ડબલ મર્ડર:રાજકોટમાં છૂટાછેડાના કેસમાં પતિએ પત્ની અને મામાને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, સાસુ ગંભીર, આરોપીએ પણ બાળકો સાથે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર

રાજકોટ2 વર્ષ પહેલા
રાજકોટમાં મહિલા સહિત બેની હત્યા, એકનો મૃતદેહ દીવાલના ટેકે જોવા મળ્યો (ઈન્સેટમાં આરોપીની ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટમાં મહિલા સહિત બેની હત્યા, એકનો મૃતદેહ દીવાલના ટેકે જોવા મળ્યો (ઈન્સેટમાં આરોપીની ફાઈલ તસવીર)
  • પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો અને બાળકોની કસ્ટડી રાખવા મુદ્દે બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો
  • હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન ફરિયાદી બન્યા, પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી

રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના બની છે. શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝીયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝીયા અને તેના મામા નઝીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેના પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈમરાન અને તેના પુત્ર-પુત્રીની હાલત પણ ગંભીર છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા
પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

છૂટાછેટાનો કેસ ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે બનાવ હત્યા સુધી પહોંચ્યો
ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝીયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો. આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો. પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે તે મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. આજે ઈમરાનની પત્નીએ 181 અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યા છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાઝિયા પઠાણે 181 ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝીયા, તેના મામા નઝીર અને માતા ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનથી બધા નીકળ્યા ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કરી દીધો હતો.

પોલીસે નાઝીયાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો
પોલીસે નાઝીયાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો

કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની આરોપી પતિ ઈમરાન સાથે રહેવા આવી ગઈ હતીઃ DCP
રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ છે. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જો કે કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામાનું મોત થયું હતું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આરોપી ઈમરાન પઠાણની ફાઈલ તસવીર
આરોપી ઈમરાન પઠાણની ફાઈલ તસવીર

દીવાલના ટેકે જ એક મૃતદેહ પડ્યો હતો
યુવાન પત્ની અને તેના મામાને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો છે. દીવાલના ટેકે જ એક મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ પાસેથી ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. PI એલ.એલ. ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતક બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને ઘરકંકાસમાં હત્યા કર્યાનું ખુલ્યું છે.

મૃતદેપ પાસેથી ચપ્પલ મળી આવ્યા
મૃતદેપ પાસેથી ચપ્પલ મળી આવ્યા

પોલીસની બેદરકારી : આરોપી છરી સાથે પોલીસ સ્ટેશનમાં હતો છતાં કોઇએ ચેક કર્યો નહીં અને બે લોથ ઢળી ગઇ
181નો સ્ટાફ નાઝિયા સહિતના લોકોને લઇને મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઇમરાન બાઇક લઇને ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન ગયો હતો. પતિ ઇમરાન સતત મારકૂટ કરી પરેશાન કરતો હોવાની નાઝિયા રાવ કરતી હતી, જ્યારે ઇમરાને મહિલા પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બાળકોના કબજા અંગેનો કોર્ટમાં કેસ ચાલે છે. મહિલા પોલીસે ઇમરાન અને નાઝિયા બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું, બંને પક્ષ વચ્ચે પોલીસની હાજરીમાં લાંબો સમય ચર્ચા થઇ હતી અને ઇમરાન પોતે વકીલને લઇને આવે છે તેમ કહી પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો હતો અને ગેટ પાસે ઊભો રહ્યો હતો. ઇમરાન ઘરેથી જ છરી લઇને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે તેની સાથે વાતચીત કરી હતી આમ છતાં એક પણ પોલીસે ઇમરાનની ઝડતી લેવાની તસ્દી નહીં લેતા બબ્બે લોથ ઢળી ગઇ હતી.

હત્યા કરી છરી કૈસરે હિંદ પુલ નીચે ફેંકી દીધી
ઇમરાને પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પત્ની નાઝિયા અને મામાજી સસરા નાઝીરની હત્યા કરી બંને બાળકોને સાસુ પાસેથી છીનવી બાઇક પર થોરાળામાં પોતાના ઘરે જવા નીકળ્યો હતો, પોતે કૈસરે હિંદ પુલ પાસે પહોંચ્યો ત્યારે ચાલુ બાઇકે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પુલ નીચે ફેંકી દીધી હતી. છરી કબજે કરવા પોલીસની ટીમ કૈસરે હિંદ પુલ નીચે તપાસમાં દોડી ગઇ હતી.

