કુંવરજીનું કદ કોણે ઘટાડ્યું?:સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારનો મોટો ચહેરો, મોદીને લાવી પાવર બતાવ્યો, પાટીલની નજીક, રાજકોટથી લડી શકે વિધાનસભા ચૂંટણી

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • સૌરાષ્ટ્ર ભાજપમાં બોઘરાનો દબદબો બાવળિયાના બળને ધીમું પાડશે
  • આટકોટમાં હોસ્પિટલના ઉદઘાટનમાં PMની હાજરીથી અનેક સૂચક સંકેત
  • એકસાથે 3 જિલ્લા રાજકોટ, ભાવનગ અને અમરેલીમાં બોધરાએ મારી બાજી

સૌરાષ્ટ્રનું રાજકારણ દાયકાઓથી મજબૂત છે. ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે. એમાં પણ રાજકોટ એ સૌરાષ્ટ્ર અને રાજકારણનું એપી સેન્ટર હોય એવું લાગી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોઈ ચર્ચામાં હોય તો ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા. તેઓ સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો મોટો ચહેરો છે. એમાંય દિગ્ગજ નેતાઓ ન કરી શક્યા એ કામ બોઘરાએ આટકોટમાં હોસ્પિટલના ઉદઘાટનમાં કરી બતાવ્યું. એટલું જ નહીં, મોદીને આટકોટ લાવી પોતાનો પાવર પણ બતાવી દીધો તેમજ કોળી સમાજમાં પણ લોકપ્રિય થઈ ગયા. પાટીલની નજીક હોવાથી રાજકોટ દક્ષિણ બેઠક પર બોઘરા મજબૂત દાવેદાર મનાઇ રહ્યા છે.

ચીમનભાઈ શુક્લ સમયથી સૌરાષ્ટ્રનું રાજકારણ ટોપ પર
ચીમનભાઈ શુક્લ સમયથી સૌરાષ્ટ્રનું રાજકારણ ટોપ પર ચાલી રહ્યું છે. ચીમનભાઈ શુક્લ બાદ કેશુભાઈ પટેલ, આર.સી. ફળદુ, વજુભાઈ વાળા, વિઠ્ઠલભાઈ રાદડિયા, વિજયભાઈ રૂપાણી, રમેશભાઈ રૂપાપરા સહિતના નેતાઓનો એક અલગ અંદાજ હતો. એને કારણે ભાજપનો સૌરાષ્ટ્રમાં દબદબો રહ્યો છે. હાલ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ પદ પર રહીને સૌરાષ્ટ્રમાં ભરત બોઘરા પોતાનો દબદબો વધારી રહ્યા છે.

કમળાપુર ગામમાંથી આવે છે ડો.ભરત બોઘરા
ડો.ભરત બોઘરાનો જન્મ જસદણ તાલુકાના કમળાપુર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કમળાપુર ગામમાં લીધા બાદ મેડિકલ લાઇન પસંદ કરી ડોક્ટર બન્યા અને ગામમાં જ ક્લિનિક
ખોલ્યું. બાદમાં મેડિકલ પ્રેક્ટિસ છોડી કુંવરજી બાવળિયા સાથે ભાગીદારમાં જીનિંગ મિલની શરૂઆત કરી હતી. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી જસદણના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા
ત્યારે બોઘરાનો મોટો ફાળો રહેતો હતો. બાવળિયા હેઠળ રાજકારણ શીખ્યા અને સમય જતાં ભાજપ પાર્ટી જોઇન કરી. 2009માં લોકસભાની ચૂંટણીમાં બાવળિયાએ રાજકોટ બેઠક પર જીત
મેળવી અને જસદણ વિધાનસભાની પેટાચૂંટણી આવી. એમાં મોદીએ બોઘરાને ટિકિટ આપી અને પહેલીવાર ભાજપે કોંગ્રેસના ગઢમાં જીત હાંસલ કરી હતી.

