કારખાનામાંથી લાંચ લેવાનો મામલો:ડો. કેતન ભારથીનું પદ છીનવાશે, ખુલ્લેઆમ લાંચ માંગનાર કલ્પેશ પંડ્યા હજુ પ્રોબેશન પર છે; કારખાનેદારે નિવેદન બદલ્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરે અધિકારીઓનો ખુલ્લે આમ લાંચ માગતો પર્દાફાશ કર્યો હતો - Divya Bhaskar
દિવ્ય ભાસ્કરે અધિકારીઓનો ખુલ્લે આમ લાંચ માગતો પર્દાફાશ કર્યો હતો
  • ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થમાંથી રજા, હવે આરોગ્ય કેન્દ્ર સોંપાશે

રાજકોટમાં ફરજ બજાવતા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના સર્ટિફાઈંગ સર્જન ડો. કેતન ભારથી અને લેબર ઓફિસર કલ્પેશ પંડ્યા કારખાનાઓમાંથી લાંચ ઉઘરાવતા હોવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. આ અંગે તપાસ પણ કરાઈ છે અને તેને લઈને ડો. ભારથીને આરોગ્ય વિભાગમાં પરત મોકલી દેવાનો હુકમ થવાનો છે.

ડો. કેતન ભારથી આરોગ્ય વિભાગના કર્મચારી છે પણ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થમાં પ્રતિનિયુક્તિ પર મૂક્યા હતા. આ નિમણૂક થોડા મહિના પૂરતી હોય છે પણ ડો. ભારથી છેલ્લા 5 વર્ષથી આ પદ પર ચોંટીને બેઠા છે. બીજી તરફ ડો. કેતન ભારથીએ યેનકેન પ્રકારે દબાણ કરાવતા ડીટી એન્જિનિયરિંગના માલિકે પોતાનું નિવેદન બદલી કાઢ્યું હોવાની માહિતી મળી છે.

કારખાનેદારે પણ અગાઉ કહ્યું હતું કે, પર્દાફાશ થયા બાદ ડો. ભારથી અને તેમના મળતિયાઓ દ્વારા સતત પ્રેશર અપાઈ રહ્યું છે અને અસામાજિક તત્ત્વો હોય તેવી રીતે વર્તન થઈ રહ્યું છે. નિવેદન બદલવામાં ડો. ભારથીના સાથી અધિકારીઓનો પણ મહત્ત્વનો ભાગ હોવાની શક્યતા છે કારણ કે, તેઓ સીધા જ કારખાને પહોંચી ગયા હતા આ સિવાય કોઇ કારખાને ગયા જ ન હતા. સીસીટીવી ફૂટેજ તેમજ ઓડિયો ક્લિપ ભારથી અને પંડ્યાની વિરુદ્ધ હોવાથી બદલાયેલા નિવેદનથી પણ તપાસમાં કોઇ ફરક પડ્યો નથી અને તુરંત પગલાં લેવાશે.

ડિરેક્ટરને તપાસ અહેવાલો સોંપાયો
ડો. કેતન ભારથી વિરુદ્ધની તપાસ નાયબ નિયામક અને સંયુક્ત નિયામકે ચલાવી હતી. સંયુક્ત નિયામકે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ સાથે નિયામકને તપાસ અહેવાલ સોંપ્યો છે. આ અહેવાલ નિયામક મારફત હવે શ્રમ વિભાગના સચિવ અને મંત્રીને પહોંચતો કરાશે ત્યારબાદ તેના પર કાર્યવાહી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...