રાજકોટના ઠેબચડા ગામની સીમમાં વાડીમાં ઘોડિયામાં સુતેલા બાળકને શ્વાને ગળે બચકું ભરી લેતા ઘવાયેલા બાળકનું મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા દોડેલા તેના પિતા સહિત બે લોકોને પણ શ્વાને બચકાં ભરતા તે બંનેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા અને તેના પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેના નવ માસના પુત્ર સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, ફૂલ જેવું બાળક ગાઢનિદ્રામાં હતું ત્યારે અચાનક જ શ્વાન તેની પાસે ધસી આવ્યું હતું.
શ્વાને બાળકને ગળેથી ઊંચક્યું હતું અને બચકું ભરી લીધું હતું, શ્વાનના કરડવાથી બાળકે ચીસાચીસ કરી હતી, વહાલસોયાની ચીસો સાંભળી પિતા પારસભાઇ અને એક વૃદ્ધા તેને બચાવા દોડ્યા હતા અને ઘોડિયા નજીક જતા જ શ્વાને પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકાં ભરી લીધા હતા.
શ્વાને ગળાના ભાગે બચકાં ભરતા માસૂમ સાહિલના ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને તાકીદે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન માસૂમ સાહિલનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું, સાહિલ એક બહેનનો એકનો એક ભાઇ હતો, વહાલસોયાનાં મોતથી વસાવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શ્વાનના આતંકથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.