રાજકોટ જિલ્લા પંચાયત કચેરી અને પ્રમુખના બંગલાનો અગાઉનો બે વર્ષનો રૂ.18.79 લાખનો વેરો મહાપાલિકામાં સમયસર ન ભરાતા બે લાખનું વ્યાજ ચડી ગયું હતું. તત્કાલીન કારોબારી બેઠકમાં ચેરમેને બેદરકારી દાખવનાર કર્મચારી પાસેથી જ વ્યાજ વસૂલાશે તેવો આદેશ કરી તપાસ સોંપ્યા બાદ એક મહિનો વીતી જવા છતાં આ પ્રકરણની તપાસમાં ‘જા બિલાડી મોભામોભ’ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ કાર્યપાલક ઇજનેર સંદીપ મહાલા કરી રહ્યા છે, આ બાબતે ફોલોઅપ માગ્યું છે. છેલ્લા એક મહિનાથી તત્કાલીન વેરો ન ભરાવા માટે બેદરકાર કોણ? તે અંગેની તપાસ કરી રહેલા તપાસનીશ અધિકારી મહાલાએ મેં ડી.ઇ. આર.બી.પટેલ પાસે સ્પષ્ટતા (ખુલાસો) માગ્યો છે, તેવું જણાવ્યા બાદ હાલ તેઓ પણ રજા પર ઉતરી ગયા છે.
આ અંગે ડે.ડી.ડી.ઓ. બ્રિજેશ કાલરિયાને પૂછતાં તેઓએ ‘દિવ્ય ભાસ્કર’ને અગાઉની જેમ જ ડિપ્લોમેટિક આન્સર આપતા મગનું નામ મરી પાડ્યું ન હતું ! તપાસમાં શું ગતિવિધિ છે તે સ્પષ્ટ માહિતી આપી ન હતી. ડી.ડી.ઓ. દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ તપાસ ડે.ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ મુદ્દાને લઇને ક્યાંકને ક્યાંક પદાધિકારીઓના હુકમ અને અધિકારીઓની કાર્યશૈલીનો મુદ્દો ચર્ચાના એરણે આવી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.