• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Disturbance Of Citizens Due To Bridge Work In Hospital Chowk, Rajkot, Traffic Chaos, Municipal Commissioner Instructed To Make One More Diversion.

તંત્ર એક્શનમાં:રાજકોટના હોસ્પિટલ ચોકમાં બ્રિજના કામથી શહેરીજનો પરેશાન, ટ્રાફિકની અંધાધુંધી, મ્યુનિ.કમિશનરે વધુ એક ડાયવર્ઝન બનાવવાની સુચના આપી

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસરે હિન્દ પુલ તરફથી આવતા ફોર વ્હીલર જુની કલેકટર કચેરી તરફ વાળવા નવો સર્વિસ રોડ
  • પારેવડી ચોકથી જુની કલેકટર કચેરી તરફ ફોર વ્હીલર વાહનોને પસાર થવા ડાયવર્ઝન કઢાશે

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં બની રહેલા બ્રીજના કારણે કેસરે હિન્દ પુલથી મોચી બજાર, કલેકટર કચેરી રોડ, જામનગર રોડ તરફ ટ્રાફિકની ભયંકર અંધાધુંધી ચાલી રહી છે. આ કામની પ્રગતિનો રીપોર્ટ લેવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા સ્થળ પર ગયા હતા અને પારેવડી ચોકથી જુની કલેકટર કચેરી તરફ ફોર વ્હીલર વાહનોને પસાર થવા વધુ એક ડાયવર્ઝન બનાવવાની સુચના આપી હતી.

વાહનવ્યવહારનું ભારણ વધ્યું
મહાનગરપાલિકા દ્વારા હાલ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવરબ્રિજની ચાલી રહી છે. તાજેતરના ભારે વરસાદને પગલે બ્રિજની કામગીરીને પણ થોડી અસર પહોંચી હતી. જોકે હવે વરસાદ થંભી ગયો હોઈ, ઓવરબ્રિજની કામગીરી શકય તેટલી વધારે ઝડપથી આગળ ધપે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવેલ છે. સાથોસાથ આ બ્રિજની કામગીરીને કારણે સ્વાભાવિકરીતે જ મોચી બજારમાં કોર્ટ વાળા રોડ પર વાહનવ્યવહારનું ભારણ વધ્યું છે.

વાહનવ્યવહાર માટેના અન્ય વિકલ્પ વિશે વિચારણા
લોકોની આ મુશ્કેલી હળવી કરવા માટે પણ મહાનગરપાલિકા વાહનવ્યવહાર માટેના અન્ય વિકલ્પ વિશે વિચારણા કરી રહી છે. આ આયોજનના ભાગરૂપે કમિશનર અમિત અરોરાએ સિવિલ હોસ્પિટલ ચોકની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન કમિશનરે બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. ચોમાસાના કારણે કાર્ય પ્રગતિમાં જે કાંઈ અવરોધ આવ્યો હતો તેને હવે ઝડપથી સરભર કરવા માટે વધારાના મજુરો અને મશીનરી કામ પર લાવવા સંબંધિત અધિકારીઓ અને એજન્સીને સૂચના આપી હતી.

જુની કલેકટર કચેરી પાસેના રોડ પર જઈ શકાય
કમિશનરે બ્રિજની કામગીરીને કારણે મોચી બજાર, કોર્ટ બિલ્ડિંગવાળા રોડ પર વાહનોના આવાગમનનું જે પ્રમાણ વધ્યું છે તેના શકય ઉકેલ લાવવા અન્ય સર્વિસ રોડ ઉપલબ્ધ બનાવવા વિચાર્યું છે. જેમાં પારેવડી ચોક તરફથી આવતા ફોર વ્હીલ વાહનો માટે જમણી બાજુ ડાઈવર્ઝન તૈયાર કરાવી જુની કલેકટર કચેરી પાસેના રોડ પર જઈ શકાય. આ રોડ રૂખડીયા કોલોની પાસેના રેલ્વે ફાટક પહેલા ડાબી બાજુએ વળે છે અને ત્યાંથી સીધો જ જંકશન મેઈન રોડને એપ્રોચ કરે છે. શકય તેટલી ઝડપે આ આ વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

ટ્રાફિક સમસ્યા ખુબ ગંભીર બની ગઇ છે
કમિશનરએ જણાવ્યું હતું કે આ નવા ડાઈવર્ઝન પર ફોર વ્હીલ વાહનોને ડાઈવર્ટ કરવાથી મોચી બજાર કોર્ટવાળા રોડ પર ટ્રાફિકનાં ભારણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. મહાનગરપાલિકા આ સર્વિસ રોડ સુવિધા ઉપલબ્ધ બનાવવા ઝડપભેર આગળ ધપી રહી છે. આ રોડની ટ્રાફિક સમસ્યા ખુબ ગંભીર બની ગઇ છે.