ક્રાઇમ:‘મને ઓળખતો નથી, હું કાનો લામકા’ કહી યુવક અને તેના સાળા પર હુમલો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકમાં પાછળ આવી રહેલા મહેમાન તરફ નજર કરતા કેમ કાતર મારશ કહી 3 શખ્સ તૂટી પડ્યા : બન્ને યુવાનોને હોસ્પિટલમાં ખસેડાયા

શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ સામે પોલીસે નરમાઇ દાખવતા કેટલાક તત્ત્વો બેફામ બન્યા છે, અને છાશવારે કાયદો હાથમાં લે છે, આવી જ એક ઘટના મોરબી રોડ પર બની હતી, યુવક અને તેના સાળા પર એ વિસ્તારના શખ્સ સહિત ત્રણે હુમલો કરતા ઘવાયેલા સાળા બનેવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભગવતીપરા મેઇન રોડ પરના ધરમનગરમાં રહેતા વિપુલભાઇ હેમંતભાઇ વનાણી (ઉ.વ.23)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાનો લામકા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.

વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાળાને ત્યાં પુત્રીનો જન્મ હોય અને શનિવારે તેની છઠ્ઠીનો પ્રસંગ હોવાથી વિપુલભાઇ તથા તેનો સાળો બાઇકમાં સાળાના ઘરે જતા હતા અને બોટાદથી બાઇકમાં આવેલા સંબંધીઓ પણ ગ્રીનલેન્ડ ચોકડીથી બાઇક પર પાછળ આવી રહ્યા હતા, મોરબી રોડ જકાતનાકા પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળ આવી રહેલા સંબંધી તરફ વિપુલભાઇએ નજર કરતા નંબર પ્લેટ વગરના બાઇક પર ચાર શખ્સ ધસી આવ્યા હતા,

એક શખ્સે કહ્યું હતુ કે, કેમ અમારી તરફ કાતર મારે છે, વિપુલભાઇએ અમે કાતર મારતા નહોતા તેમ કહેતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને કહ્યું હતું કે,‘તું મને ઓળખતો નથી, મારું નામ કાનો લામકા છે, અને અહીં જ મારી બેઠક છે’, તેમ કહી કાનાએ પોતે પહેરેલું કડું વિપુલભાઇ અને તેના સાળાને માથામાં માર્યું હતું અને અન્ય બે શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાળા બનેવીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે વિપુલભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...