સ્વયંભૂ લોકડાઉન:ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ, 20 ટકા જ દુકાનો બંધ, સોની બજાર સજ્જડ બંધ રહી, રાજકોટમાં દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ માટે બંધ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં કાપડ માર્કેટ આજથી બંધ - Divya Bhaskar
રાજકોટમાં કાપડ માર્કેટ આજથી બંધ
  • દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે

રાજકોટ, ગોંડલ અને ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના બેકાબૂ બનતા લોકો સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે. ગોડલમાં કોરોનાના કેસમાં વધારો થતાં આજથી એક સપ્તાહ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં આજથી દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ બંધ રહેશે. જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય. ગોંડલની સામાજિક સંસ્થાઓ, આગેવોનો અને પ્રબુદ્ધજનો દ્વારા આજથી આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની કરાયેલ અપીલનાં પગલે માત્ર સોની કામના વેપારીઓએ સોની બજાર સજ્જડ બંધ રાખી હતી. એ સિવાય શહેરમાં લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પંદરથી વીસ ટકાને બાદ કરતા શહેરની બજારો ખુલ્લી રહી હતી. ચા, પાનનાં ગલ્લાંથી લઇ શોપિંગ મોલ ખુલ્લાં રહ્યાં હતાં. ગોંડલમાં કોરોનાએ કહેર મચાવ્યો હોય તેમ એક હજારથી વધું પોઝિટિવ કેસ નોંધાયા હોય રોજબરોજ તેમાં વધારો થતો હોય શહેરની કેટલીક સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, આગેવોનો દ્વારા આજે મંગળવારથી આઠ દિવસ માટે સાંજનાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરાઇ હતી. પણ આ અપીલને નબળો પ્રતિસાદ મળ્યો છે. વેપારી વર્ગમાં એવી પણ વાત હતી કે લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ રહ્યાં બાદ હવે અર્થતંત્રની ગાડી માંડ પાટે ચડી હોય લોકડાઉન પોસાય તેમ નથી.

ગોંડલમાં કોરોના બેકાબૂ બન્યો
ગોંડલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા કોરોના હોટ સ્પોટ બન્યું છે. દરરોજ 25થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંક 1100ને પાર પહોંચી ગયો છે. જેથી શહેરના વેપારીઓ, આગેવાનો, મહામંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ, નગરપાલિકાના પદાધિકારીઓએ મળીને આજથી 4 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જેથી આજથી એક સપ્તાહ સુધી ગોંડલમાં 4 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રહેશે. જો કે લોકડાઉન દરમિયાન દવા ઉપરાંત દૂધ તથા આવશ્યક સેવાઓ માટેની દુકાનો ચાલુ રહેશે

આજથી દિવાનપરા કાપડ માર્કેટ બંધ
રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ આજથી દિવાનપરા કાપડ માર્કેટ 6 દિવસ માટે બંધ રહેશે. રાજકોટમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો હોવાથી દિવાનપરા કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા 6 દિવસ દુકાનો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 6500ને પાર
સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ જિલ્લામાં જ કોરોના પોઝિટિવનો આંક 6500ને પાર પહોંચી ગયો છે. જે ખુબ જ ચિંતાજનક છે. આ સાથે જ રાજકોટમાં દરરોજ 22થી વધુ લોકોના મોત નીપજી રહ્યાં છે. આમ રાજકોટમાં કોરોના બેકાબૂ બનતા લોકો સ્વયંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે.

જામનગરની ગ્રેઈન માર્કેટ કાલથી 30 તારીખ સુધી અડધો દિવસ જ ખુલ્લી રહેશે
જામનગરમાં કોરોના સંક્રમણ વધતાં ગ્રેઈન માર્કેટ કાલથી 30 તારીખ સુધી સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. એસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ સહિતનાં હોદ્દેદારો અને વેપારીઓ સાથે મળીને કાલથી 30 તારીખ સુધી ગ્રેઈન માર્કેટના વેપારનાં સમયમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. વેપારીઓ માલ ગમે તે સમયે ઉતારી શકશે. પરંતુ બપોરે 2 વાગ્યા પછી વેંચાણ કે ડિલિવરી કરવાની રહેશે નહીં.