કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિનેશન વધારવા સૂચન કરવામાં આવ્યું હતું. હાલ ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે અનોખા વેક્સિનેશનનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. આ અંગે DIVYABHASKAR સાથે વાત કરતા ડો.વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જાહેર જાગૃતિ માટે સ્વ-રસીકરણ કર્યું છે. વેક્સિનની કોઈ આડઅસર નથી. માટે સર્વેએ વેક્સિન લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્વ-રસીકરણનો પ્રથમ કિસ્સો છે. હાલ તબીબને વેક્સિનની કોઈ જ સાઈડ ઇફેક્ટ જોવા મળી નથી.
રાજકોટમાં ગઈકાલે 5449 લોકોએ રસી લીધી
રાજકોટ શહેરમાં ગઈકાલે સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 5449 નાગરિકોએ રસી લીધી.
1 એપ્રિલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના વેક્સિન કેમ્પ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ ડો. નીતિન પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના માર્ગદર્શન હેઠળ કોરીનાની મહામારીથી રક્ષણ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા 45 વર્ષથી વધારે વયના કર્મચારીઓને સામુહિક કોરોના વેકસિન આપવાનું 1-4-2021ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 45થી વધુ વયના આશરે 248થી વધુ કર્મચારીઓ કોરોનાની વેક્સિન લેશે.
આરોગ્ય ટીમની સમજાવટથી આધીયા ગામે સરપંચ સહિત 100થી વધુ લોકોનું રસીકરણ
રસીના ડરના કારણે ભાડલા પી.એચ.સી. સેન્ટર હેઠળ આવતા આધીયા ગામના લોકોને આરોગ્ય વિભાગના લોકોએ સમજાવતા સરપંચ ધનજીભાઈ સુરેલા સહિત બે દિવસમાં 100થી વધુ ગ્રામજનોએ રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવામા એક કદમ આગળ આવ્યા છે. સરપંચ ધનજીભાઈએ જણવ્યું હતું કે, ગામજનોમાં રસીને લઈને ડર હતો. કોઈ લોકો રસી લેવા તૈયાર ન હતાં, પણ દવાખાનાના સાહેબ અને બીજા સ્ટાફના લોકોએ અમને રસી લેવા સમજાવ્યા હતાં. અમારી શંકાનું સમાધાન થતા ધીરે ધીરે બધા લોકો રસી લેવા તૈયાર થયા હતાં.
સરકારી કચેરીના કર્મચારીઓએ વેક્સિન લીધી
રાજ્યના સરકારી વિભાગના કર્મચારીઓને વેક્સિનેશનની પહેલને વધાવી રાજકોટ ખાતે જુદી જુદી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના સ્ટાફને વેક્સિનેશન લેવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના જણાવ્યા મુજબ ગત રોજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપરાંત આર.ટી.ઓ. કચેરીના સ્ટાફ, પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.