સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે રાજકોટના વાહનચાલકોને સૌથી વધુ ઇ-મેમો ફટકારી કરોડો રૂપિયાની રકમ સમાધાન શુલ્કના નામે વસૂલી હતી, બે યુવા એડવોકેટે પોતાને મળેલા ઇ-મેમોને કોર્ટમાં પડકાર્યા હતા અને કોર્ટે આ અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસને દંડ વસૂલવાની સત્તા નથી, જે વાહનનો ઇ-મેમો જનરેટ થયો હોય તેની સામે એન.સી. કેસ રજૂ કરવા જોઇએ, અને છ મહિનામાં એન.સી. કેસ રજૂ કરવામાં આવે નહીં તો તે મેમોનો કોઇ અર્થ રહેતો નથી આ મુજબ રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ 31 ઓક્ટોબર 2021 પહેલા જનરેટ કરેલા 2,09,716 ઇ મેમોની રૂ.18,62,43,100 દંડની રકમ વાહનચાલકોએ ભરવી પડશે નહીં.
શહેરમાં સપ્ટેમ્બર 2017માં સીસીટીવી કેમેરા લાગ્યા બાદ શહેર પોલીસે સીસીટીવી કેમેરાનો ઉપયોગ વાહનચાલકો નિયમનો ભંગ કરે તે સાથે જ તેને મેમો ફટકારવાનું શરૂ કર્યું હતું, 2017માં 4509 વાહનચાલકને મેમો ફટકાર્યા બાદ બીજા વર્ષથી આ આંકડો દર વર્ષે હજારોની સંખ્યામાં મેમો ફટકારી કરોડો રૂપિયા વસૂલી લેવામાં આવ્યા હતા.
31 ડિસેમ્બર 2021 સુધીમાં ટ્રાફિક પોલીસે 2,34,400 વાહનચાલકને ઇ-મેમો ફટકાર્યા હતા જેમાંથી 24,684 લોકો પાસેથી રૂ.19,90,4400 સમાધાન પેટે વસૂલ્યા હતા, પરંતુ ત્રણ દિવસ કોર્ટે ટ્રાફિક પોલીસની આ લૂંટ પર રોક લગાવતો ચુકાદો આપ્યો હતો, અને ટ્રાફિક પોલીસ નિયમનો ભંગ કરનાર સામે ઇ-મેમો જનરેટ કરે ત્યારબાદ છ મહિના સુધીમાં તે વાહનચાલક સામે કોર્ટમાં એન.સી. કેસ રજૂ કરવાનો રહેશે, ટ્રાફિક પોલીસ દંડ વસૂલી શકશે નહીં, આમ છ મહિના પૂર્વે એટલે કે તા.31 ઓક્ટોબર 2021 પહેલા ટ્રાફિક પોલીસે ફટકારેલા 2,09,716 ઇ-મેમોના રૂ.18,62,43,100ની દંડની રકમ ભરવી પડશે નહીં.
વર્ષ 2017થી ટ્રાફિક પોલીસ મેમો ફટકારવામાં અને દંડ વસૂલવામાં સક્રિય હતી પરંતુ કોર્ટનો હુકમ આવતા જ છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાફિક શાખાએ 500 એન.સી. કેસ કોર્ટમાં રજૂ કર્યા હતા, ટ્રાફિક શાખાના એસીપી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, છ મહિના પૂર્વેના ઇ-મેમોનો દંડ વસૂલવો કે નહીં તે માટે ગૃહ વિભાગનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે. અને માર્ગદર્શન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે વાહનચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તે વાહનચાલકો નિયમો પાળતા થાય તે માટે એક પોલિસી પણ નક્કી કરવામાં આવી છે, વર્ષ 2017થી જે વાહનચાલકોને 5 કે તેથી વધુ ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે તે તમામ વાહનચાલકોની યાદી તૈયાર કરી આવા વાહનચાલકોના લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવશે.
પોલીસ સમજણ ન આપે અને વાહનચાલક ઇચ્છે તો જ સમાધાન શુલ્ક ભરી શકે
ટ્રાફિક પોલીસ સમાધાન શૂલ્કના નામે વાહનચાલકો પાસેથી રકમ વસૂલ કરે છે. યુવા લોયર્સ એસોસિએશનના એડ્વોકેટ કિરીટ નકુમ કહે છે કે, સમાધાન શૂલ્ક એ પરિપત્રના આધારે થતી કાર્યવાહી છે. જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અને સીઆરપીસીની કલમ 468 મુજબ વાહનચાલક પાસેથી દંડ વસૂલવાની સત્તા ટ્રાફિક પોલીસ પાસે છે જ નહીં.
ટ્રાફિક પોલીસે માત્ર મેમો બનાવીને આરટીઓ અથવા તો કોર્ટમાં મોકલી આપવાનો હોય છે. ત્યારબાદ વાહનચાલકે જે ભૂલ કરી હોય તેના સંદર્ભે આરટીઓ અથવા તો કોર્ટ નક્કી કરે છે કે વાહનચાલકને દંડ કરવો કે કેમ. ટ્રાફિક પોલીસ વાહનચાલકને સમજણ જ આપતી નથી કે, સમાધાન શૂલ્ક એ પોતાની ભૂલ છે કે કેમ, દંડ ભરવા માટે કોઇ કાયદાનો ભંગ કર્યો છે કે કેમ તે જાણ્યા વિના જ વાહનચાલક રકમ ભરી આપે છે.
બાઇક ડિટેઇન કરશે તો યુવા લોયર્સ લડત આપશે
યુવા લોયર્સ એસો.ના એડવોકેટ કિરીટભાઇ નકુમે જણાવ્યું હતું કે, જે વાહનચાલકને મેમો મળ્યાના છ મહિના થઇ ગયા હોય તે વાહનચાલકને રોકીને ટ્રાફિક પોલીસ સમાધાન શુલ્કના નામે દંડ વસૂલી શકશે નહીં, આમ છતાં પોલીસ વાહન ડિટેન કરશે કે વાહનચાલકને હેરાન કરશે તો યુવા લોયર્સ કાનૂની સલાહ લીધા બાદ જેતે ટ્રાફિક પોલીસના અધિકારી સામે કાનૂની રાહે કાર્યવાહી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.