ગોંડલ શહેર તેમજ તાલુકાની જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગોંડલ શહેરમાં અદ્યતન સરકારી હોસ્પિટલનું નિર્માણ કરી આપવામાં આવ્યું છે પરંતુ આજે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, આંખના સર્જન, સિવિલના અધિક્ષક તથા કાન,નાક અને ગળાના ડોક્ટર રજા પર છે. જેને પગલે 8 જૂન સુધી ઓપરેશન અને OPD મોકૂફ રહેશે. એક તરફ હોસ્પિટલમાં તબીબોની અછત છે ત્યારે તેઓ અચાનક રજા પર ઊતરી જતા દર્દીઓની હાલત કફોડી બની છે.
શું લખ્યું છે બોર્ડ પર ?
ગોંડલની સરકારી હોસ્પિટલમાં નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યું છે, કે આંખના સર્જન ડોક્ટર હરેશ ગઢીયાની તા. 16થી 29 સુધી ઓપીડીમાં મળી શકશે નહીં, અધિક્ષક ડો. બી.એમ.વાણવી તા.23થી 27 સુધી રજા પર હોવાથી અમરનાથ યાત્રા લાભાર્થીઓએ તા. 30 સોમવારના રોજ સર્ટિફિકેટ માટે આવવાનું રહેશે અને કાન,નાક,ગળાના ડો. બિંદી મેડમની તા.20થી 8 જૂન સુધી ઓપીડીમાં મળી શકશે નહીં.
હોસ્પિટલના અધિક્ષક પણ રજા પર
આ મુદ્દે ગોંડલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. બી.એમ.વાણવીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તેમના ભાણેજની તબિયત નાદુરસ્ત હોય અમદાવાદ હોસ્પિટલ ખાતે તેમનું ઓપરેશન ચાલી રહ્યું હોવાથી તે કારણોસર તેઓ રજા પર છેઅને ઇન્ચાર્જમાં ડોક્ટર અમિત દિવેચા હોસ્પિટલનું કામકાજ સંભાળી રહ્યા છે.
ઇન્ચાર્જ અધિક્ષકનો લૂલો બચાવ: કોરોના બાદ રજાઓ મંજુર થઇ છે
જેથી અમે ઇન્ચાર્જ અધિક્ષક અમિત દીવેચાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોના સમય પછી તબીબો અને કર્મચારીઓની રજાઓ મંજુર થઇ રહી છે. અત્યારે વેકેશન પીરીયડ ચાલી રહ્યો છે. તેથી રજાઓ મંજુર થતા તબીબો અને કર્મચારીઓ પોતપોતાની રજાઓ ભોગવી રહ્યા છે. હાલ જો હોસ્પિટલમાં દર્દી આવે તો મેડિકલ ઓફિસર તેની સારવાર કરી રહ્યા છે. અને જો ક્રિટિકલ પરિસ્થિતિ સર્જાઈ તો દર્દીને રાજકોટ અથવા અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે.
( હિમાંશુ પુરોહિત અને દેવાંગ ભોજાણી,ગોંડલ )
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.