વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન:72% માનસિક અસ્વસ્થ, જેથી વ્યસન વધ્યા, 81%એ કહ્યું મિત્રતાથી માનસિકતા મજબૂત, સૌ.યુનિ.ના 2700 લોકોના સર્વે પરથી તારણ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આજે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે

10 ઓક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેટલું મહત્વ શારીરિક સ્વાસ્થ્યનું છે એટલું જ માનસિક સ્વાસ્થ્યનું છે. પરંતુ જાગૃતતાનો હજી ક્યાંક અભાવ જોવા મળી રહ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં જે વિવિધ સર્વે થયા અને જે કાઉન્સેલિંગ થયું તેના પર નજર કરીએ તો હાલના સમયમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અને અધ્યાપક ડો.ધારા આર. દોશીના સર્વેમાં તારણ મળ્યું કે બાળકથી વૃદ્ધ દરેક લોકો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2700 લોકો પાસેથી માહિતી મેળવીને તારણ કાઢવામાં આવ્યું છે કે, 72 ટકા લોકો માનસિક રીતે અસ્વસ્થ છે. જેનાથી વ્યસનનું પ્રમાણ વધ્યું છે. 81 ટકા લોકોએ મિત્રતાથી માનસિકતા મજબૂત થાય છે તેવી કહી રહ્યા છે.

2700 લોકોના સર્વામાં નીકળેલું તારણ
- કોવિડ પછી 72% લોકો નાની-મોટી માનસિક સમસ્યાથી પીડાય છે.
- 36% લોકો હજુ માનસિક સ્વાસ્થ્ય બાબતે અજાણ છે.
- ટોટલ 81%એ જણાવ્યું કે મિત્રતા માનસિક રીતે મજબૂત કરે છે.
- 72% યુવાનો માનસિક સ્વસ્થ રહેવામાં પહેલી પ્રાયોરિટી મિત્રતાને આપે છે, પોતાની મુશ્કેલીઓ મિત્ર પાસે રજૂ કરે છે.
- 45% મિત્રતાને અને 55% પરિવાર તેમજ સમાજને મહત્વ આપે છે માનસિક સ્વસ્થ રહેવા બાબતમાં.
- 63% વૃદ્ધ માનસિક અસ્વસ્થ બાબતો માટે કુટુંબીજનો અને દીકરા, વહુ, દીકરી અને જમાઈને કારણભૂત માને છે.
- કોરોના દરમ્યાન અને હાલમાં પણ લોકોને માનસિક ગડમથલ રહે છે એવું 54% લોકોએ સ્વીકાર્યું.
- 45% એ કહ્યું કે માનસિક અસ્વસ્થતાને કારણે વ્યસન વધ્યા છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

માનસિક સ્વાસ્થ્યનો અર્થ અને મહત્વ
માત્ર રોગોની ગેરહાજરી એટલે સ્વસ્થ આરોગ્યને સમજી શકાય નહીં. જ્યારે વ્યક્તિ શારીરિક સાથે માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોય ત્યારે જ તેને પૂર્ણ તંદુરસ્ત છે એવું કહીં શકાય. શારીરિક સ્વાસ્થ્યની સંભાળ માટે માનસિક સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે. માનસિક સ્વાસ્થ્યનો અર્થ ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારી થાય છે. તે વ્યક્તિની વિચારવાની, અનુભવવાની અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. હાલમાં વિશ્વમાં માનસિક બીમારી સૌથી મોટું કારણ છે. તે ઘણી સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે જેમ કે બેરોજગારી, ગરીબી, કૌટુંબિક સમસ્યાઓ અને ડ્રગનો દુરુપયોગ વગેરે. અલ્ઝાઇમર રોગ, ઉન્માદ, ચિંતા, હતાશા, વ્યસન, નબળી યાદશક્તિ, મૂંઝવણ વગેરે વિવિધ પ્રકારના માનસિક દર્દીઓને કારણે થાય છે.

