અકસ્માતના LIVE દૃશ્યો:રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાની રાહદારીને ટક્કર, 20 ફૂટ ઢસડાયો, CCTV

રાજકોટ10 દિવસ પહેલા
  • કારચાલક મહિલાએ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગઇકાલે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલક મહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતાં યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ જેટલો ઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં
CCTVમાં જોવા મળતી વિગત મુજબ, યુવાન પગપાળા ચાલી જતો જોવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ કારે યુવાનને જોરદાર ટક્કર મારતાં તે રોડ પર પટકાઇને 20 ફૂટ જેટલો ઢસડાતો જોવા મળે છે. કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

કારચાલક મહિલાએ ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડ્યો
આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા 3થી 4 બાઇકને પણ અડફેટે લેતાં એમાં નુકસાન પહોંચ્યું છે.

યુવાન રસ્તા પર ચાલીને પસાર થઈ રહ્યો હતો.
યુવાન રસ્તા પર ચાલીને પસાર થઈ રહ્યો હતો.

ગઇકાલે જામનગર રોડ પર ઠોકરે લેતાં એક યુવાનનું મોત
ગઇકાલે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક ST બસે બાઇકને ઠોકરે ચડાવતાં યુવાનચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપિનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના ભાઇ આકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.12ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતો હતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતાં બસે અકસ્માત સર્જ્યો હતો.