોલીસની ભૂમિકા હશે તો પણ કડક પગલાં લેવાશે : CP

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે હવે રાજકોટમાં પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર ચિઠ્ઠી લખી પોતાનુ ઘર છોડી નાસી છૂટ્યો છે. જેથી તેની માતા મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી છે. તેની માતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ડ્ર્ગ્સના રવાડે ચડ્યો છે અને આ ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જોઈએ છે..

ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ
ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ

ડ્રગ માફિયાઓની પોલીસ સાથે મીલીભગત
મહિલાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર નશાનાં રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરતો હોવાથી તેની સમગ્ર મામલે પોતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેમને રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજા ને જૂન મહિનામાં મળી રજુઆત કરી હતી. આજે અચાનક સવારે તેમનો પુત્ર ચિઠ્ઠી લખી ઘર છોડી નાસી ગયો હતો. જેથી પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાએ મીડીયનો સંપર્ક કર્યો હતો. અને મીડિયા સમક્ષ ડ્રગ માફિયાઓની પોલીસ સાથે મીલીભગત હોવાથી કાર્યવાહી ન થતો હોવાનો આક્ષેપ કર્યો હતો આ સમયે રાજકોટ SOG પોલીસ ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી લઇ જઈ નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.

તે 2500થી 3000 રૂપિયામાં ડ્રગ્સ ખરીદતો હતો ( પ્રતીકાત્મક તસવીર )
તે 2500થી 3000 રૂપિયામાં ડ્રગ્સ ખરીદતો હતો ( પ્રતીકાત્મક તસવીર )

અગાઉ પોલીસને રજુઆત કરી હતી
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો આજે પુત્ર ચિઠ્ઠી લખી નાસી ગયો છે. એ ક્યાં છે તેની મને ખબર નથી પરંતુ અગાઉ જે સમયે પોલીસને રજુઆત કરી હતી ત્યારે મને અને મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આજે સવારે પુત્ર ચિઠ્ઠી લખી નાસી ગયો છે જેમાં લખ્યું છે કે, તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો માટે આજે હું ઘર છોડી જાવ છું.

મહિલાને ન્યાય આપવામાં આવશે, પોલીસની ભૂમિકા હશે તો પણ કડક પગલાં લેવાશે : CP
મહિલાને ન્યાય આપવામાં આવશે, પોલીસની ભૂમિકા હશે તો પણ કડક પગલાં લેવાશે : CP

તે 2500થી 3000 રૂપિયામાં ડ્રગ્સ ખરીદતો હતો
આ સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મારો દીકરો જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો. આ અંગે પોલીસને રજૂઆત બાદ કોઈ પગલાં તો લેવાયા નથી. પણ આ ડ્રગ્સ માફિયાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ મને ધમકી આપી રહ્યાં છે. જેને લઈને ડ્રગ્સ માફિયાઓને પોલીસ સાથે જ સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, મારા પુત્રના કહેવા મુજબ પોલીસની ગાડી લઈ માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. આ ડ્રગ્સ રેકેટમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ સંડોવાયેલા છે.

મહિલાનો ઘટસ્ફોટ : મારો પુત્ર ડ્ર્ગ્સના રવાડે ચડ્યો છે
મહિલાનો ઘટસ્ફોટ : મારો પુત્ર ડ્ર્ગ્સના રવાડે ચડ્યો છે

રાજકોટ પોલીસ ઉંઘમાંથી જાગી
ગૃહરાજ્યમંત્રીનાં આદેશ બાદ આખરે રાજકોટ પોલીસ ઉંઘમાંથી જાગી છે અને લાપતા યુવકને શોધવા કામે લાગી છે. અને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તપાસના આદેશો આપ્યા છે. આ અંગેની તમામ માહિતી મેળવી નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. પોલીસ કમિશ્નરનાં જણાવ્યા મુજબ, મીડિયા દ્વારા સમગ્ર મામલો સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ યુવકની માતા પાસેથી વધુ વિગતો લેવામાં આવી રહી છે. સમગ્ર મામલે કોઈપણ પોલીસકર્મીની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવનું નેટવર્ક શોધી કાઢવામાં પોલીસને અમુક કડી હાથ લાગી ચુકી છે. જો કે આ અંગેનો ખુલાસો સમય આવ્યે કરવામાં આવશે. સાથે રજૂઆત કરનાર મહિલાને કોઈપણ અસુરક્ષાની ભાવના ન રહે તેવા સંપૂર્ણ પ્રયાસો પોલીસ કરી રહી હોવાની ખાતરી પણ તેમણે આપી છે.

ડ્રગ્સ સપ્લાયર સુધા ધામેલીયા મહિલા પોલીસને જોઇને ભાગી - ફાઈલ તસ્વીર
ડ્રગ્સ સપ્લાયર સુધા ધામેલીયા મહિલા પોલીસને જોઇને ભાગી - ફાઈલ તસ્વીર

ડ્રગ્સ સપ્લાયર મહિલા પોલીસને જોઇને ભાગી
ઉલ્લેખનીય છે કે આજથી 4 મહિના પૂર્વે એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં ફરાર રૈયાધાર સ્લમ ક્વાટર્સમાં રહેતી સુધા સુનિલ ધામેલિયા (ઉ.વ.39)ની પોલીસે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી. જેમાં તેને પકડવા ગયેલી પોલીસની ખાનગી કાર ઓળખી જતાં જ ગુનેગાર મહિલા તેનું એક્ટિવા પુરપાટ ઝડપે હંકારી શેરી-ગલીમાં ભાગી ગઇ હતી, જોકે બે મહિલા કોન્સ્ટેબલે તેની કારમાંથી તાબડતોબ ઉતરી એ જ વિસ્તારના એક એક્ટિવા ચાલકને રોકીને તેનું એક્ટિવા લઇ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો અને અંતે મહિલા બંધ શેરીમાં પહોંચી હતી અને ત્યાંથી ભાગવું તેના માટે મુશ્કેલ બનતા તે ઉભી રહી ગઇ હતી તે સાથે જ તેને ઝડપી લીધી હતી.