તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયોગ:રાજકોટ જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસથી બચવા આરોગ્ય ટીમની ડોર ટુ ડોર નાક સફાઈ ઝુંબેશ, ગ્રામ્યમાંથી પહેલા 25 કેસ આવતા હવે 6 કેસ આવે છે

રાજકોટ20 દિવસ પહેલા
દૈનિક લોકોના નાકનું સફાઈ અભિયાન કરવામાં આવે છે
  • ફંગસ સૌથી પહેલા નાકમાં ફેલાય માટે 700 આરોગ્યકર્મીઓ રોજ લોકોના નાક સાફ કરશે

સમગ્ર દેશમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ પણ મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે સતત વધી રહેલા મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓને કારણે આરોગ્ય તંત્ર ચિંતામાં મૂકાય ગયું છે. રાજકોટમાં 655થી વધુ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા અનોખો પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે. મ્યુકોરમાઇકોસિસ એક પ્રકારની ફંગસ છે જે સૌથી પહેલા નાકમાં ફેલાય છે માટે તેને ફેલાતી અટકાવવા 700 આરોગ્યકર્મીઓ દ્વારા દૈનિક લોકોના નાકનું સફાઈ અભિયાન કરવામાં આવે છે. જેને કારણે રોજ 20થી 25 કેસ ગામડામાંથી આવતા પરંતુ હાલ 6 જેટલા કેસ આવી રહ્યાં છે.

શરૂઆતના તબક્કામાં જ મ્યુકોરમાઇકોસિસ અટકાવવો શક્ય
કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન અને વેન્ટિલેટર માસ્કને કારણે પુરતી સફાઇ ન થવાથી આ ફંગસ ઇન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે. વાસી મોંમાં પણ આ ફંગસ દ્વારા મ્યુકોરમાઇકોસિસ થવાનો ભય રહે છે. આથી મ્યુકોરમાઇકોસિસથી બચાવ માટે શરૂઆતના તબક્કે જ જો નાક અને મોંની સફાઇ નિયમીત કરાય તો આ રોગથી બચાવ શક્ય છે. ખાસ કરીને કોરોનાના જે દર્દીઓ સાજા થઇને કામે લાગી ગયા છે કે આરામમાં છે તેઓને ઇયરબડ(કાન સાફ કરવાની છેડે રૂનુ પુમડું ભરાવેલી સળી)થી બીટાડીન જેવા સામાન્ય લોશનની મદદથી નાકની સફાઇ તથા એક ગ્લાસ પાણીમાં એક ઢાંકણું બીટાડીન ગાર્ગર નાંખી તેના વડે કોગળા કરી મોંની સફાઇ રાખવાથી આ ફંગસનો નાશ થાય છે. તેમજ પ્રસરતી અટકે છે. આખરે તો સાવચેતી એ જ સલામતી છે.

દૈનિક લોકોના નાકનું સફાઈ અભિયાન કરવામાં આવે છે
દૈનિક લોકોના નાકનું સફાઈ અભિયાન કરવામાં આવે છે

જો બીટાડીન ઉપલબ્ધ ન હોય તો?
ક્યારેક બીટાડીન ઉપલબ્ધ ન હોય તો મોંની સફાઇ માટે તૈયાર કરવામાં આવતા મીઠું નાખી કોગળા કરવાના નવસેકા પાણીમાં બમણું મીઠુ(નીમક) નાંખીને પણ ઇયરબડને તેમાં ભીંજવી તેના દ્વારા નાકની સફાઇ કરી શકાય છે.

તંત્ર દ્વારા ગામડામાં લોકોને સાવચેત કર્યા
મ્યુકોરમાઇકોસિસના રોગના ઓપરેશન અને સારવાર ખાનગી હોસ્પિટલમાં અત્યંત ખર્ચાળ ગણાય છે. કારણે મોટાભાગના લોકોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર લઇ રહ્યાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 24 દર્દીઓને રજા અપાઈ છે ત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં 471 અને સમરસ હોસ્પિટલમાં 184 મળી કુલ 655 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે તંત્ર દ્વારા ગામડામાં મ્યુકોરમાઇકોસિસનો ફેલાવો ન થાય તે માટે લોકોને સાવચેત કર્યા હતા.

રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડ
રોગચાળા નિયંત્રણ અધિકારી નિલેશ રાઠોડ

ભેજવાળી જગ્યા અને ડાયાબિટીસ કારણભૂત
મ્યુકોરમાઇકોસિસ થવાનું મુખ્ય કારણ કોરોનાના એવા દર્દીઓ કે ઓક્સિજન કે વેન્ટિલેટર પર 10થી 15 દિવસ રહ્યા હોય. તેઓમાં કોરોનામાંથી સાજા થયા બાદ બ્લેક ફંગસને કારણે મ્યુકોરમાઇકોસિસ બીમારીથી ગ્રસ્ત થતા હોય છે. ત્યારે ભેજવાળી જગ્યા અને ડાયાબિટીસવાળા લોકોમાં તે વધુ પ્રસરે છે. દર્દીઓને આ રોગના ઘણા કિસ્સામાં સર્જરી પણ કરવી પડે છે. આ રોગ પ્રસરે તો આંખ, મગજ સહિતના અંગોને નુકસાન પણ થાય છે. આજ રોજ ગામડાઓમાં હાલ મ્યુકોરમાઇકોસિસના છૂટા છવાયા કેસ સામે આવી રહ્યા છે.

અભિયાનમાં કર્મચારીનો પરિશ્રમ પારસમણી સમાન સાબિત થયો
સમગ્ર મામલે રોગચાળા નિયંત્રણ અધિકારીએ નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસિસ કોઈ જૂનો રોગ નથી. આ રોગ થવાનું મુખ્ય કારણ ભેજવાળું વાતાવરણ અને ડાયાબિટીસ અને વધુ પડતું ઓક્સિજન લેવાવાળા લોકોને થાય છે. મ્યુકોરમાઇકોસિસનું સંક્રમણ વધે તે પહેલા જ તેને શરૂઆતના તબક્કે અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પરિશ્રમ કરી રહ્યાં છે. તેઓનો આ પરિશ્રમ પારસમણી સમાન બની રહ્યો છે. આ અભિયાન શરૂ કરાયા બાદ ગ્રામ્ય કક્ષાએ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસને પહોંચી વળવા આરોગ્યના 700 જેટલા કર્મચારી કામગીરી કરી અને લોકોને સાવચેત કરી રહ્યાં છે.