સત્તા માટે મથામણ:રાજકોટ માર્કેટ યાર્ડની સત્તા પુત્રને મળે તે માટે પૂર્વ ચેરમેન ડી.કે. સખીયાએ લોબિંગ શરૂ કર્યું

રાજકોટ25 દિવસ પહેલા
રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે. સખીયા અને તેના પુત્ર જીતેન્દ્ર સાથે (ફાઈલ તસવીર).
  • રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 16 બેઠક પૈકી 14 બેઠકમાં ચૂંટણી થઈ હતી

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત બાદ યાર્ડના નવા ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ થયા છે. ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રમાં પણ હવે નો રિપીટ થિયરી અપનાવી પરસોતમ સાવલિયાને બાદ કરતા તમામ નવા ચહેરા મેદાને ઉતારવામાં આવ્યા છે અને હવે નવી સરકારની જેમ સહકારી ક્ષેત્રમાં પણ યુવાનોને આગળ કરવામાં આવશે કે પછી સિનિયર તેમજ અનુભવીને યાર્ડની કમાન આપવામાં આવશે તે અંગે રાજકીય ખટપટ સહકારી ક્ષેત્રમાં ચાલી રહી છે. જોકે યાર્ડના પૂર્વ ચેરમેન સખીયાએ તેમના પુત્ર જીતેન્દ્ર સખીયા માટે લોબિંગ શરૂ કરી દીધું છે.

યાર્ડની ચૂંટણીનું પરિણામ 6 ઓક્ટોબરે પરિણામ જાહેર થયું હતું
રાજકોટ માર્કેટ યાર્ડમાં ગત 6 ઓક્ટોબરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થતા હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે. ચૂંટણી પુરી થયા બાદ એક મહિના અંદર રાજકોટ માર્કેટ યાર્ડના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે તેવા સંકેતો હતા. પરંતુ નવા ચેરમેન કોણ એ અંગે મૂંઝવણ થતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવેમ્બર મહિનાના અંતમાં યાર્ડના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ તેવી શક્યતા છે.

પરસોતમ સાવલિયા સાથે ડી.કે. સખીયા.
પરસોતમ સાવલિયા સાથે ડી.કે. સખીયા.

ચેરમેન પદ માટે પરસોતમ સાવલિયાનું નામ મોખરે
આ વર્ષે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 16 બેઠક પૈકી 14 બેઠકમાં ચૂંટણી થઈ હતી. જ્યારે બે બેઠક બિનહરિફ થઈ હતી. ચૂંટણીમાં કુલ 16 બેઠક પૈકી વેપારી વિભાગની 1 બેઠક બાદ કરતા તમામ 15 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારની જીત થઈ છે જે પૈકી 2 ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા હતા. હાલ રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન માટે લોબિંગ શરૂ થયા છે. જેમાં ચેરમેન પદ માટે જો સિનિયર અને અનુભવીની પસંદગી કરવામાં આવે તો તેમાં પરસોતમ સાવલિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે તેઓ વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને અનુભવ પણ ધરાવી રહ્યા છે. ભૂતકાળમાં તેઓએ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાને હરાવી યાર્ડની ચૂંટણીમાં જીત મેળવી હતી.

પુત્રને હોદ્દેદાર બનાવવા માટે લોબિંગ શરૂ કર્યું
બીજી તરફ રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાએ પણ તેમના પુત્રને હોદ્દેદાર બનાવવા માટે લોબિંગ શરૂ કર્યું છે. યુવાનોને તક આપવામાં આવે તો તેમાં જીતેન્દ્ર સખીયાને જવાબદારી સોંપવામાં આવે તેવો આગ્રહ તેમના પિતા અને યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે.સખીયા રાખી રહ્યા છે.

પરસોતમ સાવલિયા બિનહરિફ થયા ત્યારે ડી.કે. સખીયાએ હાર પહેરાવી સન્માન કર્યું હતું.
પરસોતમ સાવલિયા બિનહરિફ થયા ત્યારે ડી.કે. સખીયાએ હાર પહેરાવી સન્માન કર્યું હતું.

રાજકોટ જિલ્લાના 5 માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 માર્કેટ યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવા જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. જોકે તમામ યાર્ડની ચૂંટણી બિનહરિફ થઇ નહોતી. પરંતુ ભાજપ પ્રેરિત પેનલની બહુમતીથી જંગી મતે જીત થતા પ્રદેશ મવડી મંડળ દ્વારા જયેશ રાદડિયા સાથે ચર્ચા કરી ચેરમેન વાઈસચેરમેન અંગે નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા સેવાય રહી છે. રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરિફ ચૂંટણી થઇ. જ્યારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા તમામમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...