સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ જેમની નિમણૂકને કાયદેસર અને યુનિવર્સિટીના અધિનિયમ કલમ-26(3) પ્રમાણે કાયદેસર ઠેરવી હતી તે ડૉ. કલાધર આર્યની પર્ફોર્મિંગ આર્ટસ વિદ્યાશાખામાં થયેલી નિમણૂકને વર્તમાન કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ ગેરકાયદે ઠેરવી તેમને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી બંધ કરવા નિર્ણય કરવામાં આવતા વધુ એક વિવાદ થયો છે.
ડૉ. આર્યએ અગાઉ સિન્ડિકેટની બેઠકમાં ભરતી, સબેટિકલ લીવ મુદ્દે, કોલેજોને અભ્યાસક્રમ આપવા મુદ્દે વાંધો ઉઠાવતા માત્ર એક અરજીના આધારે યુનિવર્સિટીના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે માત્ર બે-ત્રણ દિવસમાં જ તેમનું સભ્યપદ બંધ કરવા નિર્ણય કરી દીધો છે.
અગાઉ કોર્પોરેટર હાર્દિક ગોહિલે ડૉ. આર્યની નિમણૂકને ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી ત્યારે ડૉ. પેથાણીએ આ નિમણૂકને યુનિવર્સિટીના અધિનિયમ પ્રમાણે કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. હવે તાજેતરમાં જ જામજોધપુરના આંબરડીના નંદાભાઈ કડમૂલે 28 ડિસેમ્બરે કુલપતિને રજૂઆત કરી કે, પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના બોર્ડના સભ્ય તરીકે ડૉ. આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે.
અગાઉ કેટલાક સામાન્ય મુદ્દે પણ કમિટી રચતા કુલપતિએ આ કેસમાં ન કમિટી બનાવી કે ન તપાસ થઇ, માત્ર ચાર જ દિવસમાં એ અરજીના આધારે ડૉ. આર્યને બોર્ડથી લઈને સિન્ડિકેટ પદેથી હટાવાયા. આ અંગે ડૉ. આર્યએ જણાવ્યું હતું કે, કુલપતિ સહિતના સત્તામંડળના સભ્યો સાથે ભ્રષ્ટાચાર અને મિલીભગતમાં સાથ નહીં આપવા બદલ આવું કરાયું છે. રજિસ્ટ્રારે અરજીના આધારે સહી કરવા ઇનકાર કર્યો હતો, નોંધ મૂકવા મુદ્દે જોડાણ અને એકેડેમિક વિભાગના બે કર્મીઓની પણ તાત્કાલિક બદલી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.