કોરોના બાદ દાનમાં બદલાવ:પર્યાવરણ માટે 20 ટકા અને મેડિકલ સહાય માટે 30 ટકા વધુ દાન મળવા લાગ્યું

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, સામાજિક સંસ્થામાં દાન આપનાર દાતાઓની સંખ્યામાં વધારો થયો

કોરોના બાદ મળતા દાનમાં બદલાવ આવ્યો છે. પર્યાવરણ માટે મળતી રકમમાં 20 ટકા અને મેડિકલ સહાયમાં 30 ટકાનો વધારો થયો છે. વાર-તહેવારે મોજશોખ માટે લાખો રૂપિયા વાપરી જનારા રાજકોટવાસીઓ દાન દેવામાં પણ દિલેર છે. શ્રાદ્ધ પર્વ નિમિત્તે રાજકોટવાસીઓ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મંદિરમાં ભોજન, મેડિકલ, શૈક્ષણિક સહાય માટે રૂ. 50 લાખ વાપરશે.

અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને વિવિધ સંસ્થાના સંચાલકોના જણાવ્યાનુસાર પહેલા મોટાભાગના લોકો આખા વર્ષનું અનાજ, વડીલો અને બાળકોને મનપસંદ ચીજવસ્તુઓ અર્પણ કરવા માટેનો પૂરો આગ્રહ રાખતા હતા, પરંતુ કોરોનાને કારણે સ્વાસ્થ્ય અને ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું. તેથી આ માટે દાન વધુ આપી રહ્યાં છે. આર્થિક ખેંચને કારણે કોઇનો અભ્યાસ અટકે નહિ તે માટે હવે દાતાઓ શૈક્ષણિક સહાય માટે શું જરૂરિયાત છે તે જાણે છે અને તે મુજબનું દાન કરે છે. કોઈ શૈક્ષણિક કિટ પૂરી પાડે છે તો કોઈ વિદ્યાર્થીના અભ્યાસનો ખર્ચ ઉઠાવી લે છે.

સંસ્થાના સંચાલકોએ જણાવ્યું કે, આ કારણોસર પરિવર્તન આવ્યું છે
કોરોનાની પ્રથમ-બીજી લહેરમાં લોકો પાસે પોતાની રહેલી બચત, આવકની બધી રકમ ઘરખર્ચ, મેડિકલ ખર્ચ માટે વપરાઈ ગઈ. જ્યારે અત્યારે વેપાર-ઉદ્યોગ, રોજગારી માટેની ગાડી પાટા પર ચડી ગઈ છે. લોકો કોરોનામાં દાન પુણ્ય ન કરી શક્યા અને તેથી અત્યારે દાનનું પ્રમાણ વધી રહ્યું છે. અનાજથી લઇ જરૂરી ચીજવસ્તુ દાતાઓ આપી જાય છે. - મુકેશભાઈ દોશી

વૃદ્ધાશ્રમમાં તિથિ ભોજન, એકટાઇમ ભોજનનું પ્રમાણ વધ્યું છે. પહેલાની સરખામણીએ આજીવન દાતાનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ લોકો મેડિકલ માટે જરૂરી ચીજવસ્તુ જેમાં દવા, ઓક્સિજનની બોટલ, સિનિયર સિટિઝન માટે વોકર, લાકડી વગેરે માટે ખર્ચ ભોગવે છે.કોરોનાની પ્રથમ લહેર બાદ માસ્ક, સેનિટાઇઝર સૌથી વધુ આવ્યા હતા. - વિભાબેન મેરજા

બીજી લહેરમાં ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત ઊભી થતા લોકોને પર્યાવરણનું મહત્ત્વ સમજાયું છે. કોરોના બાદ મોટાભાગના લોકો જન્મદિવસ, મેરેજ એનિવર્સરી તેમજ પરિવારના સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરતા થયા છે. કોરોના બાદ અનેક લોકોએ પોતાના મૃતક સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. - વિજયભાઈ ડોબરિયા

અન્ય સમાચારો પણ છે...