માનસિક અસ્વસ્થતાના લક્ષણો
લક્ષણોમાં ઉદાસીનતા, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાનો અભાવ, મિત્રોથી અંતર, થાક અને ઊંઘની સમસ્યાનો સમાવેશ થઈ શકે. તે વ્યક્તિની વિચારવાની, સમજવાની, અનુભવવાની અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. માનસિક સ્વાસ્થ્ય બેરોજગારી, ગરીબી અને ડ્રગ વ્યસન વગેરે જેવી ઘણી સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે. માનસિક વિકારોમાં ડિપ્રેશન વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ઘણા સંશોધનો દ્વારા સાબિત થયું છે કે ડિપ્રેશન એ કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું મુખ્ય કારણ છે. માનસિક સ્વાસ્થ્યની ગેરહાજરી ઘણા રોગોને જન્મ આપે છે.

માનસિક સ્વાસ્થ્યનું મહત્વ
હવે સમય બદલાયો છે અને લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી રહ્યા છે. હવે શરમ અથવા ડરથી માનસિક સ્વાસ્થ્યને અવગણવાને બદલે, લોકો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને તેમના અનુભવો શેર કરી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય શું છે અને તેના વિશે વાત કરવી શા માટે મહત્વપૂર્ણ છે? માનસિક સ્વાસ્થ્ય એટલે આપણું ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સ્વાસ્થ્ય. આપણે શું વિચારીએ છીએ, કેવું વિચારીએ છીએ? શું અનુભવીએ છીએ અને કેવું વર્તન કરીએ છીએ, તે બધું માનસિક સ્વાસ્થ્યની અંદર આવે છે. જો આપણે માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ, તો તે આપણા કામ પર, આપણા સંબંધો પર, આપણી દરેક બાબતો પર અસર કરશે. પણ અફસોસ, આપણે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી માનતા નથી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો

મિત્રો સાથે ગુણવત્તા સભર સમય પસાર કરો
તમારા મિત્રો સાથે ગુણવત્તા સભર સમય પસાર કરો, અને આ માટે ફોન પર જ આધાર રાખવો નહિ. ફોન દ્વારા કદાચ હજારો ફેસબુક ફ્રેન્ડ બનશે પણ એક એવો મિત્ર જે તમને સમજી શકે એવો મિત્ર હોવો જરુરી છે. મિત્રો સાથે સમય પસાર કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. નાનપણની યાદ દ્વારા માનસિક ફ્રેશ ફિલ થાય છે.

સક્રિય રહેવું જરૂરી
નવરુ મગજ શેતાન કરતા પણ ભયંકર હોય છે માટે સતત એક્ટિવ રહો. કસરત જેવી શારીરિક પ્રવૃત્તિ શરીરમાં એન્ડોર્ફિનનું સ્તર વધારે છે જે મૂડ સુધારે છે અને ખુશ રાખે છે. એટલું જ નહીં, શારીરિક પ્રવૃત્તિ તમને સકારાત્મક રાખે છે, તણાવ દૂર રાખે છે અને સારી ઊંઘ આવે છે છે. આ માટે જીમમાં જવું જરૂરી નથી, તમને ગમતી કોઈપણ પ્રવૃત્તિ કરી શકો. નૃત્ય, ઝુમ્બા, યોગ, કસરત જેવા કોઈ પણ વિકલ્પને અપનાવી શકો છો.

વિધાયક બની કૃતજ્ઞ બનો
આપણે વિધાયક કરતા નકારાત્મક વિચારો પર વધુ ધ્યાન આપીએ છીએ, નકારાત્મક ઘટના આપણા મનમાં લાંબા સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં, જે સારું છે તેના પર આપણે દરરોજ ધ્યાન આપીએ. આ માટે ડાયરી લખવી સૌથી ફાયદાકારક છે. દરરોજ નાની વસ્તુઓ લખો જેના માટે તમે આભારી છો. જે તમને કંઈક કરવા પ્રેરે છે. આ બાબત કરવાથી દરરોજ બનતી સકારાત્મક ઘટનાઓ પર ધ્યાન આપી શકશો.

