બેદરકારી / જસદણની સરકારી હોસ્પિટલમાં બે કલાક હૃદયરોગના દર્દી બાકડે તડફડતા રહ્યા, તબીબ ફરક્યા પણ નહીં

doctor not given treatment to  heart patient in jasdan
X
doctor not given treatment to  heart patient in jasdan

  • ગોડલાધાર ગામના વૃદ્ધ દર્દી મોત સાથે ઝઝુમતા હતા ને નર્સે કહ્યું ડોક્ટર મીટીંગમાં છે
  • દર્દીના સગાઓએ ડોક્ટરની ચેમ્બરમાં તપાસ કરતા ડોક્ટર પોતે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતા દર્દીઓના સગાઓમાં રોષ ફેલાયો હતો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 08:47 PM IST

જસદણઃ એકબાજુ દેશભરમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. જેથી કોરોના વાયરસને નિયંત્રણ કરવા માટે દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના રોગચાળાના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સજાગ થઈ ગયું છે અને ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં તબીબોને ખડેપગે રહેવા જણાવાયું છે. ત્યારે જસદણની સરકારી હોસ્પિટલમાં એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક હૃદયરોગના દર્દી વૃદ્ધને સારવાર અર્થે જસદણ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં દર્દીને સારવાર આપવના બદલે તબીબ દર્દીની આસપાસ ફરક્યા પણ ન હતા.

ડોક્ટર સારવાર કરના બદલે ચેમ્બર છોડી ભાગી ગયા
ઘટના એવી છેકે, જસદણ તાલુકાના ગોડલાધાર ગામના કુકાભાઈ મનજીભાઈ ચૌહાણ(ઉ.વ.75) નામના દર્દીને હ્રદયરોગની અસર થઈ જતા તાત્કાલિક તેમને જસદણની સરકારી હોસ્પિટલમાં બપોરના 2 વાગ્યા આસપાસ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર રહેલ નર્સે દર્દીને ઈમરજન્સી સારવાર આપવા માટે ડોક્ટરને બોલાવવાના બદલે ડોક્ટર મીટીંગમાં ગયાનું જણાવી દર્દીનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. બાદમાં સાંજના 4 વાગ્યા જેટલો સમય થવા છતાં ડોક્ટર ફરજ પર હાજર ન થતા દર્દીના પરિવારજનો દ્વારા ખાનગી રીતે ડોક્ટરની ચેમ્બરમાં તપાસ કરતા ડોક્ટર મોબાઈલમાં મથતા ઝડપાઈ ગયા હતા. બાદમાં ડોક્ટરનો ભાંડો ફૂટતા ડોક્ટર દ્વારા દર્દીને સારવાર આપવાના બદલે તેમની ચેમ્બરમાંથી ભાગી ગયા હતા.  


હું મારા બાપાને 2 કલાક સુધી ઓટલે સુવડાવી ડોક્ટરને ગોતતો હતો: મુળજીભાઈ ચૌહાણ-દર્દીના પુત્ર
મારા બાપાને છાતીમાં અને ગળામાં ઉખાવો ઉપડી જતા જસદણની સરકારી હોસ્પિટલમાં બપોરે 2 વાગ્યા આસપાસ લાવ્યો હતો અને 4 વાગ્યા સુધી કોઈ ડોક્ટર જ આવ્યા ન હતા. હું બે કલાક મારા બાપાને ઓટલે સુવડાવી ડોક્ટરને ગોતતો હતો. નર્સ ફોનમાં મથતા હતા અને ડો.મૈત્રી સાહેબ ક્યાં છે તેવું પૂછતા મીટીંગમાં ગયા છે તેવું કીધું હતું. હું 4 વાગ્યા આસપાસ ડોક્ટરની ચેમ્બર બાજુ ગયો તો ત્યાં ડો.મૈત્રી ફોનમાં મથતા હતા. મારા બાપા 4 વાગ્યા સુધી રાડો પાડતા હતા પણ ડોક્ટર આવ્યા જ નહી. અત્યારે ડોક્ટરને 24 કલાક હાજર રહેવું જ જોઈએ. બધા આટા મારતા હતા પણ કોઈ મારા બાપાને સારવાર આપવા તૈયાર થતા ન હતા.  


મેં દર્દીને મીટીંગનું કીધું જ નથી: ઉર્મિલાબેન-નર્સ,જસદણ સરકારી હોસ્પિટલ
મેં દર્દીને મીટીંગનું કીધું જ નથી અને મેં ડો.મૈત્રીને કીધું હતું કે તમે દર્દી જોવા આવજો. તેમણે મને કીધું હતું કે હું હમણાં આવું છું. સાહેબને પણ કામ તો હોય ને અને જમવા પણ ગયા હોય. ઓપીડી સિવાયનો બપોરનો 12થી4 નો ટાઈમ હતો તો પછી તેમને બીજા પણ કામ કરવાના હોય ને. મારે જે પ્રાયમરી સારવાર આપવાની હતી તે મેં આપી હતી. સાહેબે કેમ 2 કલાક તપાસ ન કરી તે તમે સાહેબ સાથે વાત કરી લ્યો કારણ કે એ તેમનો વિષય કહેવાય. 


હું મોબાઈલ ઘુમડુ તો જ હું ઉપર માહિતી આપી શકું ને: ડો.આર.એમ.મૈત્રી-મેડીકલ ઓફિસર, જસદણ સરકારી હોસ્પિટલ
અત્યારે કોરોનાની જે અસર છે તેના કારણે સુરતથી અને મહારાષ્ટ્રથી દર્દીઓ આવતા હોય તેની માહિતી મારે ઉપર બધે મોબાઈલના માધ્યમથી મોકલવાની હોય છે. તેમને તત્કાલ ઈન્જેકશન આપી દીધું છે અને ખાટલામાં વયા જવાનું કીધું હતું. પછી દર્દીના સગા મારી પાસે આવ્યા અને તેમને મેં સમજાવ્યા કે 4 વાગ્યે લેબોરેટરી ખુલ્લે તો તમને લેબોરેટરી કરાવી લેશો. નર્સને જોવાનું ન હોય કે હું ક્યાં છું અને મારે શું કરવાનું. હું મોબાઈલ ઘુમડુ તો જ હું માહિતી આપી શકું ને. હું મોબાઈલમાં ગેઈમ રમતો હતો તે વાત ખોટી છે. ડોક્ટર 4 વાગ્યાથી તો ઓપીડીમાં જ બેઠા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી