વિશ્વ કિડની દિવસ:રાજકોટના તબીબે 40 ભાષામાં 100થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલી કિડની રોગોથી બચવા માટેની સંપૂર્ણ માહિતી ફ્રીમાં આપતી વેબસાઈટ બનાવી

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટના કિડની રોગના નિષ્ણાત તબીબ ડો.સંજય પંડ્યા. - Divya Bhaskar
રાજકોટના કિડની રોગના નિષ્ણાત તબીબ ડો.સંજય પંડ્યા.
 • વેબસાઈટમાં 200 પાનાંનું ‘તમારી કિડની બચાવો’ પુસ્તક 40 ભાષામાં ઉપલબ્ધ
 • www.KidneyEducation.com વેબસાઈટ પર સંપૂર્ણ માહિતી

ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં 100થી વધુ દેશોમાં આજે 10 માર્ચ, 2022 ગુરૂવારે ‘વિશ્વ કિડની દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન ‘સ્વસ્થ કિડની સર્વ માટે’ છે. ત્યારે રાજકોટના કિડની રોગના નિષ્ણાત તબીબ ડો.સંજય પંડ્યાએ કિડની એજ્યુકેશન વેબસાઈટ બનાવી છે. જે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઈટ છે. 40 ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનાં માધ્યમ દ્વારા નિઃશુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી ફ્રી લઈ શકે છે.

કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો

 • તમારું લોહીનું દબાણ અને બ્લડ સુગર
 • પેશાબમાં પ્રોટીનની હાજરી જે કિડનીની તકલીફની સૌપ્રથમ નિશાની હોઈ શકે છે
 • લોહીમાં ક્રીએટીનીન પ્રમાણે જે કિડનીની કાર્યક્ષમતા સૂચવે છે

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો

 • નબળાઈ લાગવી, થાક લાગવો.
 • ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા.
 • આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.
 • નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.
 • લોહીમાં ફિક્કાશ હોવી.
 • પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.
 • જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

કિડની ચેકઅપ સરળ, ફકત આટલું કરો
કિડનીનાં રોગનાં વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદ્ઘતિ તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની પહેલી નિશાની હોઈ શકે છે.

ડો.સંજય પંડ્યાએ કિડની બચવા માટેનું 200 પાનાનું પુસ્તક પણ તૈયાર કર્યું જે વેબસાઈટમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
ડો.સંજય પંડ્યાએ કિડની બચવા માટેનું 200 પાનાનું પુસ્તક પણ તૈયાર કર્યું જે વેબસાઈટમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?
1. નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું
2. પૌષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું
ખોરાકમાં નમક (મીઠું), ખાંડ, ઘી-તેલ અને ફાસ્ટફૂડનો ઉપયોગ ઓછો કરવો, શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું (નમક) રોજ 5-6 ગ્રામથી ઓછું લેવું જોઈએ.
3.ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો
ડાયાબીટીસનાં 50% જેટલા દર્દીઓમાં કિડનીને નુકસાન થવાનો ભય રહે છે. ડાયાબીટીસનાં દરેક દર્દીએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ (લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રીએટીનની તપાસ) કરાવવું જોઈએ.
4. લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો
લોહીનું દબાણ 130/80થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચું દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે.
5. પાણી વધારે પીવું
તંદુરસ્ત વ્યકિતએ રોજ 2 લીટર (10-12 ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ 3 લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.
6. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો.
7. ડોક્ટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી.
8. રૂટીન હેલ્થ ચેક અપ
તમને જાણીને નવાઈ લાગશે કે બંને કિડની 90% જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. આ કારણસર કિડનીની તકલીફ થવાની શક્યતા વધારે હોય ત્યારે અને 40 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.
9. કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોક્ટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. પથરી-પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરૂષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરાવી જરૂરી સારવાર લેવી.

શું તમે કિડનીના રોગથી બચવા માંગો છો?

 • www.KidneyEducation.com વિશ્વમાં સૌથી વધુ 40 ભાષામાં 100થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલી કિડની રોગોથી બચવા માટેની સંપૂર્ણ માહિતી ફ્રીમાં આપતી વેબસાઈટ છે.
 • 200 પાનાંનું ‘તમારી કિડની બચાવો’ પુસ્તક 40 ભાષામાં કિડની એજ્યુકેશન વેબસાઇટમાંથી વિનામુલ્યે મેળવી શકાય છે.
 • કિડની અંગે જનજાગૃતિ અભિયાનને 20થી વધુ વિશ્વની સૌથી નામાંકિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થન.
 • યુરોપિયન રીનલ એસોસિએશનના મંતવ્ય મુજબ કિડની અંગે જાણકારી માટે કિડની એજ્યુકેશન વેબસાઈટ સર્વશ્રેષ્ઠ.
 • 10 કરોડથી વધુ હીટસ્‌ અને પાંચ લાખથી વધુ પુસ્તકોના ડાઉનલોડ સાથે વિશ્વભરમાં માહિતી આપવામાં કિડની એજ્યુકેશન વેબસાઈટ અગ્રેસર.
 • વિશ્વના 100થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા કિડની સ્વસ્થ રાખવા માટેની વિશ્વનીય માહિતીનો 40 ભાષામાં ખજાનો નિઃશુલ્ક.
 • કિડની વિશે જનજાગૃતિ વ્હોટસએપ દ્વારા 40 ભાષામાં સંપૂર્ણ માહિતી વિનામુલ્યે. આ માટે વ્હોટસએપ કરો 94269 33238 આ નંબર પર