રાજકોટની હાર્વે કલબમાં બેડમિન્ટન ટુર્નામેન્ટ રમતા સમયે મ્યુનિ. કોર્પો.ના નાયબ કમિશ્નર એ.આર.સિંઘને હાથમાં ફ્રેકચર આવતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચેલા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને ઓળખી ન શકનાર લેડી ડોકટર હેમાની રાતોરાત ભૂજ બદલી કરી નાખવામાં આવી છે. જેના પગલે આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બની જવા પામેલ છે. કારણ કે અન્ય કોઈ કારણ તેં માટે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે સિવિલ સુપ્રીટેન્ડટે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ લેડી ડોક્ટરની ડેપ્યુટેશનમાં ભુજ મોકલવાની વાત ચાલતી હતી તે મુજબ થયું છે.
બંને અધિકારીઓને ઓળખી શક્યા નહીં
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે, શહેરની હાર્વે કલબ આયોજીત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કોર્પોરેશનમાં નાયબ કમિશ્નર એ.આર.સિંઘ તેમજ તેમની સામે ઇન્કમ ટેકસના અધિકારી અને બેડમિન્ટન કોચ ટુર્નામેન્ટ રમી રહ્યા હતા. આ દરમ્યાન નાયબ કમિશ્નર સિંઘ એકાએક પડી જતા તેને ડાબા હાથમાં સોજો ચડી ગયો હતો આથી કલેકટર અરૂણ મહેશ બાબુ તેઓને પોતાની કારમાં સાથે લઇ તાબડતોબ સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચેલ હતા. પરંતુ સિવિલના આ ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના લેડી ડોકટર હેમા અને સ્ટાફ મેમ્બરો આ બંને અધિકારીઓને ઓળખી શક્યા નહીં
તબીબી સ્ટાફમાં ભારે દોડધામ મચી જવા પામી
જેને પગલે લેડી ડોકટર હેમાએ સારવાર માટે તેઓને પહેલા કેસ કઢાવી લાવવાનું જણાવેલ હતું. પરંતુ ત્યારબાદ કર્મચારીઓએ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની બહાર પડેલી કલેકટરની આ કારને જોઇ જતા તબીબી સ્ટાફમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ દરમ્યાન નાયબ કમિશ્નર સિંઘને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલથી તેઓને તેમના ઘરે ઉતારી દેવામાં આવેલ હતા. પરંતુ આ ઘટનામાં કલેકટરને ઓળખી નહીં શકનાર લેડી ડોકટર હેમાની તાબડતોબ ભૂજની હોસ્પિટલમાં બદલી કરી નાખ્યાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.