તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:એક્ટમાં સુધારો ન થાય ત્યાં સુધી ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં ન ભેળવો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ વિરોધ કર્યો: યુનિવર્સિટીના કુલપતિને આવેદન

પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો ન થાય ત્યાં સુધી ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં સામેલ કરવા અંગેની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તેવી માગણી સાથે રાજકોટની ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ બુધવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અધ્યાપકોના સંગઠન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ. કિરપાલસિંહ પરમાર અને મહામંત્રી ડૉ. નારણભાઈ ડોડિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીને લેખિત રજૂઆત પણ કરી છે. રાજકોટ ઉપરાંત રાજ્યની તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં બુધવારે એકસાથે સવારે 10 વાગ્યે દેખાવો કર્યા હતા.

કેટલીક ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. કુલપતિને અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે, 2021ના નવા સુધારા સાથે ખાનગી યુનિવર્સિટી એક્ટ બનતાની સાથે જ ગુજરાત રાજ્યની કેટલીક ગ્રાન્ટેડ સંસ્થાઓએ ખાનગી યુનિવર્સિટીમાં જોડાવવાની તૈયારી શરૂ કરી છે. ગ્રાન્ટેડ સંસ્થામાં જે વિષયો ચાલી રહ્યા છે તે વિષયો ચાલુ રાખવા કે કેમ, ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લેવી તેની પણ સ્પષ્ટતા નથી.

જો આ એક્ટ સુધારાનો અમલ થાય તો રાહત દરે શિક્ષણ આપતી ગ્રાન્ટેડ કોલેજોમાં ફી વધારો થઇ શકે છે જે મધ્યમ વર્ગની અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને પરવડી શકે નહીં. સરદાર પટેલ યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આઠથી દસ ગ્રાન્ટેડ કોલેજોએ ખાનગી યુનિવર્સિટીમાં જોડાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે તેથી અધ્યાપક મંડળે માગણી કરી છે કે પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટમાં સુધારો ન થાય ત્યાં સુધી કોલેજોને સામેલ કરવાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...