તમારી જાત પ્રત્યે સંવેદનશીલ બનો અને જાતને પ્રેમ કરો
તમે તમારી સાથે જે રીતે વર્તશો તે રીતે તમે કોઈ બીજા સાથે વર્તશો? ઉદાસી અથવા ગુસ્સે થવા માટે તમારી જાતને દોષ ન આપો, તમારી જાતને પ્રેમથી રાખો, સંભાળ રાખતા શીખો. દરરોજ થોડો સમય તમારી પસંદગીનું કંઈક કરો. સ્વ સંભાળનો અર્થ ફક્ત વેકેશન પર જવાનો, ફરવા જવાનો અથવા મિત્રો સાથે સમય પસાર કરવાનો નથી. જાત માટે સમય કાઢવો એ પણ સ્વ સંભાળનો એક ભાગ છે.

દરરોજ એક કામ એવું કરો જે ખૂબ આંનદ આપે
રોજ એક કામ એવું કરો જે તમારું બેસ્ટ હોય. જેનાથી તમને ખૂબ આનંદ મળે જેનાથી તમારી જાતને વિધાયક શક્તિનો અનુભવ થાય

ઊંઘને પ્રાથમિકતા આપો
સારી ઊંઘ આપણને સ્વસ્થ રાખે છે. દરરોજ 8 કલાકની પૂરતી ઊંઘ લો. જો તમને ઊંઘવામાં તકલીફ હોય તો તમારી જીવનશૈલીમાં કસરત ઉમેરો. પથારીથી મોબાઈલ થોડો દૂર રાખો. સૂતા પહેલા સોશિયલ મીડિયાથી દૂર રહો.

વર્તમાનમાં જીવો
​​​​​​​ભૂતકાળના વિચારો મૂકી વર્તમાનમાં જીવો, તે તમને તમારી આસપાસની ઘટનાઓ વિશે સકારાત્મક બનાવશે. એટલું જ નહીં, ભવિષ્યની ચિંતા કરીને અથવા ભૂતકાળના અપરાધમાં રહીને, તમે બિનજરૂરી રીતે તમારા મન પર ભાર મૂકો છો. તેથી દરેક ક્ષણનો આનંદ માણો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો.

માનસિક સ્વાસ્થ્ય વિશે સમાજનો દ્રષ્ટિકોણ
- હકીકતમાં, આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં માનસિક બીમારી હંમેશા જાહેર અને ખાનગી સ્તરે ઉપેક્ષિત મુદ્દો રહ્યો છે. લોકોએ શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વ માનસિક સ્વાસ્થ્યને આપવાનું બાકી રહ્યું છે.

- સૌથી ચિંતાજનક બાબત એ છે કે, કોઈ પણ માનસિક વિકારથી પીડિત વ્યક્તિને પાગલ ગણવામાં આવે છે અને તે વ્યક્તિની સમાજમાં અવગણના કરવામાં આવે છે

- માનસિક વિકારથી પીડિત વ્યક્તિ સમાજ અને પરિવારની ઉપેક્ષાને કારણે એકલતાનો શિકાર બને છે. એકલતાને કારણે, તે પોતાના વિચારો અન્ય લોકો સાથે શેર કરી શકતો નથી, આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાને અથવા અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે.

- જો કોઈ વ્યક્તિ એકવાર માનસિક રોગથી પીડાય છે, તો પછી તેણે આખી જિંદગી આ ટેગ સાથે જીવવું પડે છે કે તે પાગલ છે, પછી ભલે તેને તે રોગમાંથી મુક્તિ મળે. આજે પણ ભારતમાં આવા લોકો માટે સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાવાનું ખૂબ જ પડકારજનક છે.

અન્ય સમાચારો પણ છે...