ઈમરાને કહ્યું કે, પત્નીના ‘ધંધા’થી કંટાળ્યો હતો, મામાજી વચ્ચે પડતાં તેની પણ હત્યા કરી નાખી
હોસ્પિટલના બિછાને પડેલા ઇમરાન પઠાણે કહ્યું હતું કે, પોતે રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો, તેના સાસુ ફિરોઝા ભગવતીપરામાં રહે છે, ઇમરાને આક્ષેપ કર્યો હતો કે, તેના સાસુ જ તેની પત્ની નાઝિયા પાસે લોહીનો વેપાર કરાવે છે અને તેના પૈસાથી સાસુ ફિરોઝા ઐયાશીની જિંદગી જીવે છે, અનેક વખત પોતે જ પત્નીને અન્ય પુરુષ સાથે પકડી હતી. નવ મહિના પૂર્વે પણ એક યુવક સાથે રંગેહાથ પકડતા તે રિસામણે જતી રહી હતી, પરંતુ પુત્ર ઇકાન અને પુત્રી અલ્વીરા નાના હોય હું સમાધાન કરીને નાઝિયાને પરત લઇ આવ્યો હતો, છતાં સાસુ ફિરોઝાની ચડામણી અને ખરાબ ધંધા કરાવવાનું ચાલુ હતું. નાઝિયા રિસામણે ગઇ હતી ત્યારે તેણે સંતાનોનો કબજો મેળવવા કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસ ચાલુ છે, આજે સાસુ ફિરોઝાએ ફોન કરતા પોલીસ આવી હતી, સાસુ અને પત્નીના ધંધાથી કંટાળી ગયો હતો, પત્ની નાઝિયાને અનેક વખત સમજાવવા છતાં તે લોહીનો વેપાર કરતી હોય તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું, તેને બચાવવા આવેલા મામાજી નાઝીરની પણ હત્યા કરી નાખી હતી. પત્ની અને મામાજીની હત્યામાં જેલમાં જવાનું નક્કી હતુંં, મારી ગેરહાજરીમાં બંને બાળકોનું શું થાય, નાઝિયાની જેમ મારા બંને સંતાનો ખોટા રસ્તે ચડે નહીં તે માટે તેને પણ સળગાવ્યા હતા. ઇમરાને તેની મિલ્કતના રૂ.3 લાખ તેની બંને બહેનોને મળે તેવી અપીલ કરી હતી.

​​​​​​બે મહિના પહેલા સ્ટોન કિલરની હત્યા થઈ હતી
રાજકોટમાં બે મહિના પહેલા મવડી પ્લોટના નવરંગપરામાં હત્યાનો બનાવ બન્યો હતો. 2009ના વર્ષમાં પથ્થરના ઘા મારી 3 ભિક્ષુકોને પથ્થરથી મોતને ઘાટ ઉતારી દેનાર સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશનો પથ્થરના ઘા મારી માથુ છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને દુબઈ નામના શખ્સનો કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો અને તેણે ફોનમાં કહ્યું હતું કે દુકાનની અગાસી પર લાશ પડી છે, શોધી લેજો. બાદમાં પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને હાલ તમામ જેલહવાલે છે. ધર્મના માનેલા પુત્રએ જ પિતાની હત્યા કર્યાનું ખુલ્યું હતું.

બે મહિના પહેલા રાજકોટમાં પ્રેમલગ્ન મામલે યુવકની હત્યા થઈ હતી
શહેરમાં બે મહિના પહેલા ચંદ્રેશનગર રોડ પર પ્રેમ લગ્ન મામલે 10 જેટલા લોકોએ યુવાનની હત્યા કરી હતી. પ્રેમલગ્ન પ્રકરણ મામલે ચાલતા મન દુખમાં રાહુલ સોલંકી નામના યુવક પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. માલાવીયાનગર પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી હતી.