ગ્રાઉન્ડ રિપોર્ટમોદીના સ્વાગત માટે રંગીલું શહેર તૈયાર:જર્મન ટેક્નોલોજીથી તૈયાર કર્યો ડોમ, સભામાં 1 લાખ લોકો ઊમટશે, ભવ્ય રોડ-શો માટે રેસકોર્સ રિંગ રોડ શણગારાયો

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

‘રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક લાખ લોકોને સમાવવા વિશાળ ડોમની સાથે સ્ટેજ ઊભા કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સ્થાનિકથી લઈ સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ નેતાઓ સતત સભાસ્થળની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમજ NSGના કમાન્ડો દ્વારા સુરક્ષાને લઈ સતત ડોગ-સ્ક્વોડ સાથે ચેકિંગ કરતા નજરે પડી રહ્યા છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે મોદી મોદીનાં મોટાં મોટાં બેનરો અને લોખંડની ઝાળીને નવા રંગરોગાન થઈ રહ્યા છે. જિલ્લા પંચાયત ચોક કે કિશાનપરા ચોકથી જુઓ તો રેસકોર્સ રિંગ રોડને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ફરતી બાજુ રસ્તાને ડામરથી મઢવામાં આવી રહ્યા છે.’ આ નજારો 19 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં યોજાનારી સભા અને રોડ-શોની થઈ રહેલી તડામાર તૈયારીમાં જોવા મળ્યો હતો. આ તૈયારીઓ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.

જુદા-જુદા 11 જેટલા ગેટ બનાવાશે
રાજકોટના રેસકોર્સ મેદાનમાં PM નરેન્દ્ર મોદી સભા સંબોધન કરવાના છે, જેમાં લગભગ એક લાખથી વધુની જનમેદની એકઠી થવાની છે. રેસકોર્સ મેદાનમાં જિલ્લા કલેક્ટ૨ની દેખરેખ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટા AC સહિતની સુવિધાઓ સાથેનો જર્મન ટેક્નોલોજીનો ડોમ ઊભો ક૨વામાં આવી રહ્યો છે. આ ડોમની સાઈઝ 600 x800 ફૂટની નક્કી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થનારો આ ડોમ માટે ખાસ કારીગરો દિલ્હી આગ્રા અને ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે. લાઈટ, પંખા, કૂલ૨, તેમજ બેસવા માટે ખુરસીની બેઠક વ્યવસ્થા અને પીવાનું પાણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સભાસ્થળ આસપાસ વધારાના મોબાઈલ ટોઇલેટ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ડોમની અંદ૨ પ્રવેશવા માટે જુદા-જુદા 11 જેટલા ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

વીજતંત્રની તૈયારી પણ પુરજોશમાં ચાલે છે
વડાપ્રધાનના કાર્યક્રમ માટે વીજતંત્રની તૈયારી પણ પુરજોશમાં ચાલી રહી છે. રેસકોર્સમાં સભાસ્થળે 100 કિલોવોટના 38 ટેમ્પરરી જોડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ માટે ટ્રાન્સફોર્મર સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. જાહેરસભામાં ડોમ અને સ્ટેજ વગેરે માટે અલગ-અલગ વીજ જોડાણ આપવામાં આવશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ વીજ વિક્ષેપ ન સર્જાય એ માટે પોપટપરા તથા લક્ષ્મીનગરમાંથી સપ્લાયની વ્યવસ્થા આપવામાં આવી છે. ઉપરાંત 200 જેટલા કર્મચારીઓના સ્ટાફને પણ તહેનાત કરવામાં આવ્યો છે. તમામ કનેક્શન મોટા વીજલોડના હોવાને કારણે એનો બોજ ન સર્જાય એ માટે બે સબસ્ટેશનમાંથી પાવર સપ્લાયની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર સ્ટાફ તહેનાત કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા વધુ જોડાણ કે અન્ય વ્યવસ્થાની માગ કરવામાં આવે તો એ માટે પણ જોગવાઈ રાખવામાં આવી છે.

શહેરમાં નવા ત્રણ બ્રિજ તૈયાર
રાજકોટ શહેરના પ્રાણપ્રશ્ન સમાન ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને લોકોને યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં થોડા સમય પહેલાં લક્ષ્મીનગર અંડરબ્રિજનું લોકાર્પણ થયા બાદ 19 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ જગ્યા પર 3 ઓવરબ્રિજનાં લોકાર્પણ કરવાના છે, જેમાં વોર્ડ નંબર 3માં સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ, વોર્ડ નંબર 8માં નાનામવા સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ અને વોર્ડ નંબર 1માં રામદેવપીર ચોકમાં સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

