રાજકોટ જિલ્લા કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ 104 સ્થળ આસપાસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સ્થળોએ એસપી અથવા તો તેમણે અધિકૃત કરેલા પોલીસ ઈન્સ્પેક્ટર સુધીની કક્ષાના અધિકારીઓ પાસેથી મંજૂરી લીધા બાદ ડ્રોન ઉડાવી ફોટો કે વીડિયોગ્રાફી કરી શકાશે નહીંતર જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરાશે.
જિલ્લા કલેક્ટરે જાહેરનામામાં બહાર નોંધ્યું છે કે, થોડા સમય પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન હુમલાનો બનાવ બન્યો છે ત્યારે યુએવી, ડ્રોન જેવા સંસાધનોથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ સુલેહ શાંતિ જોખમાય તેવી શક્યતા હોવાથી સરકારી કચરીઓ, વીજ સબ સ્ટેશનો, મંદિર, મસ્જિદ, ડેમ, ડેમસાઈટ, પુલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર યુએવી કે રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ, એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સાધનો પર પ્રતિબંધ રહેશે.
જાહેરનામાની સાથે 104 સ્થળની યાદી અપાઈ છે. આ યાદીમાં ગ્રામ્ય વિસ્તારના 66 કે.વી.થી માંડી 400 કે.વી. સુધીના વીજ સબ સ્ટેશન સમાવાયા છે. આ ઉપરાંત ખોડલધામ કાગવડ, જલારામ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, લાલશાપીર દરગાહ સહિતના ધાર્મિક સ્થળોને પણ ડ્રોન બંધીમાં આવરી લેવાયા છે.
ડ્રોન પ્રતિબંધ માટે રેડ અને યલો ઝોન જાહેર
જાહેરનામામાં જે સ્થળ અપાયા છે તે રેડ અને યલો મુજબ ઝોનમાં વિભાજિત કરાયા છે. સ્થળની અગત્યતાને લઈને આ ઝોન પડાયા છે જેમ કે જેટલા પણ સબ સ્ટેશન છે તે મોટાભાગે રેડ ઝોનમાં જ છે અને ત્યાં 2 કિ.મી.ની ત્રિજ્યા સુધી પ્રતિબંધ લંબાવાયા છે. આ ઉપરાંત હિંગોળગઢ જેવા અભયારણ્ય પણ રેડ ઝોનમાં છે અને તેની 7 કિ.મી.ની ત્રિજ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.