બાવળિયા કોંગ્રેસમાં અને બોઘરા ભાજપમાં હોવાથી બંને વચ્ચે તિરાડ પડી
જસદણમાં અઢી વર્ષની સત્તા દરમિયાન બોઘરાએ જસદણની આખી સુરત જ બદલી નાખી. બાદમાં લોકોને ભાજપ પર વિશ્વાસ બેસવા લાગ્યો. આમ, બોઘરાનો જસદણમાં દબદબો વધવા લાગ્યો. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બોઘરાને અને બાવળિયાને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી. જોકે આ ચૂંટણીમાં બોઘરાની હાર થઈ હતી. તેમ છતાં બોઘરા મોદીની ગૂડબૂકમાં રહ્યા. ત્યાર બાદ બાવળિયા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા અને ફરી ધારાસભ્ય બન્યા તેમજ તેમને મંત્રીપદ પણ આપવામાં આવ્યું, પરંતુ નવી સરકાર બનતાં જ બાવળિયાનું મંત્રીપદ ઝૂંટવાઈ ગયું. હાલ તો જસદણ પંથકમાં બાવળિયા કરતાં બોઘરાએ પોતાનું કદ વધારી નાખ્યું છે.

આજે બોઘરા પ્રદેશ પ્રમુખ પાટીલની સૌથી નજીક
પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થતાંની સાથે જ જસદણના પૂર્વ ધારાસભ્ય અને મૂળ કોંગ્રેસી ભરત બોઘરાનો સત્તાના નવા કેન્દ્ર સમો દબદબો જોવા મળી રહ્યો છે. પ્રદેશના માળખામાં લેઉવા પાટીદાર સમાજને સ્થાન આપવા માટે ભાજપ દ્વારા ડો.ભરત બોઘરાને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. નવી જવાબદારી સોંપતાંની સાથે ડો. બોઘરા પ્રદેશ અને કેન્દ્ર સુધી પોતાની તાકાત દેખાડવા માટે અને કદ વધે એ માટે દિવસે દિવસે મહેનત વધારી હતી. આજે બોઘરા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૌથી નજીકના હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આટકોટમાં મોદીએ બોઘરાની 3-4 વખત પીઠ થપથપાવી હતી
ગત 28 મેના રોજ જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદઘાટન કરવા દેશના PM નરેન્દ્રભાઇ મોદી ખુદ રૂબરૂ આવ્યા હતા અને આ માટે ડો. બોઘરાએ લાખોની સંખ્યામાં જનમેદની એકઠી કરી હતી. આટકોટ પધારેલા મોદીએ ડો. ભરત બોઘરાની ત્રણથી ચાર વખત પીઠ પણ થાબડી હતી અને અભિનંદન પણ પાઠવ્યા હતા. એટલું જ નહીં, જતાં જતાં હસતા મોઢે દિલ્હી પધારોનું આમંત્રણ પણ આપતા ગયા હતા. આ એ વાતનો સંકેત આપે છે કે હવે સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજનો સારો ચહેરો અને ભાજપના અગ્રણી તરીકે ડો. ભરત બોઘરાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

અમરેલી-ભાવનગ૨ જિલ્લામાં પણ ડો.ભ૨ત બોઘરાનો વટ પડ્યો
ડો. ભરત બોઘરાએ રાજકોટમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, એટલે હવે ડો.ભરત બોઘરાની નજર પણ રાજકોટની દક્ષિણ વિધાનસભા બેઠક પર હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે ડો.ભરત બોઘરા કહી રહ્યા છે કે, પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ છે માટે પ્રદેશ પ્રમુખ અને ભાજપ પક્ષ દ્વારા જે નિર્ણય કરી જે જવાબદારી સોંપવામાં આવશે એ હું નિભાવીશ. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના મજબૂત દાવેદા૨ ડો.ભરત બોઘરાને માનવામાં આવે છે અને તેનો દાવો વધુ દ્રઢ બની શકે તેમ છે. મહત્ત્વની વાત એ છે કે માત્ર રાજકોટ જ નહીં, પરંતુ અમરેલી અને ભાવનગ૨ જિલ્લામાં પણ ડો.ભ૨ત બોઘરાનો વટ પડી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે.

જસદણમાં કોળીઓનું પ્રભુત્વ હોવાથી બોઘરા રિસ્ક નહીં લે
આટકોટમાં મોદીના કાર્યક્રમમાં મેદની એકત્રિત કરવા આ ત્રણ જિલ્લા પર ફોકસ કરવામાં આવ્યું હતું. એક ચર્ચા એવી થઈ ૨હી છે કે કુંવરજી બાવળિયાને કાપી ભરત બોઘરાને જસદણની ટિકિટ મળવાની છે, પરંતુ વાસ્તવમાં જસદણ વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ હોવાથી તેઓ રિસ્ક લેવા માગતા ન હોય માટે સ્યોર સીટ પસંદ કરી રાજકોટ દક્ષિણ બેઠક માટે જ રસ લેતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...