રાજકોટના સમાચાર:ભારત-શ્રીલંકા ક્રિકેટ મેચ સંદર્ભે ડાયવર્ઝન રૂટ જાહેર, માધાપર ચોકડી બંધ હોવાથી ટ્રાફિકજામ સર્જાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આગામી 7 જાન્યુઆરી 2023 ના રોજ ભારત તથા શ્રીલંકા વચ્ચે આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટ મેચ પડધરી પોલીસ સ્ટેશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. મેચમાં આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે. આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.07ના 05 કલાકથી તા.08ના 01:00 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજકોટ કે.બી.ઠક્કર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

માધાપર ચોકડી બંધ હોવાથી અંધાધૂંધ ટ્રાફિકજામ સર્જાશે
20 ડિસેમ્બરના રોજ પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવે પણ જાહેરનમું પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે માધાપર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. આ બ્રિજની શરૂઆત જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી શરૂ થઈ જામનગર રોડ વ્હોરા સોસાયટી પહેલાં પૂર્ણ થઈ રહ્યો છે. માધાપર ચોકડી ઓવરબ્રિજ વચ્ચેના સ્લેબની કામગીરી ચાલું કરવાની હોય થે જેથી આ સ્લેબના સેન્ટ્રીંગ કામ માટે માધાપર ચોકડી પર ટ્રાફિકની અવર-જવર બંધ કરવી પડે તેમ હોવાથી જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી માધાપર ચોકડી, 150 ફૂટ રિંગરોડથી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સાથે સાથે આ રસ્તેથી પસાર થનારા વાહનચાલકો માટે ડયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે બેડી ચોકડીથી જામનગર-પડધરી- ધ્રોલ તરફ જવા માંગતાં તમામ ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર વાહનો મૌસુર ભગત ચોકથી ઈશ્વરીયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઈ શકશે તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ ટુ વ્હીલર, ફોર વ્હીલર, નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષીનગર, રેલનગર અન્ડરબ્રિજથી શહેર તરફ જઈ શકશે.

આદેશનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
આ હુકમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ જે લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને અને ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

ચૂંટણી ખર્ચની સમિક્ષા કરતા ઓબ્ઝર્વરો
રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકોના 65 ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન કરેલા ખર્ચની સમિક્ષા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઓબ્ઝર્વરની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી ગત તા. 1 ડીસેમ્બરના યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની વિધાનસભાની આઠ બેઠકો ઉપર 65 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.

સરકારી ચોપડા પર માંડ 25 લાખને આંબેલ હતો
આ ચૂંટણીમાં આ વખતે ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા 40 લાખની નિયત કરવામાં આવી હતી. જો કે રાજકોટ જિલ્લાના મોટાભાગના રાજકીય પક્ષોના ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ સરકારી ચોપડા પર માંડ 25 લાખને આંબેલ હતો.આજની આ બેઠકમાં ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વરોએ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓએ કરેલા ચૂંટણી ખર્ચનો તાળો મેળવી ખર્ચ અંગેની સમિક્ષા કરી હતી.

કોંગ્રેસનો આક્ષેપ: ડેપ્યુટી કમિશ્નર કચેરીમાં ગેરહાજરી હોવાથી અરજદારો હેરાન
રાજકોટમાં કોંગી કોર્પોરેટ ભાનુબેન સોરાણીએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૮ વોર્ડ છે જેમાં વહીવટી સરળતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઇસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોનઅને વેસ્ટ ઝોન આમ કુલ ત્રણ(૩) વિભાગમાં વોર્ડની વહેંચણી થઈ છે. ત્રણેય ઝોનમાં ઝોન કચેરી કાર્યરત કરવામાં આવેલ છે આ ઝોન કચેરીઓમાં ડેપ્યુટી કમિશ્નરની અલાયદી એ.સી. ચેમ્બર, ઈનોવા ગાડી, મીટીંગ રૂમ, કોન્ફરન્સ હોલ બનાવવામાં આવેલ છે જયારે આ તમામ સુવિધાઓ અને સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તા ડેપ્યુટી કમિશ્નરને આપેલ હોય ત્યારે તેઓ શા માટે ઝોનલ કચેરીમાં હાજર રહેતા નથી. આ મામલે કડક કાર્યવાહી કરો