મહામારી વચ્ચે મદદનો પ્રયાસ:રાજકોટના દાતાઓએ 50 લાખ રૂપિયા આપ્યા, ઓક્સિજન બેન્ક બની, સિલિન્ડર રીફિલિંગનો ખર્ચ પણ ટ્રસ્ટ જ ઉઠાવશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના સામે જંગમાં ગુજરાતના ગવર્નર દેવવ્રતે સીએમ રિલીફ ફંડમાં 25 લાખ આપ્યા

કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા અને રીફિલ કરાવવા માટે દિવસ રાત લાઈન લાગે છે. ત્યારે આ સમયે રાજકોટની સામાન્ય વ્યક્તિથી લઈને વેપારી, ઉદ્યોગપતિએ પોતાની દિલેરી બતાવી છે. લોકોના જીવ બચાવવા પ્રાણવાયુ માટે રાજકોટના દાતાઓએ રૂ.50 લાખનું દાન આપ્યું છે, તો કોઈ સંસ્થાએ ઓક્સિજન બેન્ક ઊભી કરી છે. આ સિવાય દાતાઓ ઓક્સિજન સિલિન્ડર રીફિલિંગનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. કોરોનાની મહામારીમાં એકલા માત્ર રાજકોટે જ રૂ. 2 કરોડના ઓક્સિજન સિલિન્ડરની ખરીદી કરી છે.

200થી વધુ લોકોને સિલિન્ડર આપીએ છીએ
બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય જણાવે છે કે, તેમને ઓક્સિજન સિલિન્ડર ખરીદ કરવા માટે સંસ્થાની રૂ.40 લાખની એફ.ડી.તોડી છે. તેની સાથે સાથે ઉદ્યોગપતિ તરફથી રૂ.10 લાખનું દાન મળ્યું છે. અત્યાર સુધી રૂ.70 લાખ રૂપિયાના ઓક્સિજન સિલિન્ડર ખરીદ કર્યા છે. હાલ રોજ 200 થી વધુ લોકોને ઓક્સિજન સિલિન્ડરનું વિતરણ કરીએ છીએ.

સિલિન્ડર માટે 40 લાખ ડોનેશન મળ્યું
​​​​​​​સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ ડોબરિયા જણાવે છે કે, જેમને કોરોનામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે તેવા સામાન્ય લોકો પણ ડોનેશન આપી રહ્યા છે, તો કોઈ એક સિલિન્ડરનો ખર્ચ ભોગવે છે તો કોઇ બે ચાર સિલિન્ડરનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી રૂ.1.82 કરોડના સિલિન્ડર ખરીદ કર્યા છે અને સંસ્થાને ઓક્સિજન સિલિન્ડર માટે રૂ.40 લાખનું ડોનેશન મળ્યું છે.

200 વેપારીએ 4 લાખ સિલિન્ડર આપ્યાં
જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વૈદ્ય જણાવે છે કે, ઈમર્જન્સી સમયે લોકોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે સોની વેપારીઓ ભેગા મળીને એક લિટરના ઓક્સિજન સિલિન્ડર લોકોને જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડે છે. જેનો ખર્ચ વેપારીઓ ઉઠાવે છે.ખાદ્યતેલના 200 વેપારીએ રૂ.4 લાખની કિંમતના સિલિન્ડર ખરીદ કરી સંસ્થાઓને આપી દીધા.

હોમ આઈસોલેટેડ દર્દી માટે લાયન્સ ક્લબે ઓક્સિજન બેન્ક બનાવી
હોમ આઈસોલેટેડ દર્દીને હેરાન ન થવું પડે તે માટે લાયન્સ ક્લબે 10 દિવસથી ઓક્સિજન બેન્ક ઊભી કરી છે. જેમાં અત્યાર સુધી 70 ઓક્સિજન સિલિન્ડર રાખ્યા છે. આ સિવાય 5 પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર વસાવ્યા છે. કોઈ ગેર ઉપયોગ ન કરે અને સંગ્રહખોરી ન થાય તે માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ ઓક્સિજન સિલિન્ડર આપવાનો નિયમ બનાવ્યો છે. - દિવ્યેશભાઇ સાકરિયા, ચેરમેન લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ

અન્ય લોકો પણ સહયોગ કરેઃ દેવવ્રત
રાજ્યમાં કોરોના સંક્રમણ સામે આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખનો ફાળો આપવાની જાહેરાત કરી છે. રાજ્યપાલે નાગરિકોને પણ ઉદાર હાથે સહયોગ આપવા અપીલ કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સામેના જંગમાં સરકારને સહયોગ આપવા રાજભવન ખાતેથી કોરોના સેવાયજ્ઞ જન અભિયાન શરૂ કર્યું છે. તેમણે સાધુ સંતો, ધર્મસ્થાનોના વડાઓ, શિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરીને મુખ્યમંત્રી રાહત નિધિમાં યોગ્ય સહયોગ આપવા અપીલ કરી હતી.

કમિન્સે ઓક્સિજન માટે PM કેર માટે 38 લાખ આપ્યા
આઈપીએલમાં કોલકાતા માટે રમી રહેલ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પે કમિન્સ કોરોનાથી ઝઝૂમી રહેલ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. તેમણે પીએમ કેર ફંડમાં અોક્સિજન માટે 50 લાખ ડોલર એટલે કે લગભગ 38 લાખનું દાન કર્યું છે. કમિન્સે સોશિયલ મીડિયામાં લખ્યું, ‘ભારતે મને ઘણો પ્યાર આપ્યો છે. અહિંયાના લોકો ઘણા સારા છે.’

અન્ય સમાચારો પણ છે...