રાજકોટમાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થમાં સર્ટિફાઈંગ સર્જન તરીકે ફરજ નિભાવતા ડો. કેતન ભારથીએ આરોગ્ય ચકાસવાને બદલે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને સીધા ઉઘરાણા જ કરતા હતા. આ ઉપરાંત શ્રમ અધિકારી કલ્પેશ પંડ્યા પણ ઉઘરાણા કરતા હોવાનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે દિવ્ય ભાસ્કરે કર્યો હતો. જે મામલે તપાસ કર્યા બાદ બંને પર કાર્યવાહી શરૂ થઈ છે.
શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ડો. કેતન ભારથી કે જે આરોગ્ય વિભાગના વર્ગ-2ના કર્મચારી છે અને લોન સેવા માટે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થમાં મુકાયા હતા તેમની સેવાઓ સમાપ્ત કરીને ફરીથી આરોગ્ય વિભાગમાં મોકલી દીધા છે. જ્યારે શ્રમ અધિકારી કે. જે. પંડ્યાની રાજકોટમાંથી વડી કચેરીમાં બદલી કરી દેવાઈ છે. આ બંને સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં ડો. ભારથી અને પંડ્યા સામે એસીબીની તપાસ શરૂ થાય તેવી સંભાવના છે.
પદ છીનવાતા ડો. ભારથી કચેરીમાં બેઠા બેઠા રડ્યા
મહિને અઢી લાખ પગાર ધરાવતા ડો. કેતન ભારથીએ કારખાનામાં 5000 રૂપિયાના ઉઘરાણા કર્યા હતા. સામાન્ય રીતે આરોગ્ય વિભાગમાંથી થોડા સમય માટે તબીબની નિમણૂક કરાતી હોય છે અને સમયાંતરે બદલાય છે પણ ડો. કેતન ભારથી આ પદ પર છેલ્લા ઘણા સમયથી ચોંટીને બેઠા હતા. આખરે સેટિંગ કરતા ઝડપાઈ જતા તેમને ફરી આરોગ્ય વિભાગને સોંપી દેવાયા છે. હવે ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગ ડો.ભારથીને આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર બનાવવા કે પછી બીજી કોઇ સેવા લેવી તે નક્કી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.