વાઇરલ રોગચાળો:શહેરમાં દિવાળીમાં રોગચાળો ઓછો નોંધાયો, હવે ગળામાં બળતરા અને તાવની ફરિયાદો વધી, ડેન્ગ્યુમાં પણ ઉછાળો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મીઠાઈઓ, ઠંડાપીણા અને ફાસ્ટ ફૂડ ખાવાને કારણે તબિયત બગડી, મિશ્રઋતુ થતા વાઇરલ રોગચાળો પણ વધ્યો

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના સાપ્તાહિક આંકમાં રોગચાળો કાબૂમાં દેખાઈ રહ્યો છે પણ હકીકતે ગત સપ્તાહે દિવાળીના તહેવાર હોવાથી લોકો આરોગ્ય કેન્દ્રોમાં ગયા જ નથી. આ કારણે બધા આંક નીચા દેખાયા છે જોકે એકમાત્ર ડેન્ગ્યુના કેસમાં નજીવો ઉછાળો આવ્યો છે. હવે નવા સપ્તાહમાં અચાનક રોગચાળો વધ્યો છે જેમાં ગળાની બળતરા અને શરીરમાં દુખાવો મહત્ત્વના લક્ષણ છે. મનપાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા આંક મુજબ 24-10થી 31-10 સુધીના સમયગાળામાં ડેન્ગ્યુના 19 નવા કેસ જ્યારે મલેરિયાનો એક કેસ નોંધાયો છે.

આ પહેલાના સપ્તાહમાં આ કેસ 12ની આસપાસ હતા તેથી ડેન્ગ્યુના કેસમાં નજીવો ઉછાળો આવ્યો છે. જ્યારે શરદી-ઉધરસના 106 અને તાવના 16 કેસ નોંધાયા છે સામાન્ય સપ્તાહમાં આ બંને કેસ બમણાથી પણ વધુ નોંધાતા હોય છે પણ દિવાળીની રજા હોવાથી લોકો આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચ્યા ન હતા અને હવે કેસ વધી રહ્યા છે. આરોગ્ય અધિકારી ડો. વંકાણીના જણાવ્યા અનુસાર છેલ્લા બે ત્રણ દિવસમાં આરોગ્ય કેન્દ્રોમાં ઓપીડીની સંખ્યા વધી રહી છે.

લોકો ગળામાં બળતરા અને શરીરમાં કળતર અને દુખાવાની સમસ્યા લઈને આવી રહ્યાં છે. આ પાછળ કારણ એ છે કે, તહેવારોમાં લોકો અલગ અલગ સ્થળોએ હર્યા ફર્યા હોય અને મીઠાઈઓ ખાવાનું પ્રમાણ વધારે રહ્યું હોય છે. આ ઉપરાંત ઠંડાપીણા સહિત ફાસ્ટ ફૂડ ખાવાનું પ્રમાણ વધવાથી આ સમસ્યાઓ વધી રહી છે. હવે મિશ્રઋતુની પણ શરૂઆત છે તેથી તેમાં વધારો થશે જોકે હાલ શરદીનું પ્રમાણ વધ્યું નથી.

ડેન્ગ્યુમાં ગત વર્ષ કરતા આંક ઓછો રહ્યાનો મહાનગરપાલિકા તંત્રનો દાવો
મનપાની આરોગ્ય શાખાએ દાવો કર્યો છે કે, ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગમાં ગત વર્ષ કરતા આ વર્ષે સ્થિતિ કાબૂમાં છે. કેસની સંખ્યા ઘટી રહી છે તે ઉપરાંત ખાનગી હોસ્પિટલના પણ સતત સંપર્કમાં રહીને રેપિડ ટેસ્ટ અને લક્ષણો તેમજ દર્દીઓની સંખ્યા પણ ચકાસાઈ રહી છે તેમાં પણ વધુ ફરક પડ્યો નથી. એક મહિના પહેલા ચિકનગુનિયાના કેસમાં વધારો આવ્યો હતો તેથી તંત્રને પરસેવો વળી ગયો હતો. જો કે, બાદમાં આંક ઘટતા રાહત થઈ હતી.

એન્ટિ લારવા એક્ટિવિટીને કારણે મચ્છરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો
શહેરમાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગમાં ઉછાળો આવે તે પહેલા જ એન્ટિ લારવા એક્ટિવિટી પર ભાર મુકાયો હતો તેમજ જ્યાં સૌથી વધારે મચ્છરોનું બ્રીડિંગ થતું હોય તેવા સ્થળોએ ચેકિંગ કરીને નોટિસ ફટકારાઈ હતી. તબીબોને શંકા હતી કે, આ વર્ષે કોરોના વાઇરસ નબળો પડ્યો છે અને તેને કારણે અત્યાર સુધી અન્ય રોગચાળા બહાર આવતા ન હતા કોરોના ન હોવાથી ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગમાં ઉછાળો આવી શકે છે તેથી જ કામગીરી શરૂ કરાઈ હતી. ચાલુ વર્ષે વરસાદની પેટર્નને કારણે બ્રીડિંગ માટે મચ્છરોને સમય મળી શક્યો ન હતો જેથી મચ્છરોની ડેન્સિટી આ વખતે ઘટી હોવાથી રોગચાળો ઘટ્યાનું આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું છે.

રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા સામે 2 દર્દી ડિસ્ચાર્જ
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જોકે બીજી તરફ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા સોમવાર જેટલી જ 18 પર સ્થિર રહી છે. એક તબક્કે કોરોનાના એક્ટિવ કેસનો આંક 10ની નજીક પહોંચી ગયો હતો પણ દિવાળીના તહેવાર બાદ એકસાથે 8 કેસ આવતા ફરીથી આંક વધ્યો છે. શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે, આ દિવસોમાં ખાનગી લેબોએ રજા પાળી હોવાથી અલગ અલગ દિવસે લેવાયેલા સેમ્પલ અને ટેસ્ટની વિગતો એક જ સાથે મોકલી હોવાથી આંક વધ્યો છે. આગામી સમયમાં ડિસ્ચાર્જના આંક પરથી તે સ્પષ્ટ થશે. હવે રાજકોટ શહેરમાં કોરોના નગણ્ય હોવાનું તબીબો દાવો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...