શ્રીહરિને ચલણી નોટોનો શણગાર:રાજકોટમાં દિવાળીના દિવસે ભગવાનને 3 લાખની ચલણી નોટોનો શૃંગાર, લેપટોપ સાથે ચોપડાપૂજન, મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

રાજકોટએક મહિનો પહેલા
ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને 3 લાખની ચલણી નોટોનો શણગાર.
  • BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ સ્વામીની હાજરીમાં કેટલાક વેપારીઓ લેપટોપ લઈ પૂજામાં બેઠા

આજે દિવાળીની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. દિવાળીના દિવસે હિન્દુ ધર્મમાં ચોપડા પૂજનનું અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજનમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા છે. કેટલાક વેપારીઓએ લેપટોપ સાથે પૂજા કરી હતી. બીજી તરફ ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીહરિને 3 લાખની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. સવારથી જ ચલણી નોટોના શણગાર સાથે ભગવાનના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો મંદિર ઉમટી રહ્યા છે.

ભગવાન સ્વામિનારાયણના શૃંગારના દર્શન કરવા હરિભક્તો ઉમટ્યા
આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીહરિના ચલણી નોટોના શૃંગારના દર્શન કરી હરિભક્તો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. હરિભક્તો પરિવાર સાથે સવારથી દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. શ્રીહરિના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણની સાથોસાથ દેવી-દેવતાઓને પણ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે.

BAPS સ્વામિનારાયણ મંદિરે કેટલાક વેપારીઓએ લેપટોપ સાથે પૂજા કરી.
BAPS સ્વામિનારાયણ મંદિરે કેટલાક વેપારીઓએ લેપટોપ સાથે પૂજા કરી.

કોરોનારૂપી વૈશ્વિક મહામારી સંપૂર્ણ દૂર: કોઠારી સ્વામી
ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી રાધારમણસ્વામીએ જણાવ્યું હતું કે, આજના દિવાળીના પર્વની બધાને શુભકામના. આજે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે, કોરોનારૂપી વૈશ્વિક મહામારી સંપૂર્ણ દૂર થઇ જાય અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિમાં વધારો થાય.

ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે લોકો ઉમટ્યા.
ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે લોકો ઉમટ્યા.

હાઇટેક ચોપડા પૂજન
રાજકોટ કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે દિવાળીના પાવન અવસર પર ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અપૂર્વમુનિ સ્વામિ અને સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ચોપડા પૂજન કર્યું હતું. કેટલાક વેપારીઓ લેપટોપ સાથે પૂજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.