7 લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
રાજકોટમાં એકસાથે 3 ઓવરબ્રિજ ખુલ્લા મૂકતાં અંદાજિત 7 લાખ વાહનચાલકને એનો સીધો ફાયદો થશે. આ 3 જગ્યા પરથી રોજ 7 લાખ જેટલાં વાહનો પસાર થતાં હોય છે, જે તમામને એનો લાભ મળશે. આ સાથે રાજકોટના સ્થાનિક રહેવાસી શેખર સૂચકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બુધવારથી બ્રિજ ખૂલશે, એનો સીધો ફાયદો થવાનો છે અને ટ્રાફિક સમસ્યા જરૂર હલ થશે. બ્રિજ બન્યાના દોઢ-બે વર્ષ સુધી મુશ્કેલી પડી હતી, ટ્રાફિક સમસ્યાનો સામનો પણ કર્યો હતો, પણ હવે એ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

સિવિલ હોસ્પિટલ ચોક થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ
ખર્ચઃ 120 કરોડ

સર્વિસ રોડની પહોળાઈઃ 6.00 મીટર

બન્ને તરફ ફૂટપાથની પહોળાઈઃ 0.90 મીટર

જવાહર રોડ તરફ બ્રિજની લંબાઈઃ 299 મીટર

કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઈઃ 400 મીટર

જામનગર રોડ તરફ બ્રિજની લંબાઈઃ 367 મીટર

જવાહર રોડ તરફ બ્રિજનું ગ્રેડિયન્ટઃ 1:27

જામનગર રોડ તરફ બ્રિજનું ગ્રેડિયન્ટઃ 1:35

કુવાડવા રોડ તરફ બ્રિજનું ગ્રેડિયન્ટઃ 1:32

જામનગર રોડ તરફ 8 સિંગલ પિલર તથા બે જગ્યાએ ફોર પિલર અમદાવાદ રોડ તરફ 10 સિંગલ પિલર તથા બે જગ્યાએ ફોર પિલર જ્યુબિલી ગાર્ડન તરફ 6 સિંગલ પિલર તથા બે જગ્યાએ ફોર પિલર હોસ્પિટલ ચોક પર હેક્સાગોનલ ગ્રિડમાં કુલ 22 અને સેન્ટરમાં 1 પીલર રેઝવેની પહોળાઇ 7 મીટર બન્ને તરફ

150 ફૂટ રિંગ રોડ નાનામવા સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ

સ્ટાર્ટિંગ પોઇન્ટ: ટ્વિન સ્ટાર બિલ્ડિંગ

એન્ડિંગ પોઇન્ટ: રિલાયન્સ મોલ પાસે

લંબાઈ: 630.0 મીટર

પહોળાઈ: 248.4 મીટર (2-લેન)

હાઈટ: 5.50 મીટર

સ્લોપ: 1:30

સર્વિસ રોડ: બન્ને બાજુ 6 મીટર તથા ફૂટપાથ બ્રિજ નીચે

કુલ પિલરની સંખ્યા: 26

પ્રોજેક્ટ ખર્ચ: રૂ.40.21 કરોડ

બજેટ હેડ: રાજ્ય સરકારની ગ્રાન્ટ (બ્રિજ ખર્ચ)

વર્કઓર્ડર તારીખ: 21/01/2021

એજન્સીનું નામ: રણજિત બિલકોન લિ.ડિઝાઈન

કન્સલ્ટન્ટ: જિંદાલ કોન્સોર્ટિયમ

રેસકોર્સ મેદાનમાં સભાસ્થળે ડોમ ઊભો કરવાની તડામાર તૈયારી.
રેસકોર્સ મેદાનમાં સભાસ્થળે ડોમ ઊભો કરવાની તડામાર તૈયારી.

150 ફૂટ રિંગ રોડ રામદેવપીર ચોક સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ

સ્ટાર્ટિંગ પોઇન્ટ: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી

એન્ડિંગ પોઇન્ટ: વિઝન 20-20 બિલ્ડિંગ સુધી

લંબાઈ: 630.0 મીટર

પહોળાઈ: 248.4 મીટર (2-લેન)

હાઈટ: 5.50 મીટર

સ્લોપ: 1:30

સર્વિસ રોડ: બન્ને બાજુ 6 મીટર તથા ફૂટપાથ બ્રિજ નીચે પાર્કિંગ

કુલ પિલરની સંખ્યા: 28

પ્રોજેક્ટ ખર્ચ: રૂ.41.12 કરોડ

બજેટ હેડ: રાજ્ય સરકારની ગ્રાન્ટ (બ્રિજ ખર્ચ)

વર્કઓર્ડર તારીખ: 21/01/2021

એજન્સીનું નામ: રણજિત બિલકોન લિ.ડિઝાઈન

કન્સલ્ટન્ટ: જિંદાલ કોન્સોર્ટિયમ

સભાસ્થળમાં વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવી રહ્યું છે.
સભાસ્થળમાં વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવી રહ્યું છે.

PMનો ડ્રીમ પ્રોજેક્ટ લાઈટ હાઉસ તૈયાર
કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વની 54 અદ્યતન બાંધકામ ટેકનોલોજીની સૂચિ બનાવીને એમાંથી ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં રૈયા સ્માર્ટસિટી એરિયામાં મોનોલિથિક કોંક્રીટના ટનલ ફોર્મવર્કથી ગરીબો માટે 118 કરોડના ખર્ચે 1144 આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. જાન્યુઆરી-2021માં PM નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનામાં લાભાર્થીએ 3.39 લાખ ભરવાના રહે છે. અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1.50 લાખની સહાય પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મનપાના આવાસ વિભાગ દ્વારા 3000થી વધુ ફોર્મનો ડ્રો યોજીને 1144 લાભાર્થીને આવાસો ફાળવણી કરવામાં આવી છે. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેર રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નઈ (તામિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.

