રાજકોટ જિલ્લાના ગામડાંઓમાં ખેડૂતોને ચોમાસા પહેલા ક્યા પાકનું વેવાતર કરવું, ક્યા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો તેની વૈજ્ઞાનિક ઢબે જાણકારી મળી રહે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે, દરમિયાન આ કામગીરી માટે જિલ્લાના 597 ગામ વચ્ચે માત્ર 53 ગ્રામસેવક જ કાર્યરત હોઇ, એક એક ગ્રામસેવકને આ સાલ જમીનના 10-10 નમૂના લેવાનો આદેશ કરાયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગ્રામસેવકોને જમીનના નમૂના લેવાની કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત કામગીરી આખરી ઓપમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, જૂનું મહેકમ અને લાંબા સમયથી જગ્યાઓ ખાલી હોવાથી એક ગ્રામસેવકના ફાળે પંદરથી વીસ ગામની કામગીરી આવે છે.
અગાઉ સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી માટે ગામના અન્ય યુવાનોને પણ જમીનના નમૂના લેવાની કામગીરી સોંપવામાં આવતી હતી, તેઓને રોજગારી મળતી હતી, દરમિયાન હવે ખેતીવાડી વિભાગ દ્વારા કામગીરીની તે જૂની પદ્ધતિ બદલાવવામાં આવી છે. હાલ ગ્રામસેવકો દ્વારા લીધેલા નમૂના લેબમાં મોકલ્યા બાદ સોઇલ હેલ્થ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
જળસંચયને લગતા 735 કામ મંજૂર
જમીનમાં પાણીનું સ્તર વધે અને મીઠા પાણીનો સંચય થાય તે હેતુસર શરૂ થયેલા ‘સુજલામ સુફલામ’ જળ અભિયાન’ અંતર્ગત કુલ 735 કામ મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં તળાવો ઊંડા કરવા, તળાવના ઓવાર સાફ કરવા, હયાત ચેકડેમનું ડિસિલ્ટિંગ સહિતના કામોને લઇને 11 તાલુકામાં એક એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. આ કામગીરી સંપૂર્ણપણે ક્યારે પૂરી થાય છે તેના પર ગ્રામજનોની મીટ મંડાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.