તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લા પંચાયતના પદાધિકારીઓને અંધારામાં રાખી 67 તલાટીમંત્રીની અચાનક જ બદલી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ જિલ્લામાં અમુક તલાટીને મનગમતા સ્થળ ન મળતા નેતાઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી

એક તરફ રાજકોટ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની ઘટ છે. તેની વચ્ચે જિલ્લાના 67 તલાટીની એકસાથે બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી ડેપ્યુટી ડીડીઓએ તલાટીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જોકે પદાધિકારીઓને અંધારામાં રાખીને બદલી કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. અધિકારીએ રાતોરાત બદલીનો આદેશ કરતાં પદાધિકારીઓ પણ વિચારતા રહી ગયા હતા.

જિલ્લા પંચાયતમાં નવી બોડી આવી ત્યારથી તલાટીઓ ચર્ચામાં રહ્યાં છે. અગાઉ કારોબારીમાં તલાટીઓની કામગીરી સામે ઉઠેલા સવાલ બાદ હવે તલાટી કમ મંત્રીઓની બદલીને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના આદેશથી ડેપ્યુટી ડીડીઓએ જિલ્લાના 67 તલાટી કમ મંત્રીની બદલી કરી નાખી છે. જોકે પદાધિકારીઓને પણ બદલીનો રિપોર્ટ હાથ આવ્યા બાદ તલાટીઓની બદલી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યારે કોઈ જાણ વિના જ બારોબાર બદલીનો ઘાણવો નીકળી જતાં પદાધિકારીઓની ચેમ્બરમાં દિવસભર ચર્ચાઓ શરૂ રહી હતી.

કેટલાક તલાટીઓની તાલુકાના જ અન્ય ગામમાં બદલી કરાઈ છે, તો કોઈને બીજા તાલુકામાં બદલીનું સ્થળ સોંપવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રાજકોટના 11 અને જસદણના તેમજ ગોંડલ તાલુકાના 9 તલાટીઓની બદલી થઈ છે. જોકે બદલીમાં પણ માત્ર 9ની જ માગણીના કારણે કરવામાં આવી છે.

11 મહિના ન થયા હોય તેવા તલાટીને પણ બદલી દેવાયા
બદલીના ઘાણવામાં કેટલાક તલાટી કમ મંત્રીઓ એવા પણ છે જેને 11 મહિના પણ પૂરા નથી થયા, તેમ છતાં બદલીનો આદેશ કરાયો છે. જેમાં વેરાવળ, કુવાડવા તેમજ કાંગશિયાળીના તલાટી પણ છે કે જેને 11 મહિનાથી ઓછો સમય થયો છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, તલાટીઓની કામગીરી કે ફરિયાદને ધ્યાનમાં રાખ્યા વિના જ બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...