• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Diwali In Dussehra Market: Advance Booking Of 1000 In Four Wheeler, 1500 In Two Wheeler, Rs 25 Crore Will Be Traded In Electronic Market

ભાસ્કર વિશેષ:દશેરાએ બજારમાં દિવાળી : ફોર વ્હિલરમાં 1000, ટુ વ્હિલરમાં 1500નું એડવાન્સ બુકિંગ, ઇલેક્ટ્રોનિક માર્કેટમાં રૂપિયા 25 કરોડનો વેપાર થશે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવાળી સુધી કપડાંથી લઈ સોનીબજારમાં ખરીદી રહેશે, ગત વર્ષ કરતા ખરીદીમાં 30 ટકા સુધી વધારો

નવરાત્રિના તહેવાર સાથે જ બજારમાં ખરીદીનો માહોલ શરૂ થઇ ગયો છે. હાલમાં સામાન્ય દિવસો કરતા બજારમાં ખરીદી માટે ચહલપહલ વધુ છે. દશેરાના પર્વમાં સોના-ચાંદી, ટુ-ફોર વ્હિલર, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ અને ઘર-મકાન- દુકાન ખરીદવા માટેનું શુભ મુહૂર્ત મનાતું હોય છે. આ દરેક માર્કેટમાં હાલમાં ઘરાકી છે અને ઓટો મોબાઈલ માર્કેટમાં એડવાન્સ બુકિંગ પણ થઇ ગયા છે. ત્યારે રાજકોટની બજારમાં ખરીદી માટે દશેરાએ દિવાળી જેવો માહોલ રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

દશેરાના દિવસે 1500 ટુ વ્હિલર, 1000 ફોર વ્હિલર વેચાય તેવો અંદાજ છે અને અત્યારથી જ તેનું એડવાન્સ બુકિંગ થઇ ગયાનું ડીલર્સ જણાવે છે. ઇલેક્ટ્રોનિક માર્કેટમાં એક જ દિવસમાં 25 કરોડનો વેપાર થશે તેમ વેપારી રવજીભાઈ રામોલિયા જણાવે છે. ઓટો ડીલર સંજયભાઇ ડાંગરના જણાવ્યાનુસાર એક અંદાજ મુજબ આખા રાજકોટમાં નવરાત્રિથી દશેરા સુધી 7 હજાર ટુ વ્હિલરનું વેચાણ થવાની શક્યતા છે. આર.બી.એ.ના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ બગડાઇના જણાવ્યાનુસાર કોરોના બાદ પહેલીવાર રિઅલ એસ્ટેટમાં તેજી જોવા મળી છે.

કોમર્શિયલ, રેસિડેન્સિયલ, એફોર્ડેબલ હાઉસ દરેક સેક્ટરમાં ખરીદી નીકળી છે. દશેરાએ રાજકોટમાં 800થી વધુ મિલકતના સોદા થવાનો અંદાજ છે. સોનીબજારમાં હાલમાં લગ્ન સરાની ખરીદી નીકળી છે. સોનીબજારમાં છેલ્લા 15 દિવસથી ખરીદીનું પ્રમાણ વધારે છે. જેને કારણે સોનીબજારનું ટર્નઓવર રૂ.2 કરોડથી વધી ગયું છે.

બજારમાં ખરીદી નીકળવા માટેના કારણ અને આ અસર આવશે

  1. કોરોનાને કારણે લોકોએ કરકસર કરતા જરૂર પૂરતી જ ખરીદી કરી હતી. હવે જરૂરિયાત વધતા બજારમાં ખરીદી નીકળી છે.
  2. હવે લોકો પાસે રોકડ હાથમાં આવી રહી છે. લિક્વિડિટી વધતા બજારમાં રોકડ ફરવા લાગી છે.
  3. સૌરાષ્ટ્રમાં પાક- પાણીનું ચિત્ર સારું છે. જરૂરિયાત મુજબનો વરસાદ થઈ જતા વેપાર- ઉદ્યોગ અને ખેતી માટે હકારાત્મક વાતાવરણ છે.
  4. દશેરા અને દિવાળી એ સૌથી મોટો તહેવાર મનાઈ છે. મુહૂર્ત સાચવવા માટે પણ લોકો ખરીદી કરે છે.
  5. છેલ્લા બે વર્ષથી જે લગ્ન રદ થયા હતા તે આ વખતે થશે અને હાલ દરેક સેક્ટરમાં લગ્નસરાની પણ ખરીદી જોવા મળી રહી છે.
  6. બજારમાં ખરીદી નીકળવાને કારણે લારી- ગલ્લા અને પાથરણા વાળાથી લઇને શો- રૂમમાં અંદાજિત 2 હજારથી વધુ લોકોને રોજગારી મળશે.
  7. દિવાળીમાં મુખવાસ, સુશોભનની વસ્તુ બનાવતા ગૃહઉદ્યોગમાં મૂડીરોકાણ વધશે અને આ ઉદ્યોગની સંખ્યા વધશે.
  8. કોરોના બાદ રિઅલ એસ્ટેટ માર્કેટમાં માત્ર ઇન્કવાયરી થતી હતી સોદા નક્કી થવામાં સમય નીકળી જતો હતો તેના બદલે હવે જે લોકો ઇન્કવાયરી કરવા જાય છે તે લોકો સોદા નક્કી કરતા થઈ ગયા હોવાનું બિલ્ડર્સ જણાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...