રાજકોટનો એક પણ રસ્તો અત્યારે એવો નહીં હોય કે જ્યાંથી લોકો પસાર થાય એટલે ‘ડાઘીયો’ શ્વાન તેનું ‘સ્વાગત’ કરવા માટે ઉભો ન હોય ! શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો વસતી વિસ્ફોટ થઈ રહ્યો હોવાને કારણે મહાપાલિકા દ્વારા વર્ષે કરવામાં આવતો સવા કરોડના ખર્ચનું રીતસર પાણી થઈ રહ્યું છે. છતાં દૈનિક 5 લોકોને શ્વાન કરડે છે. અત્યારે શ્વાનોની રંજાડ કેવી છે તેનો અંદાજ સાત મહિનાના ‘ડોગબાઈટ’ના આંકડા પરથી જ આવી જાય છે. છેલ્લા 7 માસમાં 1029 નાગરિકોને શ્વાને બચકા ભર્યાં છે.જેથી આ લોકોને ચાર વખત ઈન્જેક્શન લેવા માટે સિવિલના પગથીયાં ચડવા પડી રહ્યા છે.
આટલી રકમનો ખર્ચ છતાં અસર નહિવત
વર્ષ 2021ના 1 જાન્યુઆરીથી લઈ 11 ઓગસ્ટ સુધીના 223 દિવસમાં શ્વાનોએ શહેરમાં રીતસરનો ઉપાડો લીધો હોય તેવી રીતે લોકોને બેફામ બનીને કરડી રહ્યા છે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે એજન્સીને વર્ષે 1.25 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ આટલી રકમનો ખર્ચ છતાં તેની કોઈ જ અસર જોવા મળતી ન હોય તેવી રીતે શ્વાનની વસતી તો વધી જ રહી છે સાથે સાથે ‘ડોગબાઈટ’ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
સૂમસામ રસ્તા ઉપર દરરોજ શ્વાનો આતંક
બીજી બાજુ શહેરમાં રાત્રિકર્ફયુ અમલી હોવાને કારણે કામ પૂરું કરીને ઘેર પરત ફરતાં લોકોને સૂમસામ રસ્તા ઉપર દરરોજ શ્વાનોનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું ‘નાટક’ તો સદંતર બંધ જ કરી દેવામાં આવ્યું હોવાને કારણે ‘ડાઘીયા’ઓ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે અને હવે તો શહેરના અનેક રસ્તાઓ ઉપર ટોળાં સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતાં લોકોને સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવવા લાગી છે.
અનેકને હડકવા ઉપડ્યા, મોતની પણ શંકા છતાં હોસ્પિટલમાં રેકર્ડ નથી
રાજકોટમાં શ્વાનોની રંજાડ વધવાને કારણે તેના બચકાંનો ભોગ બનેલા અનેક લોકોને હડકવા ઉપડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ શ્વાન કરડવાને કારણે મોતને ભેટ્યા હોવાની પણ આશંકા છે પરંતુ તેનો સચોટ રેકોર્ડ હોસ્પિટલ પાસે ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલના સૂત્રોએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને શ્વાન કરડી જાય તો તેને હડકવા વિરોધી રસીનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ રીતે તેણે ચાર ઈન્જેક્શનનો કોર્ષ કરવાનો હોય છે પરંતુ જો તે દર્દી એક ઈન્જેક્શન લીધા બાદ બાકીના ઈન્જેક્શન ન લ્યે તો તેને હડકવા ઉપડવાની સંભાવના વધી જાય છે. આ પ્રકારના અનેક કેસો સાત મહિનામાં નોંધાઈ ચૂક્યા છે અને મોટાભાગના કેસોમાં હડકવા ઉપડ્યા બાદ તેને ઠીક કરવો સંભવ બનતો નથી. આવી જ રીતે સારવાર દરમિયાન અનેક લોકો મોતને પણ ભેટ્યા છે.
હડકવાગ્રસ્ત દર્દી અજવાળું સહન નથી કરી શકતા
તબીબોએ જણાવ્યું કે જે વ્યક્તિને શ્વાન કરડ્યા બાદ હડકવા થઈ જાય તો તે દર્દીને અંધારામાં જ રાખવું પડે છે અને જો ભૂલથી પણ તેની સામે અજવાળું આવી જાય તો તે સહન કરી શકતું નથી અને પાગલ જેવું વર્તન કરવા લાગે છે. આ દર્દી અંધારામાં જ નોર્મલ રહી શકે છે. આ ઉપરાંત તેને ગળા નીચે પાણી ઉતારવામાં પણ સખત તકલીફ પડે છે. હડકવો ઉપડ્યા બાદ તેની સારવાર લાંબો સમય સુધી ચાલે છે અને જો ભૂલથી હડકવાગ્રસ્ત દર્દી કોઈને બચકું ભરી લ્યે તો સામેવાળી વ્યક્તિને પણ હડકવા થઈ જાય છે !
કયા મહિનામાં કેટલા લોકોને કૂતરાએ બચકાં ભરી લીધા
જાન્યુઆરી- 251
ફેબ્રુઆરી- 195
માર્ચ- 89
એપ્રિલ- 104
મે- 113
જૂન- 23
જૂલાઈ- 125
ઓગસ્ટ (તા.11 સુધી)- 129
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.