અકસ્માતનાં LIVE દૃશ્યો:રાજકોટના કાલાવડ રોડ પર ફોર્ચ્યુનરે જોરદાર ટક્કર મારતાં એક્ટિવા સાથે ચાલક પાંચ ફૂટ ઊલળ્યો, ત્રણ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજકોટ6 મહિનો પહેલા
  • કાલારોડ પર જ પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ઊધા માથે પટકાઈ

રાજકોટમાં આજે કાલાવડ રોડ પર બે અકસ્માત થયા છે. પહેલા બનાવમાં કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો, જેમાં એક્ટિવા સાથે યુવાન પાંચ ફૂટ હવામાં ફંગોળાઇને રસ્તા પર ધડામ કરતો પટકાયો હતો. એક્ટિવાચાલક યુવાનના ઘરે લગ્નપ્રસંગ હોવાથી કંકોત્રી આપવા જતો હતો. ત્યારે અકસ્માત નડતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

મનીષ તેરૈયા નામનો 27 વર્ષીય યુવાનનું પિતરાઈ બહેનના લગ્નની કંકોત્રી આપવા માટે જઈ રહ્યો હતો. એ દરમિયાન ફોર્ચ્યુનર કારે તેને અડફેટે લીધો હતો, જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક નિવૃત્ત પીઆઇ ભૂપતભાઇ તેરૈયાના પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

બીજા બનાવમાં પૂરપાટ જતી સ્પોર્પિયો અચાનક ડિવાઇડ પર ઊંધા માથે પટકાઇ
રાજકોટના કાલાવડ રોડ પર પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ચડી ઉંધી વળી ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ઉંધા માથે પટકાઇ હતી. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.

ફોર્ચ્યુનર કારે ટક્કર મારતા યુવાન એક્ટિવા સાથે રસ્તા પર પટકાયો હતો.
ફોર્ચ્યુનર કારે ટક્કર મારતા યુવાન એક્ટિવા સાથે રસ્તા પર પટકાયો હતો.

ઘટનાને પગલે લોકોનાં ટોળાં ઊમટ્યાં
આ કારનો અકસ્માત થતા જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ચાલકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે આજુબાજુમાં વાહનો પસાર થતા ન હોવાથી સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.

કાલાવડ રોડ પર જ બીજા બનાવમાં પૂરપાટ ઝડપે જતી કાર ડિવાઇડ પર ઊંધા માથે પટકાઈ હતી.
કાલાવડ રોડ પર જ બીજા બનાવમાં પૂરપાટ ઝડપે જતી કાર ડિવાઇડ પર ઊંધા માથે પટકાઈ હતી.

8 દિવસ પહેલાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયો હતો
આઠ દિવસ પહેલા મહિલા કોલેજ અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. અહીં મહિલાના વાહન સાથે સિટી બસ અથડાતાં મામલો બિચક્યો હતો અને એક યુવકે બસ પર ચડીને ડ્રાઈવરને ફટકાર્યો હતો. આ અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સિટી બસના ચાલક તથા એક્સેસના ચાલક મહિલા વચ્ચે પણ ઝઘડો થતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.