સતત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સતત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

23 કરોડના ખર્ચે ઈન્ડોર સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરાશે
રાજકોટ શહેરના ખેલાડીઓને રમતગમતક્ષેત્રે પ્રેક્ટિસ માટે સારી જગ્યા મળી રહે એ માટે અદ્યતન ઇન્ડોર સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. શહેરના વોર્ડ નંબર 12માં 80 ફૂટ રોડથી પાળ રોડ પર વગળ ચોકડી વચ્ચે 12 હજાર ચોરસ મીટર જગ્યામાં અંદાજિત 23 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ સંકુલમાં બાસ્કેટ બોલ, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, મહિલાઓ અને પુરુષો માટે અલગ જિમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ઈન્ડોરની સાથે સાથે બહારના ભાગે બાસ્કેટબોલ માટે મેદાન, ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, તથા સ્કેટિંગ માટે અલગ સ્કેટિંગ રિંગ પણ તૈયાર કરવામાં આવશે. ઈન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન તથા ટેબલ ટેનિસ માટેના 6-6 કોર્ટ બનાવવામાં આવશે. રાજકોટ શહેરમાં ઓલિમ્પિક કક્ષાની શૂટિંગ અને આર્ચરી ગેમ માટે કોઈ વ્યવસ્થા નથી, માટે એને ધ્યાનમાં રાખી નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે.

રેસકોર્સ મેદાનમાં ડોમ તૈયાર થવાની આરે.
રેસકોર્સ મેદાનમાં ડોમ તૈયાર થવાની આરે.

500 કરોડના અમૂલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે
રાજકોટ-ભાવનગર રોડ પર ત્રંબા પાસે ગઢકા ગામ નજીક અમૂલ ડેરીનો પ્લાન્ટ 500 કરોડના ખર્ચે સ્થાપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવવા આવી છે અને ડેરી દ્વારા રાજ્ય સરકારમાં ભરવાની થતી જરૂરી રકમ પણ ભરપાઈ કરી દેવામાં આવતાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટમાં અમૂલ ડેરીનો પ્લાન્ટ શરૂ થતાં હજારો બેરોજગારોને નોકરી મળશે. અમૂલ ડેરી રાજકોટમાં બે પ્લાન્ટ ચાલુ કરવાની છે અને રાજકોટથી સૌરાષ્ટ્રભરમાં દૂધ તેમજ અમૂલ ડેરીની બનાવટની પ્રોડક્ટનું વિતરણ કરવામાં આવશે.

રોડ-શો રૂટ પર રસ્તાઓ ચોખ્ખા જોવા મળ્યા.
રોડ-શો રૂટ પર રસ્તાઓ ચોખ્ખા જોવા મળ્યા.

90 કરોડના ખર્ચે સાયન્સ મ્યુઝિયમ તૈયાર
રાજકોટના ઈશ્વરિયા પાર્ક પાસે રીજનલ સાયન્સ મ્યુઝિયમ 90 કરોડના ખર્ચે વડાપ્રધાનના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ 10 એકર જગ્યામાં બનાવવામાં આવ્યું છે. મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ એની 6 ગેલરી હશે, જેમાં વિજ્ઞાનના અલગ અલગ વિષયોને આવરી લેવાયા છે. ઉપરાંત ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રાફી આધારિત લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા પ્રદર્શન થશે.

ડોમ ઊભો કરવા માટે બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડોમ ઊભો કરવા માટે બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજકોટ-જેતપુર સિક્સ લેનનું ખાતમુહૂર્ત કરાશે
રાજકોટથી ગોંડલ અને જેતપુર સુધીનો રસ્તો અત્યારે ફોરલેન છે, એને બદલે 1200 કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવશે. રાજકોટથી જેતપુર વચ્ચે ઔદ્યોગિક ઝોન આવતો હોવાથી રાજકોટ જેતપુરની વચ્ચે સતત ટ્રાફિકની સમસ્યા રહે છે, પણ હવે આ રોડ સિક્સ લેન બની ગયા બાદ આ ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકશે. રાજકોટ-જેતપુર હાઈવે સિક્સલેન બનાવવાની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળતાં 70 કિલોમીટરનું અંતર કાપવામાં સમય બચી જશે. સામાન્ય રીતે હાલના સમયમાં 70 કિલોમીટરનું અંતર કાપતાં એકથી સવા કલાક જેવો સમય થાય છે. જો સિક્સલેન બની જાય તો આ સમય ઘટી જશે. રાજકોટ નજીક આવેલાં નાગલપર, પીપરડી, છાપરા, ખીરસરા ખાતે 100 કરોડના ખર્ચે નવી GIDC પ્લોટિંગ વધારી ખાતમુહૂર્ત કરવામાં આવશે.