તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તગડી કમાણી:રાજકોટ એસટી ડિવીઝનને જન્માષ્ટમી ફળી, આઠમના એક જ દિવસમાં 50 લાખની આવક, તીર્થસ્થાનો પર 45 એકસ્ટ્રા બસ દોડાવાઇ હતી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દ્વારકા, દિવ, સોમનાથ, સુરેન્દ્રનગર અને કચ્છનાં માતાના મઢ જવા માટે એસટી બસોમાં ભરચક્ક ટ્રાફિક જોવા મળ્યો હતો

સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આયોજન ન થતા લોકોએ સાતમ-આઠમના પર્વ પર તીર્થસ્થાનો પર ફરવા જવાનું નક્કી કર્યું હતું. આઠમના એક જ દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને 50 લાખની આવક થઇ છે. આ માટે એસટી વિભાગ દ્વારા તીર્થસ્થાનોના રૂટ પર એક્સ્ટ્રા બસ મીકવામાં આવી હતી.

સૌથી વધુ રાજકોટથી ચોટીલા વચ્ચે એસટી બસો ચાલી
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષાથી અનેક લોકો ઘરની બહાર નીકળ્યા ન હતાં. ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના દિવસો સાથે જાહેર રજાઓની ગોઠવણ થઈ જતાં બહારગામ રહેતા અનેક નોકરિયાતો, ધંધાર્થીઓ પોતાના વતનમાં આવી પહોંચ્યા હતાં. આ સાથે ચોટીલા, દ્વારકા, દીવ અને સોમનાથ સહિતના હરવા-ફરવાના સ્થળોએ ફરવા જતા અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ મુસાફરો માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 45 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રાજકોટથી ચોટીલા વચ્ચે એસટી બસો ચાલતી હતી.

હજુ આ અઠવાડિયા સુધી એકસ્ટ્રા બસો દોડશે
અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરો ઉપરાંત દ્વારકા, દિવ, સોમનાથ અને સુરેન્દ્રનગર તથા કચ્છનાં માતાના મઢ જવા માટે પણ એસટી બસોમાં ભરચક્ક ટ્રાફિક જોવા મળ્યો હતો. કોરોનાના કેસ આ વર્ષે નહિવત હોવાથી લોકો તિર્થધામોમાં દર્શનાર્થે અને હરવા-ફરવાનાં સ્થળોએ જવા માટે વધુ ઉત્સાહી રહ્યાં હતા. હજુ આ અઠવાડિયા સુધી એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. રાજકોટ સહિત રાજ્યભરનાં તમામ સ્થળોએ એસટી ડેપોમાં બે વર્ષ બાદ ભારે ભીડ જોવા મળી છે.