રાજકોટ પોલીસ એલર્ટ મોડ પર:બોમ્બ બ્લાસ્ટના ચુકાદા બાદ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડોગ અને બોમ્બ સ્કવોડનું ચેકિંગ શરુ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા ભીડભાડવાળી જગ્યા પર પોલીસે પેટ્રોલીંગ અને ચેકીંગ કાર્યવાહી કરી

અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના બોમ્બ બ્લાસ્ટ અંગે ગઇકાલે ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આરોપીઓને તકસીરવાન ઠેરવવામાં આવતા ગુપ્તચર એજન્સીને મળેલા ઇનપૂટના આધારે રાજયભરની પોલીસને સતર્ક કરવામાં આવી હતી જેના પગલે આજે રાજકોટ શહેરના મહત્વના સ્થળોએ ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડને સાથે રાખી ચેકીંગ કરવામાં આવ્યું હતું.

મહત્વના સ્થળો પર ચેકીંગ કર્યું
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચુકાદાને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય રાજ્યોમાંથી કોઇ શકમંદો શહેરમાં ઘૂસીને કોઇ કાંકરીચાળો ન કરે તેને ધ્યાને લઇ પોલીસ અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવા આદેશ આપવામા આવતા રાજકોટ એસઓજીના પીઆઈ આર.વાય. રાવલ તથા પીએસઆઈ અંસારી તથા બોમ્બ સ્કવોડના પીએસઆઈ એચ.એમ. રાઠોડ, ક્યુઆરટીના પીએસઆઈ જે.એમ. ઝાલા, અને ટીમે શહેરનાં મહત્વના સ્થળો પર ચેકીંગ કર્યું હતું.

પેટ્રોલીંગ અને ચેકીંગ કાર્યવાહી કરી
ખાસ કરીને આજે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા ભીડભાડવાળી જગ્યા, માર્કેટ વિસ્તાર તેમજ હરવા ફરવાની જગ્યાઓ પર પોલીસે પેટ્રોલીંગ અને ચેકીંગ કાર્યવાહી કરી હતી. આ સાથે શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાને ધ્યાને લઇ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી જેમાં બી ડીવીઝન પોલીસે પણ શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.