ફરિયાદ:ખિસ્સાકાતરુ ચકુ મોહનના પુત્ર-પુત્રવધૂ પર ડીપીએસના બસચાલકનો હુમલો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસચાલકની પણ માર માર્યાની વળતી રાવ, લોધિકા પોલીસે કાર્યવાહી હાથ ધરી
  • સ્કૂલની બસ ઘરથી દૂર રહેતી હોય તેને સમજાવવા જતાં હુમલો કર્યાની રાવ

એક સમયે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના પોલીસને પડકાર ફેંકનાર કુખ્યાત ખિસ્સાકાતરુ ચકુ મોહનના પુત્ર અને તેની પુત્રવધૂને ડીપીએસ સ્કૂલના બસચાલકે માર મારતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકને તેડવા આવતી બસ ઘરથી દૂર ઊભી રહેતી હોય તેને સમજાવવા ચાલકે લાકડીથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો.

કોઠારિયા રોડ પરના દર્શનપાર્કમાં રહેતા અશોકભાઇ ચકુભાઇ સોલંકી (ઉ.વ.50) અને તેના પત્ની કોકીલાબેન સોલંકી (ઉ.વ.47) સિવિલમાં દાખલ થયા હતા, બનાવની જાણ થતાં લોધિકા પોલીસ દોડી ગઇ હતી. અશોક સોલંકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેનો પુત્ર સાગર દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે તેને તેડવા મૂકવા માટે સ્કૂલની જ બસ આવે છે, બસ ઘરથી દૂર ઊભી રહેતી હોય આ અંગે અગાઉ ડ્રાઇવરને કહેવા છતાં કોઇ બદલાવ આવ્યો નહોતો જેથી સોમવારે અશોકભાઇ, તેના પત્ની કોકીલાબેન અને બે પુત્ર શાહિલ (ઉ.વ.19), રાહુલ (ઉ.વ.22) તેને સમજાવવા માટે સ્કૂલે ગયા હતા, સ્કૂલની બહાર બસ પાસે ઊભેલા ડ્રાઇવર સાથે આ મુદ્દે વાત કરતા તેણે ઉશ્કેરાઇને સોલંકી પરિવારના ચારેય સભ્યો પર હુમલો કર્યો હતો.

સામાપક્ષે બસના ડ્રાઇવરે પણ લોધિકા પોલીસ સ્ટેશનમાં વળતી રાવ કરી હતી. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અશોકભાઇના પિતા ચકુ મોહન ચોરીના અનેક ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...